Comments

વિકાસનો પર્યાય એટલે ભ્રષ્ટાચાર!!!

નર્મદા બંધના વિરોધમાં યોજાયેલ આદિવાસી રેલીમાં ખડદાની નવી વસાહતના ગ્રામ સંયોજક નરસિંહ તડવી પણ હાજર રહેલ. નરસિંહભાઈ ગામના ભણેલ યુવા આગેવાન. આથી તેને ભાષણ કરવા કહેલું. નરસિંહ સફારી સૂટ પહેરીને આવેલ. સભાનું કામકાજ શરૂ થઈ રહ્યું હતું તે દરમિયાન, નરસિંહ તેના ટેકેદારો સાથે આવી પહોંચ્યો. મારાથી સહેજ કહેવાઈ ગયું, “ઓહો, નરસિંહભાઈ આજે વટમાં છે ને !” બાજુમાં ઊભેલા ટેકેદારે કહ્યું, “સાહેબ, વિકાસ યોજના ” નરસિંહે પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘એમાં ખોટું શું છે ? સાહેબ તમે જ ન્યાય કરો. મનરેગા યોજના સિવાય અમારે ગામડામાં બીજું કંઈ આવકનું સાધન છે ?” જવાહર યોજનાના ખર્ચ અને થયેલ કામોનું મૂલ્યાંકન કરતાં વડા પ્રધાન રાજીવ ગાંધીને બિહારના મુખ્ય પ્રધાને પાર્લામેંટમાં કહેલું “વિકાસ યોજના ચાય-પાની કે લિયે હી હૈ, તો કામકાજ ઔર હિસાબ સે કથા મતલબ?”

કોઈ પણ કાર્યમાં માન્ય વળતર અને અમાન્ય વળતર વચ્ચેની ભેદરેખા ઘણી પાતળી અને અસ્થિર રહી છે. ચાણકયના સમયમાં માતા, ગાયનું દૂધ તથા વિદ્યાનું વેચાણ પાપ ગણાતું અને આજે તમામ ચીજો ધીકતો ધંધો બન્યા છે. એક સમયે કલાકારની કલાનું મૂલ્ય પૈસામાં અંકાય તો અપમાન ગણાતું અને આજે સંગીત, નૃત્ય, નાટકના શોનું એડવાન્સ બુકિંગ શિરસ્તો બની ગયું છે. સમયાંતરે ધાર્મિક અને સામાજિક જીવનનાં મૂલ્યોમાં ઘણાં પરિવર્તનો આપણે જાણીજોઈને આણ્યાં છે તેમ સહ્યાં પણ છે. તો અહીં આર્થિક બાબતોમાં કેટલાક નવા ખ્યાલો, કેટલાક સામુહિક બદલાવ આવી રહ્યાં છે. તો તે સામે વિરોધ શા માટે ?

વિમાનમાં ટિકિટ લેનારને વિમાનની સફરમાં ઊભા રહેવું પડતું નથી પરંતુ બસ કે ટ્રેઇનની મુસાફરી માટે ટિકિટ ખરીદનારને સીટની ખાતરી મળતી નથી. આથી સામાન્ય માનવીને બસ કે ટ્રેઇનની મુસાફરી માટે પ્રવાસખર્ચ ઉપરાંત વધારાનો બેસવાનો ખર્ચ આપવો પડે છે. પાવતી આપીને સ્વીકારતાં આ નાણાં ખુલ્લો ભ્રષ્ટાચાર નથી બનતો? સરકારે છાપેલ ટપાલમાં લખાતા પત્રો સામી વ્યક્તિ સુધી પહોંચશે જ તેની ખાતરી તમને પોસ્ટ વિભાગ તરફથી કયારેય મળી નથી. આમ છતાં કોઈ નાગરિકને પોતાનો પત્ર નિશ્ચિત રીતે બીજા સ્થાને પહોંચાડવો હોય તો વધારાની ટિકિટ લગાડી “અંડર પોસ્ટલ સર્ટિફિકેટ” કરાવવું પડે છે. આ પદ્ધતિમાં ભ્રષ્ટાચાર નથી?

હિંદુસ્તાનનાં લગભગ તમામ રાજ્યનાં વીજળી નિગમો પોતાના ગ્રાહકોને જરૂરિયાત મુજબ વીજપુરવઠો નિયત દર વસૂલ કરીને પણ પૂરો પાડવામાં સક્ષમ નથી. આથી કેટલાંક ઔદ્યોગિક ગૃહો પોતાની ખપની વીજળી જાતે ઉત્પાદિત કરી લે છે. આ પ્રવૃત્તિ ખરેખર તો રાજ્યના વીજ નિગમોનું ભારણ ઓછું કરનાર આવકારદાયી કામગીરી બને છે. પરંતુ રાજ્ય વીજનિગમો તો પોતાની જરૂરિયાત પૂરતું ઉત્પાદન કરનાર પાસેથી પણ સરચાર્જ મેળવે છે. આ પદ્ધતિને સત્યનિષ્ઠ કે અણીશુદ્ધ ગણીશું? વાહન ખરીદનાર વાહનોના ઉપયોગ માટે સેલટૅક્સ ભરે છે, છતાં રાજ્ય આજીવન રોડ ટેક્સ લે છે! અને રસ્તા ઉપરનાં નાકાં ટોલ ટેક્સ લે છે! આવી કાર્યપ્રણાલીને તો ઉઘાડી લૂંટ જ કહેવી પડે!!!

