વડોદરા : શહેરને સ્માર્ટ સિટી બનાવવાની દોડમાં સત્તાધીશો શહેરીજનોને પાણી રોડ સ્ટ્રીટ લાઇટ ડ્રેનેજ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીકળ્યું છે. ત્યારે શહેરના દાંડિયાબજાર પિરામિતાર રોડ ઉપર ત્રંબકેશ્વર મંદિર પાસે માર્ગ પર પડેલા ભુવાએ તંત્રની કોન્ટ્રાક્ટર સાથેની મિલી ભગતની પોલ ઉઘાડી પાડી હતી. કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરના શાસકોએ શહેરને સ્માર્ટ સિટી બનાવવા તરફ દોડ લગાવી છે. પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે પણ શહેરીજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા હોવાનું અનેકવાર સામે આવ્યું છે. શહેરમાં એક તરફ ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની બુમરાણો મચી હતી.
તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં લીકેજને કારણે પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે. ત્યારે અગાઉની જેમ આજે પણ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો પણ યથાવત જોવા મળ્યો છે.શહેરના દાંડિયા બજાર પિરામિતાર રોડ ઉપર આવેલ ત્રંબકેશ્વર મંદિર પાસે માર્ગ પર એક ભુવાએ આકાર લીધો છે. દેખાવમાં નાનો લાગતો આ ભુવો સ્થાનિક રહીશોના મતે મોટુ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. સ્થાનિકોના કહ્યા મુજબ ભુવો આકાર પામતા વિસ્તારના કાઉન્સિલરને આ અંગે રજૂઆત કરી હતી.પરંતુ તેમ છતાં પણ ભુવો પુરવાની કામગીરી કરવામાં નહીં આવતા અકસ્માતની દહેશત વચ્ચે સ્થાનિક રહીશોએ જાતે જ ભુવાની ફરતે બેરીકેટ લગાવ્યા હતા.