ભરૂચ: ઝઘડિયાના (Zaghadiya) નર્મદા (narmada) નદી કિનારે આવેલા મણીઘાટ પાસે મગરે (Crocodile) યુવાન ઉપર હુમલો (Attack) કર્યો હતો. જો કે, સ્થાનિકોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો. ઝઘડિયાના રાણીપુરા ગામે રહેતો 36 વર્ષીય સંજય સુનીલ વસાવા સોમવારે નર્મદા નદી કિનારે મણીઘાટ ખાતે પાણી ભરવા ગયો હતો. બપોરે ૩ વાગ્યાના સુમારે યુવાન પાણી ભરી રહ્યો હતો, એ દરમિયાન નદીમાંથી એકાએક મગરે તેના ઉપર હુમલો કરતાં તેણે બૂમરાણ મચાવી હતી. આ યુવાનનો પગ મગરના મોંમાં આવી જતાં તેણે બંને હાથ વડે બચવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, મગરના દાંત લાગી જતાં હાથના ભાગે પણ ઇજા થઈ હતી. આથી સંજયે બચવા માટે બૂમ પાડતાં બૂમો સાંભળી નજીક રહેતા લોકો દોડી આવ્યા હતા. અને લોકોએ મગરને ભગાડવાનો પ્રયાસ કરવા સાથે મગરના મુખમાંથી ઉગારી લેવાના પ્રયાસો કરતાં આખરે સંજયનો જીવ બચી ગયો હતો. ઇજાગ્રસ્ત સંજયને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
ઝઘડિયાના પાણેથા નજીક કારચાલકે 4 રાહદારીને અડફેટે લેતાં ઇજા
ઝઘડિયા: ઝઘડિયાના પાણેથા-અશા રોડ પર ગત રાત્રિ દરમિયાન ચાલવા નીકળેલા એક જ પરિવારના ચાર સભ્યોને કારચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો, જેમાં ચારેય ઇસમ જખમી થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઉમલ્લા દવાખાને લઇ જવાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવાર, તા.૩ના રોજ રાતના આઠ વાગ્યાના સમયે અશા-પાણેથા માર્ગ પર કેટલાક રાહદારીઓને એક ફોર વ્હિલ ગાડીએ અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં ગોવિંદ વણઝારા, મિતેષ વણઝારા, સરદાર દલાજી વણઝારા તેમજ જતીન વણઝારા નામના ઇસમને ગંભીર ઇજા થઇ હતી. આ ઇજાગ્રસ્તો પૈકી કેટલાકને માથા, કેટલાકને ખભા તેમજ હાથ-પગ પર ફેક્ચર થયું હતું. અકસ્માત બાદ ગાડીનો ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાબતે ગોવિંદ ભીખા વણઝારા (રહે.,પાણેથા, તા.ઝઘડિયા, જિ.ભરૂચ)એ ઉમલ્લા પોલીસમાં અકસ્માત કરી નાસી જનાર વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી.