પર્યાવરણ મંત્રી (ભારત સરકાર) ભૂપેન્દ્ર યાદવે 2021માં તેમના માદરે વતન જમાલપુરમાં એક પુસ્તકાલયની સ્થાપના કરી હતી. જે દિલ્હીની બહારના વિસ્તારમાં ગુડગાંવ શહેરની સરહદે આવેલું છે. મફત ઈન્ટરનેટ સાથેનું વાચનાલય વિદ્યાર્થીઓમાં ભારે પ્રશંસાને પામ્યાના સમાચાર છે. પરીક્ષાર્થીઓ ઉચ્ચ પરીક્ષાઓ યુ.પી.એસ.સી. વગેરેની પરીક્ષાની તૈયારી માટે પુસ્તકાલય પરિસરનો ઉપયોગ કરી શકે. ત્યાં પ્રવચનો, અનૌપચારિક વર્ગોમાં યોજવામાં આવે છે. આ મંત્રી મહોદયની સ્તુત્ય પહેલ છે.
સામે જ કેન્દ્રીય, રાજ્ય સ્તરે સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો એમને મળતા ફંડમાંથી પોતપોતાના મતવિસ્તારમાં પુસ્તકાલયો ખોલવાની ઝુંબેશ ચલાવી મતદારોના પુત્ર, પુત્રીઓને, પાલ્યોને યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી. જેવી ઉચ્ચ પરીક્ષાનાં મોંઘાદાટ પુસ્તકો ઉપલબ્ધ કરાવી સરકાર તરફથી મળતા ફંડનો સદુપયોગ કરવો જોઈએ. જ્ઞાન મેળવવા પુસ્તક વાચનનો સહારો લેવો જોઈએ. ગ્રંથો એ જ્ઞાનના મહાદ્વાર છે. સામાન્ય જ્ઞાનને તાજું રાખવા માટે અખબારો અને સામયિકોનું નિયમિત વાચન કરવું જોઈએ. પુસ્તકાલયોમાં જીવનચરિત્રો, કલા, રમતગમત, નાટક, ફિલ્મ, વિજ્ઞાન, અધ્યાત્મ, અર્થતંત્ર, રાષ્ટ્રીય પ્રવાહો, ટેક્નોલોજી, કોમ્પ્યુટર, મોટીવેશનનાં પ્રેરક પુસ્તકો હોવાં જરૂરી છે.
સુરત. – ભગુભાઈ પ્રે. સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
નવસારી નગરપાલિકા રસ્તાઓ, ટ્રાફિક વિશે વિચારે છે કે નહીં
તા. 29-05-23ના ‘‘ગુજરાતમિત્ર’’ માં નવસારીના શ્રી કમલેશ મોદીનું છાપરારોડ અંગેનું ચર્ચાપત્ર વાંચી લખવા પ્રેરાયો. તેમણે રસ્તામાં અમુક જગ્યાએ ખાડા ટેકરા છે તેમજ ટ્રાફિક ખૂબ રહે છે તે અંગે ચર્ચા કરી છે તે યોગ્ય જ છે. એ રસ્તા અંગે પણ મેં ઘણી વખત ‘‘ગુજરાતમિત્ર’’ના ચર્ચાપત્ર વિભાગમાં રજૂઆત કરી છે. નવસારી નગરપાલિકાએ એ રસ્તાને પહોળો બનાવી વન-વે કરવાની જાહેરાત કરી છે.
રસ્તાની વચ્ચે ડીવાઈડર બને તો એ રસ્તો વ્યવસ્થિત બને, પરંતુ એ રસ્તાની બંને બાજુ ખાદ્ય પદાર્થની લારીઓ તથા શાકભાજીવાળા બેસે છે અને ક્યાંક મકાનવાળા આગળ વધ્યા હોય તો એને દૂર કરવા પડે અને તો એ રસ્તો પહોળો થઈ શકે અને ધંધા રોજગારવાળાને અન્ય જગ્યા ફાળવવી પડે. આ રસ્તાને વન-વે કરવા જેવો જ છે કારણકે આ રસ્તા પર ઘણા અકસ્તમાત થાય છે અને કેટલાકના પ્રાણ પણ ગયા છે. વાહનો ફાસ્ટ જાય છે આથી જાનનું જોખમ વધ્યું છે. નવસારી નગર પાલિકા તાત્કાલિક કાર્ય કરે.
નવસારી – મહેશ નાયક, – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.