જે કાર્યો કરવાથી વ્યકિત, સમાજને, રાષ્ટ્રને નુકસાન થાય તે ભ્રષ્ટાચાર છે. ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જયાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજય જમાવ્યું ન હોય. ભ્રષ્ટાચાર આજે રાષ્ટ્રવ્યાપી કેન્સર બન્યું છે. જેમાંથી મુકત થવું ઘણું અઘરું છે. ભારતમાં દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર એ એક માત્ર શિષ્ટાચાર હોય એવું લાગે છે. નાનાં મોટાં કાયદેસરનાં કે બિનકાયદેસરનાં કામો કરવા માટે લોકો ભ્રષ્ટાચારીઓની જાળમાં ફસાઈ જાય છે. જે લાંચ ન આપવામાં મકકમ રહે છે. તો તેનું પોતાનું કામ કરાવવું મુશ્કેલ થઇ પડે છે.
આજે બિલ્ડરો, દારૂના અડ્ડાવાળાઓ, રાજકારણીઓ અને વિવિધ વિભાગના સંચાલકો, દુકાનદારો, વેપારીઓ વગેરેનું પરસ્પર ગઠબંધન રચાયેલું દેખાય છે. નબળાં બાંધકામો થાય છે. ખુલ્લેઆમ દારૂ વહેંચાય છે. ઓછી ગુણવત્તાવાળો માલ આપી દેવામાં આવે છે. ચીજવસ્તુઓના વધુ પૈસા લેવાય છે. નકલી દવાઓ અને નકલી ચીજવસ્તુઓ બજારમાં મુકાય છે. ટૂંકમાં ભ્રષ્ટાચારીઓ મનુષ્યના કીમતી જીવન સાથે ચેડાં કરે છે. તેમનો સ્વાર્થ વધતો જાય છે પછી મનુષ્યનું જે થવાનું હોય તે થાય. ભ્રષ્ટાચાર ફેલાવાનાં અનેક કારણો છે. ભૌતિકવાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે.
ભ્રષ્ટાચારથી વ્યકિત, સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધ:પતન થતું જાય છે. ભ્રષ્ટાચારને જડમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. તેના માટે સાદા અને પ્રામાણિક જીવનને મહત્ત્વ આપવું જોઇએ. મહેનતનો જ રોટલો મેળવવાનો આગ્રહ સંકલ્પ કરવો જોઇએ. ભ્રષ્ટાચારીઓને સાથ ન આપતાં તેમને ખુલ્લાં પાડવાં જોઇએ. ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કેન્સરથી રાષ્ટ્રને ઉગારવું અઘરું જણાય છે પણ મિત્રો, અશકય તો નથી જ. તો ચાલો, આપણે સૌ સંકલ્પ કરીએ કે ભ્રષ્ટાચારથી દૂર રહીશું અને ઇમાનદારીથી કામ કરીશું તો જ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારતનું નિર્માણ થશે.
અમરોલી- આરતી જે. પટેલ