National

સીરમ ઈન્સ્ટિટ્યુટે કોવિશીલ્ડ વેક્સિનની કિંમત ઘટાડી, રાજ્યોને હવે 400ની જગ્યાએ 300માં મળશે

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) (SII)ના CEO અદાર પુનાવાલાએ તેમની વેક્સિનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. SII એ પોતાની કોવિડ-19 વેક્સિન કોવિશીલ્ડની (Covishield) રાજ્ય સરકારો માટેની કિંમત રૂપિયા 400 નક્કી કરી હતી, જે હવે ઘટાડીને રૂપિયા 300 કરી છે. ભારતમાં 1 મેથી કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ તબક્કામાં દેશભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વચ્ચે ભારતમાં વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (‘Serum Institute of India) અને ભારત બાયોટેકે પોતાની વેક્સિનના ભાવ નક્કી કર્યા હતા. ત્યારબાદ આ ભાવને લઈને વિવાદ શરૂ થયો હતો. હવે સીરમ ઈન્સ્ટિટ્યુટે રાજ્ય સરકારો માટે વેક્સિનની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે. 

સીરમ ઈન્સ્ટિટ્યુટે કોવિશીલ્ડ વેક્સિનની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) એ પોતાની કોવિડ-19 વેક્સિન કોવિશીલ્ડની રાજ્યો માટે 400 રૂપિયા પ્રતિ ડોઝ કિંમત નક્કી કરી હતી. હવે તેમાં ઘટાડો કરી 300 રૂપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી છે. કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ આ સંબંધમાં જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી હતી. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કિંમતમાં આ ઘટાડો તાત્કાલિક અસરથી અમલી બને છે. તેનાથી રાજ્યોને હજારો કરોડ રૂપિયાની બચત થશે અને વધારે પ્રમાણમાં વેક્સિનેશન કરી શકાશે તથા અનેક લોકોના જીવનને બચાવી શકાશે.

મોદી સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ-ભારત બાયોટેકને કોરોના વેકસીનના ભાવમાં ઘટાડો કરવા કહ્યું હતું

કેન્દ્ર સરકારે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ( Serum institute ) અને ભારત બાયોટેક ( bharat biotech )ને કહ્યું છે કે તેઓ કોવિડ -19 રસીઓની કિંમત ઘટાડે. સરકારે આ બંને કંપનીઓને રસીના ભાવ એવા સમયે ઘટાડવા કહ્યું છે જ્યારે આ પ્રકારના મોટા સંકટ દરમિયાન વિવિધ રાજ્યોએ નફાકારક હોવા અંગે ટીકા કરી હતી અને વાંધો ઉઠાવ્યો હતો. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં સોમવારે મળેલી બેઠકમાં રસીના ભાવ નક્કી કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોવિશિલ્ડ બાદ કોવેક્સિન પણ તેમની રસી માટે સુધારેલા ભાવ નિર્ધારણ સાથે જાહેરાત કરવામાં આવશે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે તેની કોવિડ -19 રસી કોવાક્સિનની કિંમત રાજ્ય સરકારો માટે ડોઝ દીઠ 600 રૂપિયા અને ખાનગી હોસ્પિટલો માટે ડોઝ દીઠ 1,200 રૂપિયા નક્કી કરી છે.

Most Popular

To Top