Charchapatra

કાગડા – કાચિંડાની તસવીર અને મહારાષ્ટ્રનું રાજકારણ

‘ગુજરાતમિત્ર’ના 30 મી જૂનના અખબારમાં પ્રકટ થયેલી કાગડા અને કાચિંડા વચ્ચેની લડાઇની તસવીર તસવીરકાર સતીશ જાદવે એના કેમેરામાં આબાદ રીતે કેદ કરી એને એ દુર્લભ તસવીરને યાદગાર સ્વરૂપ બનાવી દીધું છે. આ તસવીર નિહાળતાં ગંદા રાજકારણનાં દર્શન થાય છે. આ તસવીર એવા સમય પર આવી છે, જ્યારે મહારાષ્ટ્રના આપસની લડાઇનો ડ્રામા આ શહેરમાં પૂરબહારમાં ચાલી રહ્યો હતો. કાચિંડાનો મૂળ ધરમ છે રંગ બદલવાનો. આ તસવીરમાં કાગડો કાચિંડાની પૂંછડી ખેંચી રહ્યો છે. ઘડી ઘડી કાચિંડા જેવા રંગ બદલવાનો સ્વભાવ રાજકારણમાં ઘૂસી ગયો છે.

એ સાથે કાગડાએ એના કાળા કરતૂતનો પરિચય કરાવી દીધો છે. કાગડાની ભૂમિકામાં સત્તાધારી પક્ષ ભાજપે એની કમાલ કરી બતાવી છે. વારી તારા પછી મારી બારી. લાગ જોઇને સમયસર ભાજપે આ લડાઇમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી માસ્તર સ્ટ્રોક મારી લીધો છે. વર્ષોથી ભારતના રાજકારણમાં આવાં વરવાં સ્વરૂપ જોવા મળ્યાં છે. એમાં નવાઇ પામવા જેવું  નથી. અફસોસ કરવા જેવો નથી. ભાજપે એક કાંકરે 2 પક્ષી મારી લીધાં છે. કોંગ્રેસનું નામોનિશાન મિટાવી દેવાના મિશનમાં એ મેદાન મારી ગયું છે. આવો મિજાજ ભારતવાસીઓને દરેક પક્ષની સરકાર દ્વારા અનેક વાર જોવા મળ્યો છે. સાક્ષી ભાવથી આવાં નાટક જોવાં રહ્યાં. તસવીરકારો એના નિર્દોષ ભાવથી તસવીર ખેંચી છે.  એમાં કોઇ રાજકીય રંગ નથી. એ સાથે રાજકારણને ફીટ બેસે એવી આ તસવીર દ્વારા રાજકીય નેતાની સાન ઠેકાણે આવશે ખરી?
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top