નડિયાદ: આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં સમયસર વરસાદના પગલે ચોમાસુ પાક સારો ઉતરવાની આશા બંધાઇ હતી. પરંતુ દશેરાના બીજા દિવસથી પાછોતરા વરસાદના પગલે આશા પર પાણી ફરી વળે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.
બંગાળની ખાડીમાં ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે ગુરૂવારના રોજ એકાએક આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાનું વાતાવરણ પલટાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચ નડિયાદ પંથકમાં સવારના સમયે વરસાદી છાંટા પડવા લાગ્યાં હતાં. જે બાદ સાંજના સમયે નડિયાદ, ખેડા તેમજ ડાકોર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના બીજા દિવસે સમગ્ર ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
માતર પંથકમાં બે ઈંચ, મહેમદાવાદ અને કઠલાલ પંથકમાં દોઢ ઈંચ, મહુધામાં એક ઈંચ તેમજ નડિયાદમાં અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે બાકીના તાલુકામાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. સતત બે દિવસ વરસેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લામાં લહેરાતાં ખેતપાક ઉપરાંત ડાંગરના તૈયાર થયેલાં પાકને પણ ભારે નુકશાન પહોંચ્યું હતું. તૈયાર થયેલો પાક બગડવાથી ખેડુતોના મુખમાં આવેલો કોળીયો છિનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો હતો. આણંદ, ખેડા અને મહિસાગરમાં ચોમાસામાં મુખ્યત્વે ડાંગરની રોપણી કરવામાં આવી હતી. પરંતુ વરસાદથી નિષ્ફળ જવાનો ભય ઉભો થયો છે.
આણંદ શહેરમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ
આણંદ જિલ્લામાં બુધવાર સાંજથી જ પલટાયેલા વાતાવરણના પગલે બે દિવસ ભારે વરસાદ રહ્યો હતો. ગુરૂવારની મોડી રાત્રે અને શુક્રવારના રોજ બપોરના સુમારે આસોમાં અષાઢના માહોલ હોય તેમ ધોધમાર વરસાદ પડ્યો હતો. શુક્રવારના રોજ વ્હેલી સવારથી સાંજના છ વાગ્યાના સુધીમાં આણંદમાં 41 મિમી, ઉમરેઠમાં 15 મિમી, બોરસદમાં 14 મિમી, આંકલાવમાં 14 મિમી, ખંભાતમાં 7 મિમી, તારાપુરમાં 26 મિમી, પેટલાદમાં 24 મિમી અને સોજિત્રામાં 4 મિમી જેટલો વરસાદ પડ્યો હતો. આણંદ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. પાલિકાએ હાલમાં જ કેટલાક રસ્તા પર મરામત કરી હતી. પરંતુ પાછોતરા વરસાદના કારણે રસ્તાનું ફરી ધોવાણ શરૂ થઇ ગયું હતું.
લુણાવાડાના ગધનપુર ગામે ખેતરોમાં પાણી ભરાયાં : લણણી માટે તૈયાર ડાંગર જમીનદોસ્ત
મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા તૈયાર થયેલા ડાંગર સહિત ખેતી પાકને ભારે નુકશાન થયું છે. મહીસાગર જિલ્લામાં ગત રોજ પાછોતરો વરસાદ ખાબકતાં ખેડૂતોને તૈયાર થયેલા પાકને નુકસાન થતાં વ્યાપક આર્થિક નુકસાનની ભીતિના પગલે દિવાળી બગાડવાની સંભાવના જણાઈ રહી છે. લુણાવાડા તાલુકાના ગધનપુર ગામમા 200 વિઘાથી વધુ જમીન પર ડાંગરનો પાક કરવામા આવ્યો હતો. જેમાં ધોધમાર વરસાદ વરસતા મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઇ જતાં જગતનો તાત ખેડૂત કુદરતના કહેર સામે લાચાર બન્યો હતો.
ખેતીનો પાક લણણીની તૈયારી હતી, તે દરમિયાન વરસાદ પડતાં ડાંગરના પાકને વ્યાપક નુકશાન થયું છે. જો કે, કાકચીય, હરદાસપુર, પરમપુર, ચેનપુર સહિતના ગામોમાં 800 એકરમાં ડાંગરના પાકને નુકશાન થયું છે. અત્રે નોંધનીય છે કે જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસા દરમીયાન ખેડૂતો દ્વારા ડાંગરની ખેતી કરાય છે. ગત રોજ ભારે પવન સાથે વરસાદ ખાબકતા ડાંગરના ઉભા પાકને નુકશાન થતાં જમીન દોસ્ત થયો હતો. જેથી આ વર્ષે ભારે આર્થિક નુક્શાન થવાની ભિતી સેવાઇ રહી છે. સરકાર આ અંગે સર્વે કરી ખેડુતોને પાકનું નુકસાન અંગે આર્થિક વળતર આપે તેવી માંગ ઉઠી રહી છે.