Columns

કોર્પોરેટ હોસ્પિટલો તબીબી વ્યવસાયને બદનામ કરી રહી છે

ખાનગી હોસ્પિટલોનું કોર્પોરેટ મોડલ મધ્યમ વર્ગનાં દર્દીઓનાં ખિસ્સાં પર ભારે પડી રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ દર્દીઓને ડોક્ટરોને આપવામાં આવતા ટાર્ગેટની કિંમત ચૂકવવી પડી રહી છે. વધુ ને વધુ શહેરોમાં બ્રાન્ચ ખોલવાની અને વધુ નફો કમાવાની હોડમાં કોર્પોરેટ મોડલની હોસ્પિટલોએ ડોકટરોની ફી વધારવાની સાથે વિવિધ સુવિધાઓના નામે વધારાના પૈસા પડાવવાનું શરૂ કર્યું છે. બીજી તરફ નબળી સરકારી વ્યવસ્થા વચ્ચે ખાનગી હોસ્પિટલમાં જવું પણ દર્દીઓ અને તેમનાં પરિવારજનો માટે મજબૂરી બની ગયું છે.

ફોર્ટિસ હોસ્પિટલે ડેન્ગ્યુની સારવાર માટે ૧૫ દિવસનું ૧૬ લાખ રૂપિયાનું બિલ વસૂલ્યું હોવાના કિસ્સા બાદ હવે સવાલો ઊઠી રહ્યા છે કે આવી હોસ્પિટલોની ફી આટલી વધારે કેમ છે? જાણકારોના મતે રાજકીય આશ્રયના કારણે ખાનગી હોસ્પિટલોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલોની નબળી વ્યવસ્થાના કારણે મોટા ભાગનાં લોકોનો સરકારી હોસ્પિટલો પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે અને ખાનગી કોર્પોરેટ હોસ્પિટલો તેનો ગેરફાયદો ઉઠાવી રહી છે. દરેક ખાનગી હોસ્પિટલ હવે કોર્પોરેટ લાઇન પર કામ કરી રહી છે.

દરેક હોસ્પિટલનું પોતાનું વર્કિંગ બિઝનેસ મોડલ હોય છે. તેમાં નાની પોસ્ટ પરનાં ડોકટરોને ફિક્સ પગાર આપવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે તેઓ પણ કમિશન અને ડિવિડન્ડના ભાગીદાર બની જાય છે. આમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓનો પણ મોટો ફાળો હોય છે. ખાનગી હોસ્પિટલના એક નિવૃત્ત વરિષ્ઠ અધિકારી કહે છે કે ‘‘સામાન્ય રીતે રોકાણકારોએ મોટી હોસ્પિટલોમાં નાણાં રોક્યા હોય છે. તેમનો હેતુ માત્ર અને માત્ર નફો કરવાનો છે. આવી સ્થિતિમાં રોકાણકારો મેનેજમેન્ટ પર દબાણ લાવે છે. રોકાણના બદલામાં નફાનો અમુક હિસ્સો આપવો પડે છે. સિસ્ટમ્સ અને સેવાઓ માટે કમાણીનો એકમાત્ર સ્રોત દર્દી છે, જેના કારણે વધુ ચાર્જ વસૂલવામાં આવે છે.  હોસ્પિટલમાં જે કરોડો રૂપિયાનાં સાધનો ખરીદાય છે તેની કિંમત દર્દીઓ પાસેથી વસૂલ કરવામાં આવે છે.’’

ડિવિડન્ડ મોડેલમાં કોર્પોરેટ હોસ્પિટલોમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતાં ડોક્ટરો કોઈ પણ જાતની ફી લેવાને બદલે હોસ્પિટલની કુલ આવકમાંથી તેમનું ડિવિડન્ડ લે છે. આમાં સામાન્ય રીતે પ્રખ્યાત ડોકટરોનો સમાવેશ થાય છે, જેઓ ચોક્કસ ફિલ્ડમાં નિપુણતા ધરાવે છે. ડોકટરો દરેક ઓપરેશન, ટેસ્ટ અને ઓપીડી ફીના વાર્ષિક મૂલ્યાંકનના આધારે તેમનું ડિવિડન્ડ નક્કી કરે છે. મોટી કોર્પોરેટ હોસ્પિટલો જાણીતાં ડોકટરોના આધારે વધુ દર્દીઓને આકર્ષવા માટે આ મોડેલ અપનાવે છે. સેવા મોડેલમાં દરેક સેવા માટેની ફી નક્કી કરવામાં આવી હોય છે.

