Sports

આયર્લેન્ડ સામેની ટી-20 સીરિઝમાં બુમરાહની વાપસી પર બધાની નજર

ડબલિન : આયર્લેન્ડ (Ireland) સામે શુક્રવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-20 (T20) ઇન્ટરનેશનલ મેચની સીરિઝમાં જ્યારે જસપ્રીત બુમરાહ (Jaspreet bumrah) મેદાનમાં ઉતરશે ત્યારે સ્પર્ધાત્મક ક્રિકેટથી (Cricket) લગભગ 11 મહિનાના વિરામ પછી તે વાપસી કરી રહ્યો હોવાથી તેના ફોર્મ અને ફિટનેસ પર તમામની નજર રહેશે. આયર્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમમાં આઇપીએલના સ્ટાર્સ ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ અને જીતેશ શર્માનો પણ સમાવેશ કરાયો છે તેમ છતાં તમામની નજર બુમરાહ પર રહેશે.

ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ દરમિયાન 29 વર્ષીય બુમરાહને પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું. તે પછી તેની સર્જરી કરવામાં આવી હતી. બુમરાહને આયર્લેન્ડ સામેની શ્રેણીથી મેચ પ્રેક્ટિસ પણ મળશે અને એશિયા કપની તૈયારીઓ પણ મજબૂત બનશે.

બીજી તરફ પોલ સ્ટર્લિંગની કેપ્ટનશિપ હેઠળની આયર્લેન્ડની ટીમ પાસે એન્ડ્રુ બાલબિર્ની, હેરી ટેક્ટર, લોર્કન ટકર, લેફ્ટ આર્મ સ્પિનર ​​જ્યોર્જ ડોકરેલ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. જો કે, તેઓ હજુ સુધી ભારત સામે એક પણ મેચ જીતી શક્યા નથી. તેમનો ડાબોડી ઝડપી બોલર જોશ લિટલ ગયા વર્ષે આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ તરફથી રમ્યો હતો. બુમરાહ અને સંજુ સેમસનને છોડીને, હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ ફેવરિટ ટીમમાં સામેલ ખેલાડીઓ આ સીરિઝ દ્વારા એશિયન ગેમ્સ માટે તેમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માંગે છે. આઇપીએલની શોધ રિંકુ અને જીતેશ ભારત માટે ટી-20 ડેબ્યૂ કરશે જ્યારે શિવમ દુબેને પુનરાગમનની તક મળશે. પ્રસિદ્ધ કૃષ્ણા પણ બુમરાહની જેમ વાપસી કરી રહ્યો છે.

આયર્લેન્ડ સામેની સીરિઝથી વર્લ્ડકપ પહેલા બુમરાહની મેચ ફિટનેસનું સ્ટેટસ જાણવા મળશે
બુમરાહ પાંચ દિવસ દરમિયાન રમાનારી ત્રણ મેચમાં વધુમાં વધુ 12 ઓવર નાખવાની આવશે. આ સિરીઝથી મુખ્ય પસંદગીકાર અજીત અગરકર, વન ડે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ખબર પડશે કે મેચ ફિટનેસના મામલે બુમરાહનું સ્ટેટસ શું છે. જોકે, પચાસ ઓવરનું ફોર્મેટ સાવ અલગ છે જેમાં તેણે બે, ત્રણ કે ચાર ઓવરના સ્પેલમાં દસ ઓવર નાખવાની હોય છે. બીસીસીઆઇએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બુમરાહની બોલિંગનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે શોર્ટ બોલ અને યોર્કર ફેંકી રહ્યો છે. જો કે, મેચની સ્થિતિ સંપૂર્ણપણે અલગ હશે અને ટીમ મેનેજમેન્ટે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ પહેલા બુમરાહ માટે ઉતાવળ કરવાની ભુલી કરી હતી.

Most Popular

To Top