Vadodara

પેન્ટાઝોસીન ઈન્જેકશનોનો વેપલો કરતી ત્રિપુટીનો કોવિડ ટેસ્ટ કરાવાયો

       વડોદરા : યુવાધનના નશાના રવાડે ચડાવવા પ્રતિબંધિત મનાતા પેન્ટાઝોસીન ઈન્જેકશનોનો કાળા કારોબારમાં સંડોવાયેલા પંચાલ બંધુઓ સહિતની ત્રિપુટીની એસઓજીએ કોિવડ રિપોર્ટ કરાવવા એસએસજી હોસ્પિટલમાં આરોપીઓને લવાયા હતા. દેવ એન્ટરપ્રાઈઝના ઓથા હેઠળ ચોકલેટ બિસ્કિટના વેચાણની આડમાં ડ્રગ્સના પેન્ટાઝોસીન ઈન્જેકશન વેચીને કાળી કમાણીના કારોબારનો એસઓજીએ પર્દાફાશ કરીને સૂત્રધાર હરીશ પંચાલ તેનો ભાઈ વિજય પંચાલ અને ડ્રગ્સ ઈન્જેકશનનો કેરિયર તથા બંધાણી સુરજ પટેલને ઝડપી પાડયા હતા.

લાંબા અરસાથી કાળા કારોબારનો વેપલો કરતી ત્રિપુટી પાસેથી 906 ઈન્જેકશનનો જથ્થો મળી આવતા પોલીસ ટીમ ચોંકી ઉઠી હતી. અગણિત નશાના બંધાણીઓનું નેટવર્ક હોવાથી ચારથી પાંચ ગણો નફો રાખીને ઈન્જેકશન પુરા પાડતા હતા. ઈન્જેકશનની હેરાફેરી કરતા કરતા સુરજ તો ખુદ નશાનો આદિ બની ચૂકયો છે.

પોલીસની આંખમાં વર્ષોથી ધૂળ નાંખીને ઈન્જેકશન વેચાણ કરતા પંચાલ બંધુઓ એટલા સતર્ક હતા કે આજદિન સુધી કોઈને ગંધ સુધ્ધા આવવા દીધી નથી. તેમજ વિશ્વાસુ ગ્રાહક ચોક્કસ ઓળખાણ આપે તો જ આવેલ નવા ગ્રાહકને ઈન્જેકશન આપતા હોવાથી વેપલો ધમધોકાર ચાલતો હતો. રાજય સરકારની ગાઈડલાઈન મુજબ આજે આરોપી ત્રિપુટીનો કોવિડ ટેસ્ટ કરાવવા સયાજી હોસ્પિટલ લવાયા હતા. ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરીને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Most Popular

To Top