Entertainment

અમિતાભ બચ્ચનના ઘરમાં કોરોનાની ફરી એન્ટ્રી, સોનુ નિગમનો આખો પરિવાર પોઝિટિવ

મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) ઘરમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી છે. આ વખતે બિગ બીનો એક કર્મચારી કોરોના પોઝિટિવ (Corona positive) થયો છે. તેમના ઘરે કામ કરતો કર્મચારી કોરોનામાં સપડાયો હોઈ આરોગ્ય તંત્ર દ્વારા અમિતાભના 31 કર્મચારીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલમાં બચ્ચન પરિવારના સભ્યોમાં કોઈને ચેપ લાગ્યો હોવાની માહિતી નથી.

તમને જણાવી દઈએ કે, અગાઉ ગયા વર્ષે જુલાઈમાં અમિતાભ કોરોના પોઝિટિવ થયા હતા, જેના કારણે અમિતાભને મુંબઈના વિલે પાર્લેની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અમિતાભ બાદ અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. આ તરફ સિંગર સોનુ નિગમ અને તેમનો પરિવાર પણ કોરોના સંક્રમિત થયો છે. તેમની પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ છે. સોનુએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને આ અંગેની જાણકારી આપી હતી.

બોલીવૂડમાં (Bollywood) જાણે કોરોનાનુ ગ્રહણ લાગ્યુ હોય તેમ એક બાદ એક સ્ટાર્સના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. હાલમાં જ કરણ જોહરની (Karan Johar) એક પાર્ટી દરમિયાન કરીના કપૂર, મહિપ કપૂર, અમૃતા અરોરા તમામ લોકો પોઝિટીવ આવ્યા હતા. આખી દુનિયા હાલ કોરાનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron Variant) ભય હેઠળ છે પરંતુ બોલીવૂડ પરથી પાર્ટીઓનું ભૂત નથી ઉતરી રહ્યુ. બોલીવૂડની પાર્ટીઓ હાલ કોરોનાનું એપિસેન્ટર બની રહી હોય તેવુ લાગી રહ્યુ છે.

તમને જણાવવુ રહ્યુ કે, આ અગાઉ કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં મલાઈકા અરોરા સાથે ગયેલો અર્જુન કપૂર પણ કોરોના સંક્રમિત થયો હતો. અર્જુન ઉપરાંત તેની બહેન રિયા અને તેના પતિ કરણ બુલાનીનો પણ રિપોર્ટ પોઝિટિવ થયા હતા. ત્યાર બાદ અભિનેત્રી નોરા ફતેહી પણ કોરોના સંક્રમિત થઈ હતી. તેણે સોશિયલ મીડિયા (Social Media) પર આ માહિતી આપી હતી. નોરા ફતેહી લખ્યુ હતું કે, “તે હાલ કોરોના સંક્રમિત થઈ હતી અને તે ડોક્ટરના સુપરવિઝન હેઠળ થોડા દિવસો રહેશે. આ સાથે નોરાએ ચાહકોને માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ અપીલ કરી હતી. તેણે લખ્યુ કે, તમારી હેલ્થથી (Health) વધારે કંઈપણ મહત્વનુ નથી.” હાલ બોલિવુડ પર કોરોનાનું તાંડવ જોવા મળી રહ્યુ છે.

Most Popular

To Top