National

લાલુ યાદવ-તેજસ્વી યાદવને મોટો ઝટકોઃ 20 વર્ષ જુના કૌભાંડમાં દિલ્હીની કોર્ટે સમન્સ ફટકાર્યું

લાલુ યાદવને લેન્ડ ફોર જોબ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી અને અન્ય આરોપીઓને સમન્સ પાઠવ્યા છે. તમામ નામાંકિત આરોપીઓને 11માર્ચે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધા પછી, સ્પેશિયલ સીબીઆઈ જજ વિશાલ ગોગણેએ આ આદેશ આપ્યો.

સીબીઆઈએ આ કેસમાં 30 સરકારી કર્મચારીઓ સહિત કુલ 78 લોકોના નામ જાહેર કર્યા છે. આમાં ભોલા યાદવ, પ્રેમચંદ ગુપ્તાને સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે એવો આરોપ છે કે પ્રેમચંદ ગુપ્તા લાલુ યાદવના સહયોગી તરીકે કામ કરતા હતા.

‘જમીનના બદલે નોકરી’ કૌભાંડ શું છે?
આ મામલો પશ્ચિમ મધ્ય રેલ્વેના જબલપુર ઝોનમાં 2004 અને 2009 ની વચ્ચે ગ્રુપ-ડી પોસ્ટ્સ પર કરવામાં આવેલી નિમણૂંકો સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલ્વે મંત્રી હતા ત્યારે ઉમેદવારો પાસેથી તેમના પરિવાર અથવા સહયોગીઓના નામે જમીન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી અને બદલામાં તેમને રેલ્વેમાં નોકરી આપવામાં આવતી હતી.

સીબીઆઈએ 18 મે 2022ના રોજ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની, બે પુત્રીઓ, અજાણ્યા સરકારી અધિકારીઓ અને કેટલાક ખાનગી વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અત્યાર સુધીમાં આ કેસમાં 30 આરોપીઓ સામે કાર્યવાહીની મંજૂરી મળી ગઈ છે.

Most Popular

To Top