Madhya Gujarat

એસ.પી. યુનિ.ની ભરતીમાં ભ્રષ્ટાચાર!

આણંદ : સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે હાલ ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચાર થઇ રહ્યાનો આક્ષેપ પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે કર્યો છે. આ અંગે કુલપતિને આવેદનપત્ર આપી દિવસ ત્રણમાં ખુલાસો આપવા માગણી કરી હતી. વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે રજુઆતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં ટીચિંગ અને નોન ટીચિંગની ભરતી પ્રક્રિયાઓમાં ઘણી બધી અનિયમિતતા અને ગેરરીતિઓ અંગે ચર્ચા ચાલી રહી છે.  હાલ સરકાર દ્વારા કાર્યકારી કુલપતિ તરીકે યુનિવર્સિટીના ફક્ત રૂટીન કામકાજ સંભાળવા માટે નિયુક્ત કર્યા છે, તેમ છતાં આપના દ્વારા ટીચિંગ અને નોન ટીચિંગની ભરતી પ્રક્રિયાઓ કોઇ પણ કારણસર કોઇના દબાણ વશ શરૂ કરીને કાયદાની વિરૂદ્ધનું કામ કરે છે.

આથી, આ ભરતી પ્રક્રિયાઓ શરૂ કરવા માટે સરકાર દ્વારા કોઇ લેખિત આદેશમાં આપવામાં આવ્યો છે કે કેમ ? નોન ટીચિંગની ભરતી પ્રક્રિયામાં કુલસચિવ અને નાયબ કુલસચિવની જગ્યા પર બિનઅનુભવી અને લાગતા વળગતાઓની પસંદગી કરીને જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચાર આચર્યો છે. આ બાબતે સ્પષ્ટતા કરવી. ટીચિંગ અને નોન ટીચિંગની ભરતી પ્રક્રિયામાં ત્રણ ત્રણ વરસથી અરજીઓ મંગાવીને ઇન્ટરવ્યું ન કરીને તથા એક્સપર્ટ સ્ક્રુટીની સમિતિના સભ્યોના સૂચનોને નજર અંદાજ કરીને લાગતા વળગતાઓની પસંદગી કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે. 

ટીચિંગ અને નોન ટીચિંગની ભરતી પ્રક્રિયાઓ સ્ક્રૂટીની કમિટી દ્વારા જે ઉમેદવારોને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે, તેઓને પાછળથી ક્વોલિફાઇડ કેન્ડીડેટના લીસ્ટમાં ચેડાં કરીને લાયક બનાવીને ફરીથી યુનિવર્સિટી વેબસાઇટ પર ચઢાવીને તેઓની પસંદગી કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે. ભરતી પ્રક્રિયામાં અનામતની જોગવાઇઓ મુજબ ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 55 ટકા માર્ક્સમાં 5 ટકાનો લાભ ન આપીને તેઓને અન્યાય કરાયો છે. પગાર ધોરણ પણ જોઇએ તે મુજબનું નથી. ઈડબલ્યુએસના ઘણા ખોટા સર્ટીફિકેટ રજુ કરીને ભરતી કરવામાં આવી છે. લાયકાત ધરાવતા પૂરતા શિક્ષકો ન હોવાથી પુરતું શિક્ષણ પણ મેળવી શકતા નથી. આથી, દિવસ ત્રણમાં જરૂરી ખુલાસા કરવા જણાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top