વિવિધ નિષ્ણાત તબીબોની સેવાઓ લેવામાં આવે તેના બદલામાં ડૉક્ટરોને હોસ્પિટલ દ્વારા વસૂલ કરવામાં આવતી રકમના ૧૫-૨૦ ટકા ચૂકવવામાં આવે છે. બાકીની રકમની મદદથી તેઓ હોસ્પિટલનું મેઇન્ટેનન્સ કરે છે. સામાન્ય રીતે નાની હોસ્પિટલો આ પ્રકારનું મોડલ અપનાવી રહી છે. રેવન્યુ મોડેલમાં તમામ ડોકટરોને ટાર્ગેટ આપવામાં આવ્યા હોય છે. દર્દીઓની સંખ્યા સાથે તમામ ડોકટરોને પગાર જોડવામાં આવે છે. આમાં ડોક્ટરોને તેમના થકી થતી આવકના આધારે પૈસા આપવામાં આવે છે. જો ડોકટર આપેલા ટાર્ગેટ કરતાં ઓછાં દર્દીઓ જુએ તો તેનો પગાર પણ કપાઈ જાય છે. સામાન્ય રીતે તમામ હોસ્પિટલોમાં ઓપીડીમાં પોસ્ટ કરાયેલાં ડોકટરોને સેલરી મોડેલ હેઠળ પગાર ચૂકવવામાં આવે છે. જુનિયર ડોકટરોથી માંડીને સીનીયર ડોકટરોને પગાર ચૂકવવામાં આવે છે. આ સાથે તેમને પ્રોત્સાહન આપવાની પણ જોગવાઈ કરાય છે. વધુ દર્દીઓ જોવા માટે તમને વધુ પૈસા મળે છે.

મોટી ફી વસૂલતી હોસ્પિટલોમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓની મોટી ભૂમિકા હોય છે. જેનરિક દવાને બદલે બ્રાંડ નેમ લખવાના બદલામાં ડોક્ટરોને તગડું કમિશન ચૂકવવામાં આવે છે. તેમને વિદેશ પ્રવાસ, ભેટસોગાદો અને બાળકોનું શિક્ષણ સહિત અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આ સુવિધાઓના લોભને કારણે ડોક્ટરો તે કંપનીની બ્રાન્ડેડ દવાઓ લખી આપે છે. તેમાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ ફાર્માસ્યુટિકલ કંપનીના દલાલની ભૂમિકા ભજવે છે.

ડોક્ટરોને બજારમાં કઈ નવી દવા આવી છે, તેના લાભાલાભ શું છે, તેની કિંમત કેટલી છે, વગેરેનો અભ્યાસ કરવાની ફુરસદ હોતી નથી. તે માટે તેઓ ફાર્માસ્યુટિકલ કંપનીના દલાલો ઉપર નિર્ભર રહે છે. આ દલાલો ડોક્ટરોને તગડું કમિશન આપીને પોતાની મનપસંદ બ્રાન્ડની દવા લખવા તેમને મજબૂર કરે છે. બ્રાન્ડેડ દવાની કિંમત ૨૦૦ રૂપિયા છે, જ્યારે તેવી જ ફોર્મ્યુલા ધરાવતી જેનરિક દવા માત્ર ૧૫-૨૦ રૂપિયામાં ઉપલબ્ધ હોય છે, જેના કારણે દર્દીઓને બ્રાન્ડેડ દવા માટે ઊંચા ભાવો ચૂકવવા પડે છે.

