સુરતઃ (Surat) શહેરમાં છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાનું સંક્રમણ છે. પરંતુ છેલ્લા 1 મહિનાથી શહેરમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. જે વધુ ભયાનક સાબિત થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. 15 દિવસમાં 5 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. દરમ્યાન બુધવારે સુરત મહાનગર પાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી (Health Officer) ડો. પ્રદીપ ઉમરીગરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના લક્ષણો જણાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટીવ આવ્યો હતો. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે.
માર્ચ-2020થી કોરોનાની મહામારી ફેલાયેલી છે. જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર, સફાઈ કામદારો સુધીના દરેક અધિકારીઓ, કર્મચારીઓ તથા કામદાર ભાઈ-બહેનો પોતાના જીવના જોખમે પણ સુરત શહેરના રહેવાસીઓનું આરોગ્ય જળવાઈ રહે એ માટે સતત રાત-દિવસ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ગત વર્ષ દરમિયાન સુરત મહાગરપાલિકાના 24 જેટલા કર્મચારી કોરોનાને કારણે મોતને ભેટી ચૂક્યા છે. જ્યારે છેલ્લા એક મહિનાથી શરૂ થયેલા કોરોનાના બીજા દોરમાં પણ મહાનગરપાલિકાના 200થી વધુ કર્મચારી કામદાર ભાઈ-બહેનો કોરોનાથી સંક્રમિત થયાં છે. અને છેલ્લા 15 દિવસ દરમિયાન સુરત મહાગરપાલિકાના 5 કર્મચારી મોતને ભેટી ચૂક્યા છે.
જેમાં મોહંમદ હનીફ ચોપડા-આરોગ્ય નિરીક્ષક-વરાછા ઝોન, ગુલાબભાઈ પટેલ-ટેક્નિકલ આસિસ્ટન્ટ-ગાર્ડન વિભાગ, કૈલાસભાઈ નેરકર-મદદનીશ આરોગ્ય નિરીક્ષક-સેન્ટ્રલ ઝોન, વિશ્રામભાઈ જેઠાભાઈ નાવર-બેલદાર વીબીડીસી, લિંબાયત ઝોન તથા હિતેન્દ્ર સુથાર-કાર્યપાલક ઈજનેર-સેન્ટ્રલ ઝોનનું પણ અવસાન થયું છે. કોરોનાના કારણે અવસાન પામેલા તમામ કર્મચારીઓને સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) યુનિયનના પ્રમુખ મોહંમદ ઈકબાલ શેખ તથા મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિએ શ્રદ્ધાંજલિ આપી છે. આ તમામ કર્મચારીઓને રૂ.50 લાખની સહાય આપવાની માંગણી યુનિયન તરફથી કરવામાં આવી છે.
ધારાસભ્ય અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારને કોરોના
બારડોલી: કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે તેની સાથે રાજ્ય સરકારના એક પછી એક મંત્રીઓ સંક્રમિત થઈ રહ્યા છે. મંગળવારે બારડોલીના ધારાસભ્ય અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારે કોરોનાનાં હલકાં લક્ષણો દેખાતાં રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યું છે. જેનું પરિણામ આવતીકાલે આવશે. મંત્રી દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોને આરોગ્યની કાળજી લેવા તેમજ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરાઈ છે. હાલ તેઓ બારડોલીના બાબેન ખાતે આવેલા તેમના નિવાસસ્થાને હોમ આઇસોલેટ થયા છે.