ઇ.સ. ૧૯૨૦ માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું તે પછી એક મહિને બ્રિટીશ સરકાર દ્વારા સત્યાગ્રહીઓને ડરાવવા અને કચડવા ‘આઇડેન્ટિફિકેશન ઓફ પ્રિઝનર્સ એક્ટ’ નામનો કાયદો પસાર કર્યો હતો, જે મુજબ પોલીસને ગુનેગારોના અને કેટલાક કિસ્સાઓમાં આરોપીઓના પણ ફિન્ગરપ્રિન્ટ તેમ જ ફૂટપ્રિન્ટ લેવાની સત્તા આપવામાં આવી હતી. ૧૯૪૭ માં ભારતને આઝાદી મળી તે પછી પ્રજાની સ્વતંત્રતા અને સ્વાભિમાન પર તરાપ મારતો આ કાયદો ચાલુ રાખવાની બિલકુલ જરૂર નહોતી; તો પણ તેને ચાલુ રાખવામાં આવ્યો હતો. હવે તે કાયદો પસાર થયાનાં ૧૦૨ વર્ષ પછી તેને રદ કરવાને બદલે તેને વધુ મજબૂત બનાવતું બિલ લોકસભામાં ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું છે. તે રાજ્યસભામાં પસાર કરવામાં આવશે તે પછી તેના પર રાષ્ટ્રપતિ સહી કરશે અને તે કાયદો પણ બની જશે. ક્રિમિનલ પ્રોસિજર (આઇન્ડેટિફિકેશન) બિલ ગુલામીની જંજીર જેવું હોવાથી લોકશાહીની રક્ષા કરવા ચાહતા લોકોએ તેનો વિરોધ કરવો જોઈએ.
લોકસભામાં પસાર કરવામાં આવેલા બિલનો કથિત ઉદ્દેશ છેલ્લી એક સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ થયો છે, તેનો ઉપયોગ કરીને બ્રિટીશ કાળમાં દાખલ કરવામાં આવેલા કાયદાને વધુ મજબૂત બનાવવાનો છે, પણ તેને કારણે પ્રજાની પ્રાઇવસી જ ખતરામાં આવી જશે. ૧૯૨૦ માં પસાર કરેલા કાયદામાં તો ગુનેગારોની ફિન્ગરપ્રિન્ટ અને ફૂટપ્રિન્ટ જ લેવાની જોગવાઇ હતી; પણ ૨૦૨૨ માં ઘડવામાં આવેલા બિલનો ઉદ્દેશ માત્ર ગુનેગારોના નહીં, પણ અટકાયત કરવામાં આવેલા કોઈ પણ નાગરિકના ફિન્ગરપ્રિન્ટ અને ફૂટપ્રિન્ટ ઉપરાંત તેની હથેળીની છાપ, તેની આંખની કીકી અને રેટિનાનું સ્કેન, ફિઝિકલ અને બાયોલોજિકલ સેમ્પલ (લોહીના નમૂના અને ડીએનએ), હસ્તાક્ષર વગેરે લેવાનો અને તેનો કેદીના જીવનકાળ સુધી સંગ્રહ કરવાનો છે.
