આણંદ : આણંદ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી અને મહામારીને મુદ્દો બનાવી જનચેતનાનો કાર્યક્રમ તાલુકે – તાલુકે યોજ્યો હતો. જેમાં સરકારના વિકાસ દિવસના આયોજન સમે 9 દિવસ વિરોધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે, હવે ભાજપની જન આશીર્વાદ યોજના સામે કોંગ્રેસ કોવિડ-19 ન્યાય યાત્રા યોજશે. આ અંગે આણંદ ખાતે પૂર્વ મંત્રી અને પ્રભારી ભીખાભાઈ રબારીએ બેઠક યોજી વિવિધ મુદ્દાની ચર્ચા કરી હતી.
આ અંગે પ્રભારી ભીખાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં જે અરાજકતા, ભય અને સરકારની અવ્યવસ્થાને કારણે ગુજરાતમાં લાખો લોકો હેરાન પરેશાન થયાં હતાં. કોરોનાના કપરા સમયમાં લોકોને હોસ્પિટલમાં બેડ, ઇન્જેકશન, ઓક્સિજન, વેન્ટીલેટર માટે કરગરતા – હેરાન પરેશાન થતાં જોયાં છે. આગોતરી જાણ હોવા છતાં સરકારની ગંભીર બેદરકારી, અણઘણ વહીવટને કારણે લાખો લોકો મર્યા છે અને લાખો લોકો હોસ્પિટલમાં હેરાન પરેશાન થયાં છે. ભાજપનું 25 વર્ષથી શાસન હોવા છતાં સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થા ન હોય, સ્ટાફ ન હોય, તેના કારણે ખાનગી હોસ્પિટલમાં લોકો લુંટાયાં છે. આ બધાથી લોકો વ્યથિત છે.
આક્રોશમાં છે અને પહેલી વખત રાજ્યના મધ્યમ વર્ગને અહેસાસ થયો છે કે અમે જેને વારંવાર મત આપી સત્તા સોંપીએ સરકારે અમારા માટે કંઇ ન કર્યું, સરકાર નિષ્ફળ છે. ગુજરાતમાં લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા તેના કરતાં વધારે સરકારની ગુનાહિત બેદરકારીથી મૃત્યુ પામ્યાં છે, આ એક પ્રકારે હત્યા છે. સરકારની ગેરહાજરી સ્પષ્ટ દેખાય છે. આથી, કોંગ્રેસ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં પીડિત પરિવારો વચ્ચે જઇ તેમને પડેલી મુશ્કેલીની માહિતી મેળવી સરકાર સમક્ષ મુકવામાં આવશે.
વધુમાં ભીખાભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત, કોરોનામાં સાત દિવસથી વધુ સમય જેમણે હોસ્પિટલમાં સારવાર લીધી છે, તેવા વ્યક્તિઓની મુલાકાત, મૃતકના પરિવારને મળી સાંત્વના આપવી સહિતના કાર્યક્રમ યોજાશે. સાથોસાથ તેમને સારવાર દરમિયાન શું શું તકલીફો આવી ? તેની માહિતી મેળવી, જે ફોર્મ આપેલા છે તેમાં મૃતક વ્યક્તિના ફોટા સહિતની માહિતી એકત્ર કરવામાં આવશે. તેમના પરિવારમાંથી કોઇ વ્યક્તિ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇન્જેકશન કે અન્ય કોઇ અવ્યવસ્થા વિશે બોલવા માંગતુ હોય તો તેમનો વિડીયોના માધ્યમથી વ્યસ્થા, દસ્તાવેજ એકત્ર કરવામાં આવશે. તેવી જ રીતે લાંબી સારવાર લેનારા વ્યક્તિની પણ આપવીતી સાંભળી, તેમનો પણ શક્ય હોય તો અવ્યવસ્થા વિષે વીડીયો રેકર્ડ કરવામાં આવશે. આ રેકર્ડ આધારે કોવિડ-19 ન્યાય યાત્રામાં મૃતકના પરિવારને ચાર લાખ વળતર, સરકારી નોકરીમાં મૃત્યુ પામેલા હોય તો તેના ઘરમાંથી એક સભ્યને નોકરી, ખાનગી હોસ્પિટલ સારવાર ખર્ચ પાછું આપવું, ગુનાહિત બેદરકારી, અણઘણ વહીવટની ન્યાયિક તપાસ કરવા સહિતના મુદ્દે જનઆંદોલન કરવામાં આવશે.