સરથાણામાં લોકોના ટોળાંએ સિટી બસને સળગાવી દીધી, પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી 3ને પકડ્યા

સુરત: (Surat) ઉત્તરાયણની રાત્રે સુરતના સરથાણામાં લોકોના ટોળાંએ એક સિટી બસને (City Bus) સળગાવી (Fire) દીધી હતી. દોડતી બસે એક રાહદારીને ટક્કર (Accident) મારતા લોકટોળું ઉશ્કેરાયું હતું. આગનો કોલ મળતા ફાયર બ્રિગેડે (Fire Brigade) દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બસને ખૂબ નુકસાન પહોંચ્યું હતું. બસનો ડ્રાઈવર અને કંડકટર સમયસૂચકતા વાપરી નીચે ઉતરી ગયા હોય તેઓ સુરક્ષિત છે. પોલીસે બસ સળગાવનારા ટોળામાંથી 6ને ઓળખી લીધા છે અને 3ની અટકાયત કરી છે. દરમિયાન બસની ટક્કર લાગતા ઈજા પામેલા રાહદારીને 108માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

  • શુક્રવારે રાતના 9.30ની ઘટના, રાહદારી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સિટી બસની ટક્કર લાગતા બેભાન થયો
  • ઈજાગ્રસ્ત રાહદારીને 108માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ઉશ્કેરાયેલા ટોળાંએ બસને સળગાવી
  • બસના ડ્રાઈવર અને કંડક્ટર સુરક્ષિત, પોલીસે ટોળામાંથી 6ને ઓળખી કાઢ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા નજીક આવેલા ડાયમંડનગરમાં શુક્રવારે ઉત્તરાયણની મોડી રાત્રે એક રાહદારી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને સિટી બસની ટક્કર લાગી હતી. ટક્કર મારનાર સિટી બસને લોકોએ સળગાવી દેતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત રાહદારીને તાત્કાલિક સારવાર માટે 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યારે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી આગ લગાવનાર 6 જેટલાની ઓળખ કરી લઈ 3ની અટકાયત કરવામાં આવી હતી.

સળગતી બસ અંગેનો કોલ ફાયર બ્રિગેડને મળતાં લાશ્કરોએ ઘટનાસ્થળે જઈ બસની આગને કાબૂમાં લીધી હતી. જાણ થતાં સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ટોળાને વેરવિખેર કર્યો હતો. આ દુર્ઘટનામાં બસના ડ્રાઇવર-કંડકટર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

સરથાણા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.કે. ગુર્જરે કહ્યું કે BRTS રૂટ પર એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે બસે અડફેટે લેતાં તે રસ્તા પર પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાને જોઈ લોકો રોષે ભરાયા હતા અને ટોળાએ બસને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ બાદ પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. બસને આગ ચાપનાર 6 જણાની ઓળખ કરવામાં આવી છે, જે પૈકી 3ને ડિટેન કરાયા છે. આજે CCTV ફૂટેઝના આધારે આગળની તપાસ હાથ ધરાશે.

BRC કામરેજ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર પ્રવીણ પટેલે કહ્યું કે, આગનો કોલ લગભગ રાત્રે 9:30 વાગ્યાનો હતો. તરત જ અમારી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લોકોનાં ટોળાંએ આખી બસ સળગાવી દીધી હતી. પાણીનો મારો કરી આગને કાબૂમાં લઈ લીધી હતી. આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

Most Popular

To Top