આ સૂચિત કાયદાનો ઉદ્દેશ માત્ર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નથી, પણ બ્રિટીશરો દ્વારા ઘડવામાં આવેલા અને પ્રજાને ગુલામ બનાવનારા કાયદાની જંજીરોને વધુ મજબૂત બનાવવાનો છે. જૂના કાયદામાં માત્ર ગુનેગારોની જ ફિન્ગરપ્રિન્ટ વગેરે લેવામાં આવતી હતી, પણ નવા સૂચિત કાયદા હેઠળ કોઈ પણ કારણસર અટકાયત હેઠળ રાખવામાં આવેલા કોઈ પણ આરોપીના બાયોમેટ્રિક્સ લેવાની સરકારને છૂટ આપવામાં આવી છે. દાખલા તરીકે કોઈ રાજકીય પક્ષ દ્વારા મોરચો કાઢવામાં આવ્યો હોય અને ૧૪૪ મી કલમનો ભંગ કરવામાં આવ્યો હોય તો તેમાં ધરપકડ કરવામાં આવેલા તમામ રાજકીય પક્ષના કાર્યકરોના પણ બાયોમેટ્રિક્સ લેવામાં આવશે. કોઈ નાગરિકે ગુનો ન કર્યો હોય પણ તેની પ્રતિબંધક અટકાયતના કાનૂન હેઠળ ધરપકડ કરવામાં આવી હોય તો પણ તેના બાયોમેટ્રિક્સ લેવામાં આવશે અને ૭૫ વર્ષ સુધી સાચવી રાખવામાં આવશે. આ કાયદાને કારણે જેઓ કાયદાની કોર્ટમાં ગુનેગાર પુરવાર નથી થયા તેના બાયોમેટ્રિક્સ પણ સરકાર લઈ શકશે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ તે નાગરિકની સ્વતંત્રતા ખતમ કરવા કરી શકશે.
આ સૂચિત કાયદામાં અટકાયત હેઠળ રાખવામાં આવેલા કોઈ પણ નાગરિકનો ડેટા ૭૫ વર્ષ સુધી સાચવીને રાખવાનો ઉદ્દેશ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન તેના માથે લટકતી તલવાર રાખવાનો છે. આજ દિન સુધી પોલીસને કોઈ પણ નાગરિકની કોઈ પણ ક્ષુલ્લક કારણસર ધરપકડ કરવાની સત્તા આપી દેવામાં આવી છે તેનો દુરુપયોગ થતો આવ્યો છે. ઘણા નાગરિકોને જેલમાં નાખી દેવાનો ડર બતાડીને પોલીસ અધિકારીઓ તેમની પાસેથી રૂપિયા પડાવતા આવ્યા છે. ગુલામીના કાળમાં દાખલ કરવામાં આવેલા પ્રતિબંધક અટકાયત ધારા જેવા કાયદાની આઝાદી પછી કોઈ જરૂર નહોતી; તો પણ પ્રજાને ગુલામ રાખવા માટે તેનો આજે પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. હવે નિર્દોષ નાગરિકોની કનડગત કરવાની સત્તા પણ સૂચિત કાયદા દ્વારા સરકારના હાથમાં આવી જશે.
કોઈ પણ કાયદા હેઠળ કોઈ પણ નાગરિકનો ડેટા કલેક્ટ કરવામાં આવે તો તેનો ચોક્કસ હેતુ હોવો જોઈએ, જેનું વર્ણન તે કાયદાના ડ્રાફ્ટમાં જ હોવું જોઈએ. આ સૂચિત કાયદામાં તેના હેતુ કરતાં પણ આગળ વધીને પર્સનલ ડેટાનો ઉપયોગ કરવાની વાત લખવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા સંગ્રહ કરવામાં આવેલા ડેટાની સોંપણી કોઈ પણ સરકારી એજન્સીને કરી શકાશે. તેમાં ‘કોઈ પણ સરકારી એજન્સી’ નો ફોડ પાડવામાં આવ્યો નથી. તેનો મતલબ એ થયો કે કોઈ પણ સરકારી સંસ્થા તે ડેટાનો દુરુપયોગ પણ કરી શકશે.
ઇન્ડિયન પિનલ કોડમાં જેટલા પણ ગુનાઓની યાદી આપવામાં આવી છે તે બધા ગંભીર અપરાધો હોતા નથી અને બધામાં આરોપીના બાયોમેટ્રિક્સ લેવાની પણ જરૂર હોતી નથી. દાખલા તરીકે કોરોના કાળમાં કોઈ નાગરિક માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળે તો તેને પણ ઇન્ડિયન પિનલ કોડની ૧૮૮ મી કલમ હેઠળ ગુનો ગણવામાં આવે છે. બે વર્ષમાં લાખો નાગરિકો ઉપર ૧૮૮ મી કલમના ભંગના કેસો કરવામાં આવ્યા છે. તેવી રીતે કોઈ વ્યક્તિ હેલ્મેટ કે સીટબેલ્ટ પહેર્યા વગર વાહન ચલાવે તો તે પણ ટ્રાફિકનો ગુનો ગણાય છે. જો વાહનચાલક દંડ ભરવાનો ઇનકાર કરે તો તેની સામે પણ કેસ દાખલ કરવામાં આવે છે, જેમાં સજાની જોગવાઈ પણ છે. આવા મામૂલી ગુનાઓમાં આરોપીના બાયોમેટ્રિક્સ લેવાની અને તેને ૭૫ વર્ષ સુધી સાચવી રાખવાની જરૂર હોતી નથી. સરકાર તેમ કરવા દ્વારા નાગરિકોને સતત ભયના ઓથાર હેઠળ રાખવા માગે છે.
સરકાર દ્વારા આધારકાર્ડ બનાવવાને બહાને નાગરિકોના બાયોમેટ્રિક્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે પણ કેટલાક જાગ્રત નાગરિકો તેની સામે સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. સુપ્રિમ કોર્ટે તેના ચુકાદામાં આધાર કાર્ડને સ્વૈચ્છિક ગણાવ્યું હોવા છતાં તમામ સરકારી સેવાઓ માટે તેને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આધાર કાર્ડની યોજના લાવતાં પહેલાં ડેટા પ્રોટેક્શન માટેનો કાયદો લાવવો પણ જરૂરી હતો, જેને કારણે પર્સનલ ડેટાની સલામતીની ગેરન્ટી મળે અને તેનો દુરુપયોગ ન થાય; પણ તેવો કાયદો સુપ્રિમ કોર્ટના નિર્દેશ છતાં પણ ઘડવામાં આવ્યો નથી. હવે તેવા કાયદાના અભાવમાં મામૂલી ગુનામાં સંડોવાયેલા નાગરિકોના બાયોમેટ્રિક્સ લેવાનો કાયદો ઘડાઈ રહ્યો છે. આ કાયદામાં એવી પણ જોગવાઈ છે કે કોઈ આરોપી તેના બાયોમેટ્રિક્સ આપવાનો ઇનકાર કરે તો તેના પર ઇન્ડિયન પિનલ કોડની ૧૮૬ મી કલમ હેઠળ કામ ચલાવી શકાય, જેમાં સરકારી કર્મચારીને તેની ફરજ બજાવતા રોકવાના ગુના બદલ ત્રણ મહિના સુધીની જેલની સજાની જોગવાઈ છે.
એક બાજુ આપણી સરકાર લોકશાહીનો દાવો કરે છે તો બીજી બાજુ આપણો દેશ ઝડપથી પોલીસ સ્ટેટમાં પરિવર્તિત થઈ રહ્યો છે. સ્માર્ટ સિટીના રૂપકડા બહાના હેઠળ શહેરોની દરેક સડક પર જે કેમેરાઓ લગાવવામાં આવી રહ્યા છે, તેનો ઉપયોગ ગુનેગારો ઉપર નહીં પણ આમ આદમી પર નજર રાખવા માટે કરવામાં આવશે. કોઈ નાગરિક દ્વારા કાયદાનો નાનકડો પણ ભંગ કરવામાં આવશે તો કેમેરામાં તેનો પુરાવો કેદ થઈ જશે અને પોલિસ ઘરે આવી જશે. તેમાં સૂચિત કાયદો વાંદરાને નિસરણી આપવાનું કામ કરશે. તેનો પ્રજાના તમામ વર્ગો દ્વારા વિરોધ થવો જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.