SURAT

સુરતમાં 36 કલાકથી ભારે વરસાદ, રાતે પાંચ ઇંચ પડ્યો: પાલ વોકવે રોડ પર પાણી ભરાયા, સ્કૂલો બંધ

છેલ્લા 36 કલાકથી સુરત શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રવિવારે રાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ અટકવાનું નામ લઇ રહ્યો નથી જેના લીધે શહેરના નીચાણવાળા વિસ્તારો ઉપરાંત નવા વિકસિત વેલ પ્લાન્ડ પાલ વોકવે, ગોરવપથ જેવા વિસ્તારોમાં પણ ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા છે. સિઝનના પહેલા જ વરસાદે સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.

શહેરમાં રવિવારે રાત્રે બે કલાકમાં બે ઇંચ, સોમવારે દિવસ દરમિયાન 12 ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ રાત્રિના ત્રણ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ રહ્યો છે. આજે મંગળવારે રાત્રિના બાર વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધીમાં લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના લીધે ફરી એકવાર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

પાલમાં પાલનપુર કેનાલ રોયલ ડાઈન રેસ્ટોરન્ટથી વી ફોર યુ સર્કલ સીએનજી પમ્પ એલપી સવાણી તરફ જવાના વોકવે વાળા રસ્તા પર ફરી એકવાર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા છે. તેથી વાહન વ્યવહાર બંધ થયો છે, આસપાસના સનસિટી રોહાઉસ, સર્જન રો હાઉસ, ગેલેક્સી ઈમ્પિરીયા એપાર્ટમેન્ટ, સેવન સ્ટેપ સ્કૂલ ની બહાર ત્રણ થી ચાર ફૂટ પાણી હોય લોકો 24 કલાકથી પોતાના ઘરોમાં જ કેદ થયા છે.

સ્થાનિક રહીશો એ બળાપો વ્યક્ત કરતા કહ્યું કે જ્યારથી અહીં કેનાલ પુરીને વોકવે બનાવાયો છે અને નવો આર સી સી રોડ બનાવાયો છે ત્યારથી જ અહીં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે.

દર વર્ષે અહીં ચોમાસામાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ જાય છે. પાલિકા તરફથી અહીં પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. દુઃખની વાત એ છે કે અહીં દર વર્ષે પાણી ભરાતું હોવા છતાં પાલિકા તરફથી કોઈ મદદ મળતી નથી.

દરમિયાન શહેરમાં વરસાદી વાતાવરણ હોય અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા કોલેજો બંધ રાખવા સૂચન કરાયું છે.

Most Popular

To Top