બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં કહેવાતી જેન-ઝી યુવા પેઢી ત્યાંની ભ્રષ્ટ સરકારો સામે રસ્તા પર આવી ત્યારે આપણાં દેશના ડાબેરી બુધ્ધિજીવીઓ માટે આ યુવા પેઢી ‘યુવા ક્રાંતિ’નું મોડેલ બની ગયું હતું. પ્રિન્ટ મીડિયામાં પહેલા પાને મોટા ફોટા સાથે સમાચારો પ્રકાશિત થયેલા. સોશ્યલ મીડિયાના ખૂણેખૂણે આ દેશના યુવાનોના ગુણગાન ગવાતા હતા, ક્રાંતિના ઢોલકા વાગતા હતા. આ બુદ્ધિજીવીઓને જાણે આપણાં દેશમાં પણ ક્રાંતિની સુવાવડનું વેણ ચડ્યું હોય એવો આભાસ થતો હતો. પણ અત્યારે ઈરાનના ૨૯ શહેરોમાં યુવાનો અને મહિલાઓ રસ્તા પર છે.
ખાસ કરીને મહિલાઓ ત્યાના ધાર્મિક રૂઢિવાદ સામે માથું ઊંચકી, વર્તમાન વ્યવસ્થાને ઊથલાવવા તત્પર થઈ છે. ત્યારે બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાલ વખતે ખુશ થવાવાળાઑ આ ઈરાનની ક્રાંતિ વખતે બેભાન થઈ ગયા છે. તેમની ક્રાંતિઓ કોમામાં જતી રહી છે. અહીં આપણાં ક્રાંતિકારીઓના સૂત્રોચ્ચાર બંધ થઈ ગયા છે. સોશ્યલ મીડિયા પરની ક્રાંતિ ગાયબ થઈ ગઈ છે. રોમેન્ટીક અને ક્રાંતિથી ધગધગતા નિબંધોનો દુકાળ પડ્યો છે.
નેપાળમાં ચૂંટાયેલી સરકાર સરકાર સામે વિરોધ હોય તો ક્રાંતિ, અને ઇરાનમાં ધાર્મિક સરમુખત્યારશાહી સામે લડત હોય તો મૌન? આ સગવડવાદી ક્રાંતિની સાચો ચહેરો છે. એકતા બતાવવામાં પણ જો આટલી પસંદગી રાખવી પડતી હોય તો તે આદર્શ નથી. આ પસંદગીનો એજન્ડા છે અને દેશના ડાબેરી બુદ્ધિજીવીઓનું બુઠ્ઠું હથિયાર છે. આપણા દેશના ડાબેરી બુધ્ધિજીવીઓ કેટલા ડરપોક છે તેનું આ ઉદાહરણ છે.
ધામડોદ રોડ, બારડોલી – કેદાર રાજપૂત- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.