ઉત્સવપ્રિય ગુજરાતને ગરીબ કલ્યાણ મેળા, કૃષિરથ, વાઇબ્રેટ, પતંગ મહોત્સવ, કન્યા કેળવણી ઉત્સવ આયોજનો માટે રાજ્ય સરકારને કોઈ ગ્રાન્ટ આપતી નથી પરંતુ સરકારી અધિકારીઓને પોતાની રીતે લડી લેવા જણાવાય છે ત્યારે મોસાળમાં જમણ ને મા પીરસનારની સ્થિતિ સર્જાય છે. અનુકૂળ ન્યાય પણ ખરીદી શકાય છે અને ચૂંટણીફંડના ઝાડને તો ઉધઈ ખાઈ ચૂકી છે. આમ છતાં દેશના કોમનમેન પ્રામાણિક રહે તેવો આગ્રહ રખાય છે જે હાસ્યાસ્પદ નથી?

આજે ગુજરાતના રેવન્યૂ વિભાગમાં ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવામાં ફૂટે નિશ્ચિત ભાવો ચાલે છે. સામાન્યમાં સામાન્ય નાગરિક પણ જો સિસ્ટમ મુજબ વિભાગના ભાવો ભરપાઈ કરી આપે તો તેની ફાઇલ ૪૦થી ૪૮ દિવસમાં કિલયર કરી આપવામાં આવે છે અને આ પદ્ધતિથી બહાર રહી જો કોઈ વગદાર વ્યક્તિને પણ પોતાની જમીન એન.એ. કરાવવી હોય તો ઓછામાં ઓછો ૬થી ૮ માસનો ગાળો સહન કરવો પડે છે. આ પ્રકારનો અનુભવ ઉદ્યોગધંધા શરૂ કરવા માગતા, પોતાના ઘરના બાંધકામને મંજૂર કરાવવા માગતા તમામ લોકોને થયો જ હશે.

આ સ્થિતિ છતાં સમાજમાં રોજબરોજનાં કામો સંબંધે દર્શન તો એવું ઉપસી રહ્યું છે કે લોકોને પૈસા ખર્ચવામાં વાંધો નથી પરંતુ વાંધો, પોતાનું કામ ન થાય તે સામે છે. બદલાતા સમયમાં જીવન વધુ ને વધુ સ્પર્ધાત્મક અને અનિશ્ચિત બની રહ્યું છે ત્યારે કોઈ પણ લાભને આવતી કાલ ઉપર મુલતવી રાખવા માટે આમ વ્યક્તિ તૈયાર નથી અને આથી જ શહેર કે ગામડાંમાં રહેતો માણસ પૈસા વેરીને પણ પોતાનું કામ કઢાવવામાં જોખમ લેતો થયો છે અને જ્યાં કોઈ પદ્ધતિ આકાર લે છે ત્યાં લોકોની વિશ્વસનીયતામાં દૃઢતા ઉમેરાય છે.

અહીં પ્રશ્ન પ્રજાના મનોવલણનો બને છે ત્યારે લાભ લેનાર પાત્ર વ્યક્તિ હોય કે રાજકીય પક્ષ હોય, પૈસા ખર્ચનાર માટે કંઈ ફરક પડતો નથી. આમ છતાં રેલ્વે ટિકિટના છૂટા પૈસા પરત ન આપવાનો અભિગમ વ્યાજબી ગણાતો નથી ત્યારે ઉકેલ ભ્રષ્ટાચાર સામે બરાડા પાડવામાં નથી પરંતુ પદ્ધતિઓના વિકાસને પ્રોત્સાહિત કરવામાં રહેલો જણાય છે. વિજ્ઞાન અને ટેકનોલૉજીના સહારે રેલવે બુકિંગ, સરકારી નોકરીમાં અને બેંકિંગમાં નિમણૂકો જેવાં ક્ષેત્રોને ભ્રષ્ટાચારના આરોપમાંથી સરળતાથી બહાર લાવી શકાય તેમ છે. ભ્રષ્ટાચાર વિરોધીઓનો આક્ષેપ ભાવાત્મક અને સાપેક્ષ છે, પરંતુ પ્રજાએ અપનાવેલ ઉકેલ, સહેવી પડતી તકલીફોના ઇલાજરૂપે અને સવિશેષ પદ્ધતિના ભાગરૂપે હોઈ આજે ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃત વિકાસનો પર્યાય બનેલ છે. આથી દેશના પૂર્વ વડા પ્રધાને પણ કહેવું પડે છે કે “કરપ્શન ઇઝ અ કોમન ફિનોમિના ફોર ડેવલપમેન્ટ.”

માત્ર ભ્રષ્ટાચારનો વિરોધ ઉકેલ નથી. બૌદ્ધિકોએ ભાવુકતામાં ખેંચાયા વિના રોગના કારણ તરફ જઈ પદ્ધતિ આધારિત ઉકેલ માટે વિચારવું પડશે. નૈતિક વ્યવહારનાં હિમાયતીઓનો ખોફ વ્યક્તિગત લાભ સામે છે પરંતુ રાજ્ય કે કોઈ સમૂહ જાહેર રીતે પ્રજાનું શોષણ કરે છે તો તેને શી રીતે સ્વીકૃતિ આપી શકાય ? આર્થિક વ્યવહારમાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનાર વ્યક્તિ વિશેનું દૃષ્ટિબિંદુ લોકોની નૈતિકતામાં આવેલ ગિરાવટ ઉપર કેન્દ્રિત થાય છે, પરંતુ સમાજનો અનુભવ કંઈક જુદી દિશામાં ચાલી રહ્યો છે જેને નજરઅંદાજ ન કરીએ.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top