SURAT

સસ્પેન્ડ થયા બાદ સુરતનો પોલીસવાળો ચીટરોની જેમ કાર પર પોલીસનું પાટીયું મુકી તોડ કરવા માંડ્યો

સુરત (Surat): પૂણા પોલીસની હદમાં કારમાં પોલીસનું (Police) પાટીયું લગાડી લોકોને પોલીસના નામે દમ આપી ખોટી રીતે તોડ કરી રૂપિયા પડાવનારનો ભોગ બનેલા મરી-મસાલાના વેપારીએ પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint) નોંધાવી હતી. વેપારી પત્ની સાથે સામાન ખરીદી ઘરે જતી વખતે રસ્તામાં રોકીને 9 હજાર પડાવ્યા હતા. પૂણા પોલીસે ફરિયાદ દાખલ કરી તોડ કરનાર સસ્પેન્ડેડ પોલીસકર્મી (Suspended Police Officer) પ્રકાશ પાટીલની ધરપકડ (Arrest) કરી હતી.

  • મહિન્દ્રા કેયુવી-100 કારમાં પોલીસનું બોર્ડ લગાવી ફરતો અને પોલીસની ઓળખ આપી તોડ કરતો હતો
  • ‘તારી ગાડીમાં આટલો સામાન ભરવાની પરમિશન કોણે આપી’ કહી ધમકાવીને વેપારીના 9 હજાર પડાવી ભાગી ગયો
  • પૂણા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો
  • હેડ ક્વાર્ટરમાંથી સસ્પેન્ડેડ પ્રકાશ પાટીલે ફરી પોલીસના નામે મરી-મસાલાના વેપારીનો તોડ કર્યો

પાસોદરા ખાતે ક્રીષ્ના રો-હાઉસમાં રહેતા 43 વર્ષીય રાજેશભાઇ બાવચંદભાઇ જાસોલીયા (પટેલ) મુળ ભાવનગરના વતની છે. રાજેશભાઈ મરી-મસાલાના વેપારી છે. ગત 17 જુને બપોરે રાજેશભાઈ તેમની પત્ની સાથે ઘરેથી દવા લેવા માટે અર્ચના સ્કુલ પાસે ક્લિનીક ઉપર ગયા હતા. ત્યાંથી ઘરનો સામાન લઈને પતિ-પત્ની ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે પૂણા કેનાલ રોડ પર પહોંચ્યા ત્યાં એક અજાણ્યા કાર ચાલકે તેમની કારની નજીક આવી ગાડી સાઈડ પર લેવા ઇશારો કર્યો હતો. કાર સાઈડ પર ઉભી રાખતા જ કારમાંથી એક અજાણ્યો ઉતરીને ‘ચાલ ફટાફટ ગાડીમાં બેસી જા, હું પોલીસવાળો છું’. તેમ કહીને તેની ગાડીમાં બાજુની સીટ પર બેસાડી દીધો હતો. ગાડીમાં આગળ પોલીસની પ્લેટ લગાવી હતી. રાજેશભાઈ તેની પાસે આઈડી કાર્ડ માંગતા તે ઉશ્કેરાઈ ગયો હતો. અને ગાડીમાં આગળ પોલીસનું બોર્ડ દેખાતું નથી, તારી ગાડીમાં આટલો સામાન ભરવાની પરમિશન કોણે આપી ચાલ પોલીસ સ્ટેશન તારી ગાડી જમા લઉ છું’ તેમ કહીને ધમકાવતા રાજેશભાઈ ગભરાઈ ગયા હતા. અને બોગસ પોલીસે તેમના ખિસ્સામાં રહેલા 9 હજાર પડાવી તેમને કારમાંથી ઉતારી ભાગી ગયો હતો.

રાજેશભાઈએ તેને નામ પુછતા નામ કહ્યા વગર જતો રહ્યો હતો. દરમિયાન રાજેશભાઈએ તેની મહિન્દ્રા કંપનીની કેયુવી-100 કારનો નંબર (જીજે-05-આરજી-0692) હોવાનું જોઈ લીધું હતું. રાજેશભાઈએ અમદાવાદ ખાતે રહેતા તેમના પુત્રને જાણ કરતા આજરોજ તેમણે પૂણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડતા તે પ્રકાશ પાટીલ હોવાનું નીકળ્યું હતું. પ્રકાશ પાટીલ હેડક્વાર્ટસમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મી છે. અને અગાઉ પણ તેને મહિધરપુરામાં આ રીતે તોડ કર્યો હતો. પૂણા પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top