સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આઠ વર્ષ પહેલાં બનાવાયેલા આવાસના પોપડાં પડવા લાગ્યા છે. આજે આવાસની ગેલેરીમાં રમતા બાળકો પર છત પરથી પોપડાં પડ્યા હતા. જોકે, સદ્દનસીબે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. માત્ર આઠ જ વર્ષમાં પાલિકાના આવાસ જર્જરિત થઈ જતા તેમાં રહેતા શહેરીજનો કેટલાં સુરક્ષિત તે પ્રશ્ન ઉઠ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અડાજણ એસએમસી આવાસમાં ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ગેલેરીમાં બાળકો રમતા હતા ત્યારે તેઓ પર પોપડાં પડ્યા હતા, જેના લીધે અહીં ભાગદોડ મચી ગઈ હતી. બાળકો તેમજ નજીકમાં રહેતા લોકો આવાસની બહાર દોડી ગયા હતા. લોકોના જીવ પડીકે બંધાયા હતા. આવાસના પહેલાં અને બીજા માળ પર પોપડા પડ્યા હતા. 15 કિલોથી વધુ વજનના પોપડા પડતા નાસભાગ મચી ગઈ હતી. આ આવાસ 2015માં બન્યું હતું. માત્ર 8 જ વર્ષમાં આવાસના પોપડાં ખરવા લાગતા પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે.
સ્થાનિક રહીશોએ કહ્યું કે, અનેકોવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. મોટી દુર્ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું તેમ લાગી રહ્યું છે. લોકો આવાસમાં ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે.