Charchapatra

ગુનાહિત પ્રવૃત્તિઓ અને સમાજ

આજે આપણે  છાપામાં જોઈએ  ચાર જ સમાચાર જોવા મળે છે. પ્રથમ તો યુવકે યુવતીની ઘાતકી હત્યા કરી, બીજું સગીરા પર બળાત્કાર થયો, ત્રીજું ચોરી અને લૂંટફાટ થઈ અને ચોથું  લોકો સાથે લાખોની છેતરપિંડી થઈ. આ સિવાય છાપામાં કશું મહત્ત્વનું હોતું નથી. આ વાંચીને વિચાર આવે છે કે આ સમાજના  યુવકોને શું થયું છે કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે. તેમને તેમની સજાઓ પણ ખબર છે કારણ કે તેઓ પુખ્ત ઉંમરના છે. તો પછી આમ કેમ? અને તેમાં ઘણા શિક્ષિત પણ છે. જે વધુ ભણેલા છે તેઓ લાખોની છેતરપિંડી કરે છે. ત્યારે સ્વામી વિવેકાનંદનું એક વાક્ય યાદ આવે છે, “ચારિત્ર્યથી બુદ્ધિ આવે છે પણ બુદ્ધિથી ચારિત્ર્ય આવતું નથી.” તો આવા ગુનાઓ માટે જવાબદાર કોણ? મતલબ સમાજે પોતાનાં બાળકો ચારિત્ર્યવાન બનાવવાની જરૂર છે અને આ કામ માતા-પિતા, શિક્ષક અને સમાજ કરી શકે છે.

નાનપણમાં સારા સંસ્કાર આપવાનું કામ મા-બાપનું છે. તેઓ પોતાના બાળકોને સ્વાર્થી, અભિમાની, દેખાદેખીવાળા શો-મેન કે અવિવેકી ન બનાવે કે જેથી તેમને ગુના કરવા પડે. બીજું, શિક્ષકો જ્ઞાનની સાથે ચારિત્ર્યનું ઘડતર કરે. અને ત્રીજું સમાજની સૌથી વધુ જવાબદારી છે. સમાજે કાયદા-કાનૂનનું પાલન કરવું અને કરાવવું જેથી ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન ન મળે. ગુનેગારોને કડક સજા કરાવવાની ફરજ સમાજની છે. જો ગુનેગારો ખુલ્લેઆમ નીડરતાથી સમાજમાં ફરશે તો ગુનાઓને  પ્રોત્સાહન મળશે અને ગુનાઓ વધશે. માટે સમાજે પોતાની જવાબદારી  પ્રામાણિકતાથી નિભાવવી પડશે તો જ ગુનાઓનું પ્રમાણ ઘટશે અને આપણે નવી પેઢીને ચારિત્ર્યવાન અને ગુનારહિત બનાવી શકીશું.
સુરત       –  નીરુબેન બી. શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top