મનપાના ડ્રેનેજ વિભાગમાં નોકરી કરતા કર્મચારીને વેક્સિન લીધા બાદ આડ અસર થઇ હતી અને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો સાંપડી છે. પ્રાપ્ત વિગતો મુજબ, મનપાના નવાગામમાં ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી નરેશભાઇ બચુભાઇ સોલંકીએ પાલ વિસ્તારમાં આવેલા સેન્ટર ઉપર વેક્સિન લીધી હતી. વેક્સિન લીધા બાદ નરેશભાઇની હાલત ગંભીર થઇ જતા તેને ત્યાં સેન્ટર ઉપર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
શુક્રવારે મોડી સાંજે વેક્સિન લઇને ઘરે ગયેલા નરેશભાઇને એક દિવસ સારું લાગ્યું હતું. ત્યારબાદ શનિવારે મોડી રાત્રે ફરીવાર તેની તબિયત લથડી હતી અને 108 મારફતે તાત્કાલિક મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત નરેશ સોલંકીને 10 મહિનાના કોરોના કાળમાં ક્યારેય કોરોના પોઝિટિવ આવ્યો ન હોવાનું પણ જાણવા મળે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે તેની હાલત ગંભીર છે અને હાલમાં સારવાર આપવામાં આવી રહી છે.
સાયણમાં રહેતા કર્મચારીને રિક્ષામાં સ્મીમેર હોસ્પિટલ લવાયો
સાયણ વિસ્તારમાં રહેતા નરેશભાઇ સોલંકીની તબીયત લથડતા તાત્કાલીક રિક્ષા મારફતે તેમને સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. નરેશભાઇ સોલંકી ઘરે જ બેભાન થઇ ગયા હતા અને પરિવારનો જીવ અધ્ધર થઇ ગયો હતો.
ડોક્ટરોએ શરૂઆતમાં સારવાર કરી જ નહી
સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ નરેશભાઇને જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર કોઇ સીએમઓ કે પછી અન્ય કોઇ રેસીડેન્ટ ડોક્ટરોએ તેમની સારવાર કરી ન હતી. ત્યારબાદ સ્વાભિમાન સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરીટસિંહ વાઘેલા તેમજ મનપામાં ડ્રેનેજ વિભાગમાં કામ કરતા અન્ય કર્મચારીઓ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. તેઓએ દાખલ દર્દી મનપાનો જ કર્મચારી હોવાનું કહેતા ડોક્ટરોએ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી.
જ્યાં વેક્સીન અપાઇ છે ત્યાં દર્દીનું સુગર કે બ્લડપ્રેશર મપાતુ ન હોવાની રાવ
હોસ્પિટલમાંથી જાણવા મળ્યા મુજબ સુરત મનપાના વેક્સીનેશનના 14 સેન્ટરો છે પરંતુ જ્યાં સેન્ટરો આવ્યા છે ત્યાં કર્મચારીઓનુ સુગર અને બ્લડપ્રેશર ચેક કરવામાં આવતુ ન હોવાની રાવ ઉઠી છે. જેના કારણે કેટલાક કર્મચારીઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેઓને વેક્સીનની વધારે આડ અસર થતી હોવાનું કહેવાય છે.