ખેરગામ : ખેરગામ(Khergam) દશેરા ટેકરી પાસે શનિવારે સાંજે વાંસદા(Vansda) અને ચીખલી(chikhli)ના ધારાસભ્ય (MLA) અનંત પટેલ(Anant Patel)ની કારને ઘેરીને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર, રિન્કુ આહીર સહિત 40 થી 45 ના ટોળાંએ માર માર્યો(Attack) હતો. આ ઘટનાની જાણ સમગ્ર આદિવાસી સમાજમાં વાયુવેગે પસારતા આદિવાસીઓના ટોળે ટોળાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ ઘટનાના પગલે સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર ખેરગામ ખાતે ખડકી દેવાયું હતું. આ બનાવવામાં ભીખુ આહીર, રીન્કુ આહીર સહિતના ૪૦ થી ૪૫ના ટોળાં સામે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
- વાંસદાથી ખેરગામ મીટીંગમાં આવી રહેલા ધારાસભ્ય અનંત પટેલને ‘આદિવાસી નેતા’ કહી કારનો કાચ તોડી માર મરાયો હતો
- ટોળાંએ ધારાસભ્યની કારનો કાચ તોડી અંદરથી દરવાજો ખોલી માર માર્યો
- ‘આદિવાસી નેતા બનીને ફરે છે, આજે તને પૂરો કરી દઈશું’ કહી પંચ માર્યો
ધારાસભ્ય અનંત પટેલ શનિવારે સાંજે વાંસદા સર્કિટ હાઉસથી નીકળી ખેરગામ મીટીંગમાં કાર નં. જીજે 21ડીએ 177 માં ડ્રાઇવર દિલીપ પટેલ સાથે જઈ રહ્યા હતા. ત્યારે ખેરગામ દશેરા ટેકરી આગળ માર્કેટ પાસે ધારાસભ્યની કારને આંતરી કારનો દરવાજો ખોલવા જણાવતા દરવાજો ખોલ્યો ન હતો. આથી રોષે ભરાયેલા ટોળાંએ કારનો કાચ તોડી અંદરથી દરવાજો ખોલી નાખ્યો હતો. ત્યારે જિ.પં.ના પ્રમુખ ભીખુ આહિરે અનંત પટેલને ‘આદિવાસી નેતા બનીને ફરે છે, આજે તને પૂરો કરી દઈશું’ કહી જાતિ વિષયક ગાળો આપી હતી. રીન્કુ આહિરે આનંદ પટેલનો શર્ટ પકડી કારની બહાર ખેંચી પંચ માર્યો હતો અને કીર્તિ આહીર, અંકિત આહીર અને ચેતને પાવડાથી માર મારી મોબાઈલ પણ ખેંચી લીધો હતો.
હુમલો કરનારા નવસારી જિ.પં.ના પ્રમુખ સહિત ૪૦ થી ૪૫ સામે ફરિયાદ
આ ઘટનામાં રીન્કુ આહિર અને દિનેશ પટેલે અનંત પટેલને ફેંટ મારીને નીચે ફેંકી દીધો હતો અને તમામ તૂટી પડ્યા હતા. ભરબજારમાં થયેલા હિંસક હુમલાની ઘટનામાં 40 થી 45 ના ટોળાંએ હુરિયો પણ બોલાવ્યો હતો. જતા જતા પણ ભીખુ આહિર સહિતના ટોળાએ જાતિ વિષયક ગાળો બોલી ધમકી આપી હતી. આ બનાવમાં જિ.પં.ના પ્રમુખ ભીખુ આહીર, કીર્તિ આહીર, અંકિતા આહીર, ચેતન પટેલ, દિનેશ પટેલ સહિત 40 થી 45ના ટોળાં સામે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની
ખેરગામ પોલીસ મથકના વિસ્તારમાં બનેલી આ ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સામી ચૂંટણીએ ભાજપના આબરૂના લીરેલીરા થઈ ગયા હતા. ધારાસભ્ય અનંત પટેલને માર મારવામાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર સહિતના ૪૦ થી ૪૫ ના ટોળાં સામે ફરિયાદ તો નોધાઇ છે, પરંતુ આદિવાસીઓનો રોષ જોતા પોલીસે ભીખુ આહીરના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. ઉપરાંત ખેરગામ બજારમાં પણ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ખેરગામના તમામ પોઇન્ટ ઉપર પોલીસનો પહેરો જોવા મળ્યો છે.
18 જેટલા કોંગ્રેસીઓને પોલીસે ડીટેઇન કર્યા
ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો થતાં તેમને વાંસદાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની જાણ થતા કોંગ્રેસના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખારામ રાઠવા, અમિત ચાવડા, ચંદ્રિકાબેન બારીયા, સુનિલ ગાંવીત, પુનાજી ગાંવીત, આનંદ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિતના નેતાઓ કોંગ્રેસના કાર્યકરોએ અનંત પટેલની મુલાકાત લીધા બાદ ખેરગામ ઘટના સ્થળે દશેરા ટેકરી ગાંધી સર્કલ ખાતે પહોંચી ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી ધરણાં ઉપર બેસી વિરોધ દર્શાવી સૂત્રોચાર કરી ન્યાયની માંગ કરી હતી. બાદમાં 18 જેટલા કોંગ્રેસીઓને પોલીસે ડીટેઇન કરી ચીખલી લઈ ગઈ હતી.
ધારાસભ્ય ઉપર હુમલો થતાં ધરમપુરમાં આહીર તથા આદિવાસી સમાજના યુવાનો બાખડી પડ્યા
ધરમપુર : ખેરગામમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર જીવલેણ હુમલો થતાં તેના પડઘા ધરમપુરના ભાભા ગામે જોવા મળ્યાં હતાં. જ્યાં આહીર સમાજના યુવાનો તથા આદિવાસી સમાજના યુવાનો બાખડી પડતાં ધરમપુર પોલીસ મથકે સામ સામે ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી જવા પામી હતી. ધરમપુરના ભાભા ગામે પટેલ ફળીયા હનુમાનજીના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં પ્રયાગ પટેલ ઉભો હતો. તેજ અરસામાં કિરણ આહીર, જગદીશ નયલેશ આહીર, નયલેશ કરશન આહીર, નિતીન ડાહ્યા આહીર, હિરેન ડાહ્યા આહીર (તમામ રહે ભાભા)એ પોતાની ગાડીમાં આવી હાથમાં ત્રિકમ પાવડાના હાથા તથા હોકી લઈ આવી પ્રયાગ પટેલને જાતિ વિષયક ગાળો આપી પ્રયાગને ફટકા મારી મુઢ ઈજા પહોંચાડી પ્રયાગ પટેલના પિતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ ધરમપુર પોલીસ મથકે નોધાવતા વધુ પોલીસ હાથ ધરી છે.