સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) અને સાર ઇન્ફ્રાકોનની માલિકીના સરસાણા કન્વેન્શન સેન્ટર(CONVENTION CENTER)માં આજે પ્રથમ તબક્કામાં 80 ઓક્સિઝન બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા અને સરસાણા ટ્રેડ સેન્ટર(સાર ઇન્ફ્રાકોન)ના ચેરમેન ભરત ગાંધીના હસ્તે આ સુવિધાનો પ્રારંભ થયો છે. ટૂંક સમયમાં 200 બેડ સાથેનો કોવિડ કેર સેન્ટર અહીં ધમધમતું કરાશે. સુરત મહાનગર પાલિકાના ઉધના ઝોનના ઝોનલ ચીફ ડીસી ગાંધીને આ કોવિડ કેર સેન્ટરની સુવિધાઓ અંગે જવાબદારી સોંપવામાં આવી છે. સેન્ટરમાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો સહિતનો સ્ટાફ સુરત મહાનગર પાલિકા પ્રોવાઇડ કરશે. કોરોના પોઝિટિવ ડિટેક્ટ થયેલા અને સ્ટેબલ એવા દર્દીઓને અહીં સારવાર આપવામાં આવશે.
ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજનના ખાલી સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા ચેમ્બરની તમામ ઇન્ડસ્ટ્રીને અપીલ
કોરોનાને લીધે સમગ્ર સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં ઓક્સિજનની તીવ્ર અછત ઉભી થઇ છે. આથી ઇન્ડિયન મેડીકલ એસો. (આઇએમએ)ની સુરત શાખાએ કલેકટર ડૉ. ધવલ પટેલને પત્ર લખીને કોવિડની સારવાર કરતી તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયની શોર્ટેજ દૂર કરવા અપીલ કરી છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે ઘરે ઘરે ઓક્સિજનના બાટલાની આવશ્યકતા ઉભી થઇ છે. આવી પરિસ્થિતિમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓમાં ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના ખાલી બાટલાઓ ઉપલબ્ધ હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જે અંગે ચેમ્બરનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે.
સચિન ઇન્ડ. સોસા. દ્વારા પણ વિનામૂલ્યે વિના ઓક્સિજન સિલિન્ડર, સેનિટાઇઝર, પીપીઇ કિટ અને સ્મશાનના લાકડાઓનું વિતરણ કરાશે
શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અને સ્મશાનભૂમિઓમાં લાકડાની અછતને પહોંચી વળવા સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીએ પ્રયાસો શરૂ કર્યા છે. સોસાયટીના અગ્રણી મહેન્દ્ર રામોલિયા અને નિલેશ કોરાટે જણાવ્યું હતું કે જીઆઇડીસીની આજુબાજુના વિસ્તારોમાં આવેલા કોવિડ કેર સેન્ટરો અને ઘરે રહીને સારવાર મેળવી રહેલા કોરોનાના દર્દીઓને વિના મુલ્યે ઓક્સિજનના સિલિન્ડર અને પીપીઇ કિટ આપવામાં આવશે તે ઉપરાંત સેનિટાઇઝર અને સ્મશાન માટે લાકડાઓ પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જીઆઇડીસીના ઉદ્યોગકારોના સહયોગથી આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. સચિન નોટિફાઇડ બોર્ડના જીઆઇડીસીમાં આવેલા ફાયર સ્ટેશનથી આ વસ્તુઓ વિનામૂલ્યે વિતરણ કરાશે.
અગ્રવાલ ટ્સ્ટ દ્વારા ઉદ્યોગકારોના સહયોગથી વિનામૂલ્યે ઓક્સીઝન સિલિન્ડર રાઉન્ડ ધ ક્લોક વિતરણ કરાશે
શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ સુભાષ અગ્રવાલ, વિનય અગ્રવાલ સહિતના સહયોગથી અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કોરોનાના દર્દીઓ માટે વિના મુલ્યે ઓક્સીઝન સિલિન્ડર વિતરણ કરવાનું શરૂ કરાયુ છે. જરૂરિયાત મંદોને મહારાણા અગ્રસેન ભવન, સિટિલાઇટ રોડથી ડોક્ટરનું પ્રિસ્ક્રિપશન બતાવી સિલિન્ડર મેળવવા વિનંતી કરાઇ છે.