ગુજરાતના રોડ આખા દેશમાં મોડલ સ્વરૂપ ગણાતા, પરંતુ ભાજપ સરકારે છેલ્લા 26 વર્ષમાં એવું ગુજરાત મોડલ તૈયાર કર્યું છે, જેમાં દર વર્ષે રોડના ખાડાઓના કારણે અકસ્માતનો ભોગ બની 3,000થી વધુ લોકોનાં મોત થાય છે. તાજેતરમાં જ સામે આવેલા કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન વિભાગના રિપોર્ટ મુજબ માત્ર રાજ્યના નેશનલ હાઈવે ઉપર તુટેલા નેશનલ હાઈવેના કારણે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 558 અકસ્માત સર્જાયા છે.
જેમાં 234 લોકોનાં મોત થયા છે. આ વાત તો થઈ નેશનલ હાઈવેની ! હવે તમે જ વિચારો રાજ્યના અન્ય કેટલા રોડ ઉપર કેટલા અકસ્માત સર્જાતા હશે અને તેમાં કેટલા લોકોનાં મોત થતા હશે? તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે દર વખતે નજીવો વરસાદ પડે તે સાથે જ શહેરોના રોડ ધોવાઈ જવાથી ખાડાઓ પડી ગયેલા નજરે પડે છે.જાહેરમાર્ગો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી સાથે વાહનોમાં નુકસાન વેઠવું પડી રહ્યું છે. અનેક ટુવ્હીલર ચાલકો વાહનો સ્લીપ થઈ જતાં અકસ્માતનો ભોગ બને છે, કેટલાક જીવ પણ ગુમાવે છે.
નવા જ બનેલા રોડ ત્રણ-ચાર મહિનામાં તૂટી જાય છે
મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે, જેના કારણે નવા જ બનેલા રોડ પણ માંડ ત્ર-/ચાર મહિનામાં તૂટી જાય છે. ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં જે નવા વિસ્તારો ભળ્યા છે, તેમાં વિકાસ કાર્યોના નામે માત્ર ભ્રષ્ટાચાર થયા છે, જેથી લોકોની હાલાકી ત્યાંની ત્યાં જ રહે છે. સ્માર્ટ સિટિના નામે ફળવાયેલા અબજો રૂપિયાની ગ્રાંટનો ઉપયોગ ક્યાં કરાયો તેનો કોઈ હિસાબ નથી ! એટલે વાસ્તવમાં ગુજરાત માટે આ રોડ જ નહીં, આ રોડના નામે ભ્રષ્ટાચારનું મોડલ વિકસાવનાર ભાજપ સરકાર જ ખતરા સ્વરૂપ છે.