સુરત: હાલમાં દિવાળી(Diwali Vacation) વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. વેકેશનમાં સુરતમાંથી અનેક લોકો બહારગામ ફરવા ઉમટી પડે છે. સુરતમાં પણ અનેક સ્થળો હરવા-ફરવા લાયક છે. જ્યાં વેકેશનમાં અનેક લોકો હરવા ફરવા માટે ઉમટી પડે છે. ત્યારે સુરતનાં સરથાણા નેચર પાર્ક(Sarthana Nature park)માં દિવાળી વેકેશનને લઇ લોકોની ભીડ ઉમટી પડી છે. માત્ર એક જ અઠવાડિયામાં હજારોની સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી. જેના પગલે સુરત મહાનગરપાલિકાને લાખ્ખોની આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમિયાન લોકડાઉનનાં પગલે સુરત મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓના અભાવે કાગડા ઉડતા નજરે પડ્યા હતા. લોકડાઉન ખુલ્યા બાદ દિવાળી વેકેશનમાં લોકો નેચર પાર્કમાં ઉમટી પડ્યા છે.
એક જ અઠવાડિયામાં પાલિકાને લાખ્ખોની આવક
દિવાળી વેકેશન શરુ થયાનાં એક જ અઠવાડિયામાં 1 લાખ જેટલા લોકોએ સુરત નેચર પાર્કની મુલાકાત લીધી હતી. જેના પગલે સુરત મનપાને 28 લાખથી વધુની આવક થઇ છે. તારીખ 21/10/2022 થી 28/10/2022 સુધીમાં સરથાણા નેચર પાર્કમાં કુલ 1,00,454 લોકોએ મુલાકાત લીધી હતી. જેના પગલે સુરત મનપાને 28,51,790 લાખની આવક થઇ છે. અઠવાડીયા દરમિયાન માત્ર એક જ દિવસમાં 7 લાખની આવક થઇ હતી.
તારીખ | મુલાકાતીઓ | આવક |
21-10-2022 | 1220 | 33010 |
22-10-2022 | 1559 | 42850 |
23-10-2022 | 3171 | 88740 |
24-10-2022 | 1558 | 217190 |
25-10-2022 | 21359 | 610840 |
26-10-2022 | 25483 | 731910 |
27-10-2022 | 21673 | 613380 |
28-10-2022 | 18431 | 513870 |
સરથાણા નેચર પાર્કમાં આ પ્રાણીઓએ જમાવ્યું આકર્ષણ
નેચર પાર્કમાં ત્રણ બાળ સિંહોએ લોકોએ આકર્ષણ જમાવ્યું છે. નેચરપાર્કમાં સિંહણ વસુધા અને સિંહ આર્ય વચ્ચે સંવનન થયા બાદ ગત તારીખ 30 મેના રોજ વસુધાએ ત્રણ સિંહબાળને જન્મ (Birth) આપ્યો હતો. આ ઉપરાંત દેશના માત્ર આજ પાર્કમાં જળ બિલાડી જોવા મળે છે. આ ઉપરાંત સફેદ વાઘની જોડીએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. સુરતનાં નેચર ખાતે કેપટિવ બ્રીડિંગ થકી જન્મ લેતી જળબિલાડીને દેશના અલગ-અલગ ઝૂમાં મોકલવામાં આવે છે. આખા દેશમાં માત્ર સુરતના નેચર પાર્કમાં કેપટિવ બ્રીડિંગ થાય છે. દેશના કોઇપણ ઝુમાં જળબિલાડી સુરતથી જ મોકલવામાં આવે છે. શહેરમાં 2006માં આવેલા પૂર દરમિયાન અમરોલી વિસ્તારમાંથી જળબિલાડી અને એક નર મળી આવ્યા હતા. આ જોડીને સરથાણા નેચરપાર્કમાં લઇ જવાઇ હતી. આ બંનેનું કેપટિવ બ્રીડિંગ કરવામાં આવતા એક બાદ એક બચ્ચાનો જન્મ થયો હતો. 2006થી લઇ અત્યારસુધીમાં સરથાણા ઝૂમાં કુલ 33 બચ્ચા બ્રીડિંગથી ઉછેરવામાં આવ્યા હતા.