National

સુરતના સી.આર. પાટીલે મહારાષ્ટ્ર સરકારને ઉઠલાવી પાડવાનું કાવતરું ઘડ્યું: શિવસેનાના નેતાનો આરોપ

મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Government) એકનાથ શિંદે સહિત 30 બળવાખોર ધારાસભ્ય સોમવારે રાતથી સુરતની (Surat) હોટલમાં ધામા નાંખ્યા છે, જેના લીધે મહારાષ્ટ્રની શિવસેના (ShivSena) સરકાર સામે જોખમ ઉભું થયું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ ઉપડી ગયા છે. એકનાથ શિંદે સુરતમાં બળવાખોર ધારાસભ્યો સાથે મળી પત્રકાર પરિષદ સંબોધે તેવી હિલચાલ જોવા મળી રહી છે, ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે ગુજરાત ભાજપના નેતા સુરતના સી.આર. પાટીલ (CR Patil) પર સનસનીખેજ આક્ષેપો કર્યા છે.

સંજય રાઉતે સમગ્ર કાવતરા પાછળના માસ્તર માઈન્ડ સુરતના સી.આર. પાટીલને ગણાવ્યા છે. રાઉતે કહ્યું કે, આખુંય પ્લાનિંગ સી.આર. પાટીલનું હતું. સી.આર. પાટીલે જ એકનાથ શિંદે અને 30 ધારાસભ્યોના રહેવાની વ્યવસ્થા સુરતની હોટલમાં કરાવી છે. એટલું જ નહીં અન્ય મહેમાનો પાસે સુરતની હોટલ પણ પાટીલે જ ખાલી કરાવી છે. રાઉતે કહ્યું શિવસેના વિરુદ્ધ આ મોટું કાવતરું છે. શિવસેના ઈમાનદારોની સેનાછે. ભાજપ સમજતો નથી કે મહારાષ્ટ્ર રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતા અલગ છે. તેમણે વધુમાં આક્ષેપ મૂક્યો હતો કે, શિવસેનાના કેટલાંક નેતાઓને સુરતની હોટલમાં કેદ રખાયા છે, તેઓને બહાર નીકળવા દેવાય રહ્યા નથી. મને આશા છે કે તમામ ધારાસભ્યો પરત ફરશે.

વધુમાં રાઉતે કહ્યું કે, ડરવાની કોઈ વાત નથી. મુંબઈમાં નથી તે ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી. એકનાથ પણ નોટ રિચેબલ છે. પરંતુ અમને નથી લાગતું કે મહારાષ્ટ્ર સરકારમાં કોઈ ઉલટફેર થાય છે. અમે વર્ષા બંગલો પર મિટીંગ કરી રહ્યાં છે. રાત્રે શરદ પવાર સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મિટીંગ છે.

દરમિયાન ગુજરાત ભાજપમાં પણ ઉત્તેજના વ્યાપી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની એક ગુપ્ત બેઠક મળી હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના 105 ધારાસભ્યોને અમદાવાદ ખાતે તેડાવી લેવાયા છે. જેથી મહારાષ્ટ્રની શિવસેના સરકાર કોઈ સામો ખેલ પાડે નહીં. આમ ખજૂરાહો પેટર્ન પર ગુજરાત ભાજપ મહારાષ્ટ્રની શિવસેના સરકારને ઉથલાવવા બરોબરનો ખેલ પાડ્યો છે.

Most Popular

To Top