જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની કલાપીજીની ક્ષમાયાચના સાથે હવે અમને કહેવા દો કે જયાં જયાં નજર આપણી ઠરે ગાંડા બાવળના ઝૂંડ ઠેર ને ઠેર. આપણે ગમે ત્યાં બહાર જઇશું તો ગાંડા બાવળ યાને કી હડકાયા બાવળના ઝૂંડનાં ઝૂંડ આપણી નજરે પડશે જ. આ બાવળ જમ્મુથી માંડી કન્યાકુમારી સુધી ઊગેલો આ લખનારે જોયો છે. પણ રાજસ્થાન અને ગુજરાતમાં તો આ ગાંડા બાવળનાં જંગલોનાં જંગલો ઊગી નીકળ્યાં છે. એમાંયે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં તો ગાંડા બાવળનો એટલો ઉપાડો છે કે ના પૂછો એની વાત. આ બાવળને કોઇ વાવતું નથી. પણ અણગમતા અતિથિની જેમ વણનોતર્યો એ ચારે બાજુ ઊગી નીકળે છે. ગાંડા બાવળની આસપાસ લીમડા, પીપળા, આમલી, વડ કે શેણ જેવાં છાયા વૃક્ષો ઊગી શકતાં નથી.
ગાંડા બાવળને પુષ્કળ પાણી જોઇએ છે. એ ઉનાળામાં જમીનનો ભેજ ચૂસી લે છે તથા બહારની હવામાંના ભેજને એના પાંદડા ચૂસી લે છે. જયારે ઉનાળામાં તમામ વનસ્પતિ ચીમળાઇ જાય છે અથવા સુકાઇ જાય છે પણ આ રાક્ષસ સમાન હટકાયો બાવળ લીલોછમ બનીને લહેરાતો હોય છે. ઉનાળાની આટલી બધી આકરી ગરમી પડવાનું કારણ પેલો હટકાયો પણ ખરો જ. જે જમીનને સૂકી અને હવાને ભેજરહિત બનાવી દે છે. હડકાયાનો ઝાઝો કોઇ ઉપયોગ નથી. એનો કાંટો માણસ અને પશુઓને વાગે તો ખૂબ જ દર્દ થાય છે. ટૂંકમાં આવા દાનવ સમાન ગાંડા બાવળને કોઇ ખાસ પ્રકારના કેમિકલના છંટકાવથી સાફ કરી દેવો જોઇએ.
સુરત – બાબુભાઇ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દાનના ઘણા પ્રકાર છે
ભારતની આઝાદી પહેલાં રજવાડાં હતાં તે બધાં રાજયો પોતાના રાજમાંથી ખંડણી ઉઘરાવતા હતા. ખંડણી એ એક પ્રકારનો દાનનો પ્રકાર છે. એના બદલામાં ખંડણી પ્રમાણે રાજયનાં લોકોને રજવાડાં ભેટ રૂપે અમુક આપતા હતા. કોઇને રાજયનો ખિતાબ અપાતા હતા તો કોઇને ખેડવાની અમુક જમીનનો હિસ્સો આપતા હતા. આઝાદી મળ્યા પછી ભારતમાં ચૂંટણી આવી. દર પાંચ વર્ષે સંસદસભ્યોની અને રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા લાગી. આ ચૂંટણી લડવા માટે સરકાર દરેક પક્ષોને ચૂંટણી પંચ મારફત નાણાં આપે. દેશના ધનકુબેરો પોતપોતાના પક્ષોને સીધા દાન આપી શકે જે તેમને આયકર વિભાગ પોતાની ઉઘરાણીમાં મજરે આપે.2019માં ચૂંટણી પંચે નવી રીત શોધી કાઢી, કારણ ચૂંટણી પંચ કાંઇ ધનકુબેરો પાસે દાન માંગી શકે નહીં એટલે સ્ટેટ બેંક મારફતે બોન્ડ બહાર પડાવ્યા જે એક જાતના દાનના સર્ટીફીકેટો યા ખતપત્રકો છે.
આ બોન્ડનો હિસાબ હાલમાં જ થોડા વખત પહેલાં ભારતની સર્વોચ્ચ ન્યાયાલયે સ્ટેટ બેંક પાસે હિસાબ માંગ્યો, જેમાં કોણે કેટલા બોન્ડ ખરીદ્યા તેની વિગત માંગી. દરેક ચૂંટણી વખતે સ્ટેટ બેન્ક બોન્ડ બહાર પાડે તો ખોટું નથી. આવી રીતે બોન્ડ બહાર પાડી ધનકુબેરો દ્વારા પક્ષોને મદદ થતી હોય તો ખોટું નથી. હવે 2024ની સંસદીય ચૂંટણી માટે ચૂંટણી પંચ શું કરે છે, કેવી રીતે પક્ષોને નાણાંની મદદ કરે છે તે જોવાનું રહ્યું. આમ પણ જે તે પક્ષમાં વિશ્વાસ ધરાવતા ધનકુબેરો પક્ષને દાન આપે જ છે પરંતુ તેની વિગત બહુ ઓછી જાહેર થાય છે. વિચારો!
સુરત – ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.