આંખમાં આવતાં પાણી-અશ્રુ, દુઃખ કે હર્ષ વખતે ટપકતાં હોય છે. અનેક પ્રસંગે આંખમાં ઝળઝળિયાં આવી જાય. દિલગીરીની લાગણી થવાથી, કોઈકની વિદાય થવાથી, સ્વજનોથી દૂર જતાં સમયે આંસુ આવે. હા, આનંદની વાત જાણવાથી-સાંભળવાથી આંખમાં હર્ષનાં આંસુઓ વહેવા લાગે. કેટલીક વ્યક્તિને કોઈક થોડું સંભળાવે કે તરત આંખો ભીંની થઈ જાય. બાળપણમાં અભ્યાસ માટે પિતાશ્રી મારે તે પહેલાં જ આંખોમાંથી ગંગા-જમના વહેવા લાગતી એટલે માતાશ્રી બચાવી લેતાં, તે યાદ છે. પહેલાં તો કન્યાવિદાય વખતે દીકરીઓ પોકેપોકે રડતી. આજે ફેરફાર થયો છે. ઘણીવાર સ્વજનની કાયમી વિદાય પછી જીવન જીવવા જેવું ન લાગે ત્યારે આંખમાંથી આંસુ નિરંતર વહ્યાં કરે એમ પણ બને.
આમ માનવી લાગણીશીલ છે. લાગણી અનુભવતા દરેક માનવીને પ્રસંગોપાત આંસુઓ ટપકી પડે છે. કોણ કહે છે કે, પુરુષોને આંસુ આવતાં નથી? ખુશી-દુઃખમાં આંસુ આવે જ. પણ આ આંસુઓ આવે કઈ રીતે? આપણે રડીએ ત્યારે શું થાય છે? આ એક રહસ્ય છે. વૈજ્ઞાનિક મત મુજબ તંદુરસ્તી સાચવવા માટે આંસુ સારા છે. રુદન એ તાણ સામક જ નથી પણ સ્વાસ્થ્યવર્ધક પણ છે. આમ તો ડુંગરી-કાંદા સમારતી વખતે પણ આંખોમાંથી આંસુઓ ટપકવા શરૂ થઈ જાય. આજુબાજુના સૌને અસર વર્તાય. લાગણીસભર થતાં વહેતાં આંસુ અને કાંદા સમારતી વખતે આવતાં આંસુઓનાં સંયોજનમાં ફરક હોય છે. ટૂંકમાં તંદુરસ્તી માટે આંસુ સારા છે.
નવસારી -કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
નોખા સમાજ મિજાજનાં આદિવાસી લગ્નગીત
વાટો પોઅ મીઠી બોર, કટાલી વા કટાલી… માલુ વેવાણેંઅ લાંબો કાઘરો, ચીંટાયો વા ચીંટાયો… ગુજરાતની પૂર્વ પટી પર પર્વતોની હાર માળામાં આવેલા નાંદોદ ઝઘડિયા, ડેડિયાપાડા, સાગબારા, નિઝર ઉમરપાડા, માંડવી વગેરે તાલુકાઓમાં મુખ્યત્વે વસાવા, ભીલ, ચૌધરી, ગામીત, પાડવી, તડવી, વળવી વગેરે જાતિ સમૂહનો આદિવાસી સમાજ આદિકાળથી વસવાટ કરે છે! બાપીકી થોડી ઘણી જમીનમાં સખત પરિશ્રમ કરી વર્ષ જોગુ અનાજ-કઠોળ રળી લઇ જીવન નિર્વાહ કરે છે.વર્ષ દરમ્યાન ચોમાસાના પ્રારંભે નાંદરવો, મારનીયો, ગભાણિયો વગેરે દેવોના વ્રત-વરતારા મુજબ આનંદ-ઉલ્લાસથી પૂજા-અર્ચના કરી તહેવાર મનાવતા હોય છે.
પ્રત્યેક જાતિ સમૂહની વિધિ-ઉજવણી પણ અલગ અલગ જોવા મળે છે. હોળી-ધૂળેટી, દશેરો, દિપાવલી જેવા રાષ્ટ્રીય પર્વો પણ મન મૂકીને માણે છે. અમારા વસાવા સમાજમાં લગ્નમાં ગવાતા ગીતોમાં વેવાઇ-વેવાણના નામ જોગ, કટાક્ષ અને રોમાંચક ખેલદિલીપૂર્વકના શબ્દો સાંભળવા-અનુભવવા જેવા મારા ભાઇ !! અને તે વળી કોકને ઉતારી પાડવા-ધોઇ નાખવા સંદર્ભે નીચું જોવડાવવા માટે હરગીઝ નથી. ઉપરોકત બે કડીના ગીતમાં કહેવાયું છે કે રસ્તા પર પથરાયેલી મીઠી બોર કટાલી-કાંટાવાળી છે, અને તેમાં માલુ વેવાણનો કાઘરો-ઘાઘરો ચીંટાયો-ભેરવાયો છે!
કાકડવા – ઉમરપાડા કનોજભાઇ વસાવા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે