અમેરિકાની ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના પૈસા કંપનીઓને પરત આપવા આદેશ કર્યો છે. અહેવાલ મુજબ ડિસેમ્બર સુધીમાં ટેરિફ મારફતે લગભગ 10.79 લાખ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, જ્યારે કુલ રિફંડની રકમ લગભગ 14.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જજ રિચાર્ડ ઇટને પેન્ડિંગ કેસોમાં ટેરિફ હટાવીને ફરીથી તેની ગણતરી કરવાની સૂચના આપી છે. ટ્રમ્પ પ્રશાસને 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ અનેક દેશો પર ટેરિફ લગાવ્યા હતા. જોકે અનેક અમેરિકી કંપનીઓએ આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. 20 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકી સુપ્રીમ કોર્ટે ટેરિફને રદ કરતા જણાવ્યું હતું કે ટેરિફ નક્કી કરવાની સત્તા કોંગ્રેસ પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. તે સમયે રિફંડ અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નહોતો, પરંતુ ટેનેસીની એટમસ ફિલ્ટ્રેશન કંપનીની અરજી પર જજ ઇટને હવે રિફંડનો આદેશ આપ્યો છે. જજ રિચાર્ડ ઇટનની નિમણૂક 1999માં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન દ્વારા કરવામાં આવી હતી. ઇટને જણાવ્યું કે ટેરિફ રિફંડ સંબંધિત તમામ કેસોની સુનાવણી તેઓ પોતે જ કરશે, જેથી રિફંડ પ્રક્રિયામાં કોઈ ગૂંચવણ ઊભી ન થાય.
હવે ટ્રમ્પ સરકાર પાસે ત્રણ વિકલ્પ છે. પ્રથમ, આ નિર્ણય સામે ઉપલી અદાલતમાં અપીલ કરી શકાય છે. બીજું, સરકાર હંગામી સ્ટે માગી શકે છે. ત્રીજું, કસ્ટમ્સમાં અંતિમ હિસાબ (લિક્વિડેશન) પછી આયાતકારોને દાવો કરવા માટે 180 દિવસનો સમય મળે છે, જેના કારણે રિફંડ પ્રક્રિયા લગભગ 6 મહિના સુધી ટાળી શકાય છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ ટ્રમ્પ પ્રશાસનને કડક ટિપ્પણી સાથે ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે અમેરિકા દુનિયાના દરેક દેશ સાથે યુદ્ધ જેવી સ્થિતિમાં નથી. જોકે આ ચુકાદા સાથે ત્રણ જજો- સેમ્યુઅલ એલિટો, ક્લેરેન્સ થોમસ અને બ્રેટ કેવનૉ અસહમત રહ્યા હતા. કેવનોએ પોતાના મતમાં લખ્યું હતું કે ટેરિફ નીતિ યોગ્ય છે કે નહીં તે અલગ મુદ્દો છે, પરંતુ તેમના મત મુજબ તે કાયદેસર રીતે લાગુ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ 10%થી વધારીને 15% કરવાની જાહેરાત કરી હતી અને 24 ફેબ્રુઆરીથી તે અમલમાં પણ મૂકાયો હતો. ટ્રમ્પે તે સમયે ટેરિફને ગેરકાયદેસર ગણાવનારા જજોની પણ ટીકા કરી હતી. ટ્રમ્પના ટેરિફ વિવાદના કેન્દ્રમાં 1977માં બનાવાયેલ IEEPA કાયદો છે, જે રાષ્ટ્રપતિને આંતરરાષ્ટ્રીય આર્થિક ખતરા કે સંકટની સ્થિતિમાં ખાસ સત્તાઓ આપે છે. જોકે નીચલી અદાલતોનું માનવું હતું કે આ કાયદો રાષ્ટ્રપતિને આટલા વ્યાપક સ્તરે ટેરિફ લગાવવાની સત્તા આપતો નથી. તેથી હવે આ મુદ્દો અમેરિકાની આર્થિક અને રાજકીય ચર્ચાનો મહત્વપૂર્ણ વિષય બની ગયો છે.