ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો સંખ્યા બમણી થવામાં 7.4 દિવસનો સમય લાગતે, એમ આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું હતું.
મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું છેલ્લા એક દિવસમાં કોવિડ-19ના 472 નવા કેસ નોંધાયા હતા અને 11 દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 3374 થઈ છે જ્યારે મૃત્યુઆંક 79 થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું 267 લોકો સાજા થયા હતા.
જો કે રાજ્ય પ્રમાણે આંકડા જોવામાં આવે તો મૃત્યુઆંક 106 થયો હતો અને કુલ કેસોની સંખ્યા 3624 થઈ હતી. તે પૈકી 284 દરદીઓ સાજા થયા હતા અને તેમને રજા આપવામાં આવી હતી. તબલીગી જમાત ધર્મસભા અંગે અગ્રવાલે કહ્યું હતુ ‘જો તબલીગી જમાતનો બનાવ બન્યો ન હોત તો વધારાના કેસ ન આવતે અને કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં 7.4 દિવસ લાગતે જ્યારે અત્યારે 4.1 દિવસમાં બમણી થાય છે.
આઈસીએમઆરના અધિકારીએ કહ્યું હતું ‘એવા કોઈ પુરાવા નથી કે કોવિડ-19 હવાથી ફેલાય છે. જો એવું હોય તો જે પરિવારમાં દરદી હોય તેના તમામ સભ્યોને ચેપ લાગવો જોઈએ કારણ કે તેઓ એક જ જગ્યાએ રહેતાં હોય છે, પણ આવું નથી થતું.’