સુરત: સુરતમાં બેફામ દોડતા વાહનોના લીધે અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો થયો છે. રવિવારે રાત્રે એક આધેડ વયનું દંપતી પોતાના મોપેડ પર જઈ રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે દોડતી ઈકો કારના ચાલકે ટક્કર મારી કચડીને ભાગી છૂટ્યો હતો. આ અકસ્માતમાં પતિનું મોત થયું છે. જ્યારે પત્નીને ગંભીર ઈજા થઈ છે. મહાવીર હોસ્પિટલમાં પત્નીની સારવાર ચાલી રહી છે. દંપતીના 20 વર્ષીય પુત્રએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાગળ હરીપુરા કાંસકી વાડ મોહલ્લામાં બળવંત રાણા પત્ની અને બે પુત્રી તેમજ પુત્ર સાથે રહેતા હતા. સંતાનમાં બે પુત્રીઓને પરણાવી દીધી હતી. ગઈકાલે રાત્રિએ બળવંત રાના તેમની પત્ની સાથે મોપેડ ઉપર ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના 11 વાગ્યાની આસપાસ બળવંતભાઈ અઠવાગેટ થી મજુરાગેટ વચ્ચે આવેલા જુના આરટીઓ સામેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે એક ઈકો કાર ચાલકે ફૂલસ્પીડ અને ગફલતભરી રીતે કાર હંકારી લાવી પાછળથી બળવંતભાઈની મોપેડને ટક્કર મારી હતી.
આ અકસ્માતના પગલે બળવંતભાઈ અને તેમની પત્ની રસ્તા પર ફંગોળાયા હતા. ટક્કર માર્યા બાદ કાર ચાલક અટક્યો નહોતો અને બળવંતભાઈ પરથી કાર ચઢાવીને ભાગી છૂટ્યો હતો. અકસ્માતમાં બળવંતભાઈ અને તેમની પત્નીને ગંભીર ઈજા થઈ હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલાં અન્ય કાર ચાલકે પોતાની કાર રોકી બળવંતભાઈની પત્નીને નજીકની મહાવીર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે 108માં બળવંતભાઈને મહાવીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, બળવંતભાઈનું મોડી રાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ ઘટના બની ત્યારે દંપતીનો એક નો એક દિકરો લગ્ન પ્રસંગે બહાર ગયો હતો. તેને ખબર પડતા જ તે દોડી આવ્યો હતો. જોકે, પિતા મૃત્યુ પામ્યા હોય અને માતા હોસ્પિટલના બિછાને હોય દીકરા પર વ્રજઘાત થયો હતો. આ મામલે પુત્ર રોનિતે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉમરા પોલીસે ઇકો કારના ચાલક ઉમેશ ગોવિંદ સેલર(રહે. ઝંડા ચોક, રાંદેર)ની ધરપકડ કરી છે. આરોપી ઉમેશ એસએમસીમાં માર્શલ તરીકે ફરજ બજાવે છે.