કુલ 12 ટીમો વચ્ચે ક્રિકેટ ફોર હાર્મની થીમ પર રમાનારી ટૂર્નામેન્ટમાં આજે ભીમપોર સ્થિત પીઠાવાળા સ્ટેડિયમ પર બે મેચ રમાશે સુરતના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર અલગઅલગ સમુદાયની ટીમ વચ્ચે 100 બોલ ક્રિકેટ ફોર્મેટનો રોમાંચ જામશે
ગુજરાતમિત્ર દ્વારા ક્રિકેટ ફોર હાર્મની થીમ પર આયોજિત ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગનો આવતીકાલ બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે, જેમાં સુરતના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર 100 બોલ ફોર્મેટ અનુસાર આ લીગ ક્રિકેટ રમાશે. સુરતના અલગઅલગ સમુદાયની કુલ મળીને 12 ટીમો વચ્ચે રમાનારી આ ટુર્નામેન્ટમાં તમામ ટીમને બે અલગઅલગ ગ્રુપમાં વહેચી દેવામાં આવી છે અને શહેરના અલગઅલગ મેદાન પર આવતીકાલ 3 ફેબ્રુઆરીથી લઇને 27 ફેબ્રુઆરી સુધીમાં ફાઇનલ સહિત કુલ 34 મેચ રમાશે.
આ ટૂર્નામેન્ટમાં કેપી ગ્રુપ ભરૂચી વહોરા પટેલ ઇલેવન, ફ્રેન્કફિન લોહાણા ઇલેવન, ગુરૂબાની ઇલેવન પંજાબીસ, સુરત જિલ્લા માહેશ્વરી યુવા સંગઠન મહેશ્વરી સ્ટાર ઇલેવન, એમયુજી મુસ્લિમ યુનિટી ગ્રુપ, અલ તબરેઝ ન્યુટ્રીશન સુરત હલાઇ મેમણ જમાત સ્ટ્રાઇકર્સ, ઓલ અનાવિલ્સ, પટેલ સ્પોર્ટસ એસોસિએશન કોળી પટેલ્સ, સુરત ઓલરાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજ ઉમીયા ઇલેવન કડવા પાટીદાર, બીટી બેટસન્સ સુરતી મોઢ વણીક અઠવા પંચ, શાહ પબ્લિસીટી જૈન વોરિયર્સ અને સરસ્વતી સ્ટ્રાઇકર્સ અગ્રવાલની ટીમો ભાગ લઇ રહી છે.
આ લીગ ટૂર્નામેન્ટની તમામ મેચો શહેરના સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, એન કે ક્રિકેટ ગ્રાઉન્ડ, પીઠાવાળા સ્પોર્ટસ ક્લબ અને રાંદેર ઇસ્લામ જીમખાના ખાતે રમાશે.
આવતીકાલે શહેરના ભીમપોર સ્થિત પીઠાવાલા સ્ટેડિયમ પર સવારે 9.30 વાગ્યે ગુરૂબાની ઇલેવન પંજાબીસ અને પટેલ સ્પોર્ટસ એસોસિએશન કોળી પટેલ્સની ટીમ વચ્ચે રમાનારી મેચથી આ ટુર્નામેન્ટની શરૂઆત થશે. તે પછી બપોરના સમયે 1.30 વાગ્યાથી પીઠાવાળા સ્ટેડિયમ પર જ ભરૂચી વહોરા પટેલ ઇલેવન અને ઉમીયા ઇલેવન કડવા પાટીદાર વચ્ચે બીજી મેચ રમાશે.
કાર્યક્રમમાં ઇન્ટર કોમ્યુનિટિ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટના એસોસીએટ સ્પોન્સર ફ્રેન્કફીન ઇન્સ્ટીટયૂટ ઓફ એરહોસ્ટેસ ટ્રેઇનીંગ વેસુ, હાઇડ્રેશન પાર્ટનર ડેકાથેલોન, હેલ્થ પાર્ટનર ટ્રાઇ સ્ટાર હોસ્પિટલ, હોસ્પિટાલીટી પાર્ટનર સોલીટેર બેંન્કવેઝ-બ્લ્યુ બેઝીલના સંચાલકો ઉપસ્થિત રહયા હતા તે ઉપરાંત તમામ ટીમના સ્પોન્સરર સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા. આ ટૂર્નામેન્ટ કોપર ફોઇલ ઇવેન્ટના સહયોગથી યોજાઇ રહી છે.