ડરહમ : ભારત ટીમ (Indian cricket team) આજથી અહીં સિલેક્ટ કાઉન્ટી ઇલેવન (county 11) સામે જ્યારે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ (Practice match) રમવા માટે મેદાને પડશે ત્યારે રોહિત શર્મા (Rohit sharma) સાથે ઓપનીંગ કરવા માટે મેદાનમાં ઉતરનાર મયંક અગ્રવાલ (Mayank agrawal) પર ટીમ મેનેજમેન્ટ સહિતના તમામની નજર રહેશે અને મયંક પણ ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવા માટેનો પ્રયાસ કરશે. શુભમન ગીલ ઇજાને કારણે સીરિઝમાંથી આઉટ થઇ ગયો હોવાથી ઇંગ્લેન્ડ (England) સામેની પહેલી ટેસ્ટ પૂર્વે રોહિત શર્મા સાથે મયંક અગ્રવાલ ઓપનીંગનો યોગ્ય જોડીદાર બની શકે કે કેમ તે ટીમ મેનેજમેન્ટ પ્રેક્ટિસ મેચમાં ચકાસવા માગશે.
મયંક અગ્રવાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં યોગ્ય રિધમમાં નહોતો અને તેના સ્થાને શુભમન ગીલે પોતાને મળેલી તકનો યોગ્ય ઉપયોગ કર્યો હતો. હવે મયંક પાસે ફરીવાર ટીમમાં સ્થાન પાકું કરવાની તક આવી છે અને તે ચોક્કસ જ તે ઝડપી લેવા માગશે. આ મેચમાં મયંક અગ્રવાલનો ખાસ મિત્ર કેએલ રાહુલ નિયમિત વિકેટકીપર ઋષભ પંતની ગેરહાજરીમાં વિકેટકીપીંગની જવાબદારી સંભાળશે. કેએલ રાહુલે પણ ટેસ્ટ કેરિયરમાં 2000થી વધુ રન ઓપનીંગ કરીને જ બનાવ્યા છે. એવું માનવામાં આવે છે કે જો અનુભવી બેટ્સમેનોમાંથી કોઇ રિધમ મેળવવામાં ફેલ જશે તો રાહુલનો ઉપયોગ મિડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે પણ કરી શકાશે.
ઋષભ પંતે ક્વોરેન્ટીન પીરિયડ તો પુરો કર્યો પણ મેચ ફિટનેસ માટે તેને આરામ જ અપાશે
ઋષભ પંતે કોરોના પોઝિટિવ આ્યા પછી લંડનમાં પોતાનો 10 દિવસનો ક્વોરેન્ટીન પીરિયડ પુરો કરી લીધો છે અને હવે તે સાજો છે. જો કે તેણે હજુ ડરહમમાં ટીમના બાયો બબલમાં સામેલ થવાનું બાકી છે. બીસીસીઆઇના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે જો પતં પ્રેક્ટિસ મેચ માટે સમયસર પહોંચી જશે તો પણ તેને મેચ ફિટનેસ મેળવવા માટે પુરતો આરામ આપવામાં આવશે. તેનામાં બિમારીના કોઇ લક્ષણ નથી પણ નોટિંઘમમાં પહેલી ટેસ્ટ શરૂ થતાં પહેલા તેને સારી મેચ પ્રેક્ટિસની જરૂર પડશે. પંત અને રિદ્ધિમાન સાહા બંને અગમચેતીના પગલારૂપે કવોરેન્ટીનમાં સમય ગાળી રહ્યા છે અને બંને પહેલી ટેસ્ટ માટે ઉપલબ્ધ થઇ જશે.