બોમ્બે મેડિકલ જર્નલ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે ડોકટરો પોતાનું સાહસ શરૂ કરવાને બદલે કોર્પોરેટ હોસ્પિટલોમાં નોકરી કરવાનું પસંદ કરે છે, જેને કારણે તબીબી વ્યવસાયમાં ગેરરીતિઓ વધી રહી છે. આ રિસર્ચ પેપર પુણેસ્થિત બિનસરકારી સંસ્થા ‘સાથી’નાં શ્વેતા મરાઠે અને કિંગ્સ કોલેજ લંડનના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

કોર્પોરેટ હોસ્પિટલોમાં કામ કરતા ડોકટરોને ટાર્ગેટ આપવામાં આવે છે તે દર્શાવવા ઉપરોક્ત રિસર્ચ પેપરમાં મહારાષ્ટ્ર સ્થિત એક નેત્ર ચિકિત્સકને ટાંકવામાં આવ્યા હતા. એક ડૉક્ટર સતત બે મહિના સુધી લક્ષ્ય ચૂકી ગયા ત્યારે તેમને લેખિત મેમો અને ચેતવણી મળી કે તેમનો કરાર સમાપ્ત થઈ શકે છે. કોન્ટ્રાક્ટ રિન્યુઅલના સમયે ડૉક્ટરની વ્યાવસાયિક કિંમતનું મૂલ્યાંકન તેમણે હોસ્પિટલ માટે કરાવી આપેલી આવકના આધારે કરવામાં આવે છે. મોટી હોસ્પિટલોમાં લક્ષ્યાંકો પૂરા કરવા માટે બિનજરૂરી સારવારની ભલામણ કરીને બહારનાં દર્દીઓને ઇનપેશન્ટમાં રૂપાંતરિત કરવાનો સફળતાનો દર નોંધપાત્ર રીતે વધી ગયો છે.

હવે તો કોર્પોરેટ હોસ્પિટલો પણ હોટેલોની જેમ ઓક્યુપન્સીના બિઝનેસ મોડેલના આધારે કામ કરે છે. હોસ્પિટલોમાં જો અમુક ટકા પથારી ખાલી હોય તો હોસ્પિટલ ખોટમાં જાય છે કે તેને અપેક્ષિત નફો થતો નથી. તેવા સંયોગોમાં વહીવટ કરનારા ડોક્ટરોને સંચાલકોનો ઠપકો સાંભળવો પડતો હોય છે. તેને કારણે જે દર્દીને હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂર ન હોય તેને પણ પરાણે દાખલ કરી દેવામાં આવે છે.

ઘણી વખત તો દર્દી મરી ગયો હોય તો પણ તેને વેન્ટિલેટર પર દિવસો સુધી જીવતો બતાવી તેની ફી વસૂલ કરવામાં આવતી હોય છે. જે દર્દીને સર્જરીની જરૂર ન હોય પણ માત્ર સાદી દવાથી સાજો થઈ જતો હોય તેને પણ ગભરાવીને સર્જરી કરવાની સલાહ આપવામાં આવે છે. ડોક્ટરોને આપવામાં આવતાં ટાર્ગેટને કારણે ડાયગ્નોસ્ટિક મશીનોને દર મહિને ૧,૦૦૦ દર્દીઓની તપાસ કરવાની જરૂર પડે છે.

તેમાં ચોક્કસપણે ઘણી બધી બિનજરૂરી તપાસોનો સમાવેશ થાય છે. મોટી હોસ્પિટલો તેમનો નફો વધારવા માટે મેનેજમેન્ટના ગ્રેજ્યુએટની ભરતી કરી રહી છે. તેમાં કામ કરતાં ઇમાનદાર ડોકટરો અફસોસ વ્યક્ત કરે છે કે મેનેજમેન્ટના નિષ્ણાતો સામે તેમની કોઈ વાત સાંભળવામાં આવતી નથી. કોર્પોરેટ હોસ્પિટલોમાં કેટલાક સ્ટાર ડોકટરો હોય છે, જેઓ કોઈ પણ એક હોસ્પિટલ સાથે પૂર્ણ સમયના કરારમાં બંધાયેલા નથી હોતા, પરંતુ પોતાની પ્રતિષ્ઠાને રોકડી કરવા માટે તેઓ  એક કરતાં વધુ હોસ્પિટલો સાથે કામ કરીને અઢળક કમાણી કરતા હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top