16 મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરત શહેરમાં પ્રથમ તબક્કામાં 16 મી તારીખથી 22 સ્થળો પર વેક્સિનેશનની કામગીરી શરૂ જશે. દરેક સ્પોટ પર પ્રથમ દિવસે 100 લોકોને વેક્સિન મૂકાશે એટલે કે, પ્રથમ દિવસે 22 સ્થળ પરથી કુલ 2200 લોકોને વેક્સિન મૂકાશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. જે 22 લોકોને પ્રથમ દિવસે વેક્સિન મૂકાશે તે તમામ હેલ્થ વર્કરોને 15 મી જાન્યુઆરીના દિવસે મેસેજ મોકલી દેવામાં આવશે જેમાં તમામ વિગતવાર માહિતી હશે.
છેલ્લા 10 માસથી કોરોના સામે લડત આપતા હવે આતુરતાનો અંત આવ્યો છે અને 16 મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શહેરમાં પણ શરૂ થવા જઈ રહી છે. વેક્સિનેશનની કામગીરીમાં કોઈ ખામી નહીં રહી જાય તે માટે શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનના વિવિધ સ્પોટ પર ડ્રાય રન પણ કરી લેવામાં આવ્યો છે. તેમજ મનપાના હેલ્થ વર્કરોને વેક્સિનેશન માટેની ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. મનપા દ્વારા પ્રથમ તબક્કામાં 34,000 હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવશે. જે માટેની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. મનપા દ્વારા વેક્સિનેશન માટે કુલ 518 સ્પોટ નક્કી કરાયા છે.
પરંતુ પ્રથમ તબક્કામાં મનપા 22 સ્થળો પરથી વેક્સિનેશનની કામગીરી કરશે તે સ્થળોની યાદી પર ફાઈનલ મહોર મારવાની બાકી છે. એક સ્પોટ પરથી પ્રથમ દિવસે 100 લોકોને એટલે કે, કુલ 22 સ્થળો પરથી 2200 હેલ્થ વર્કરોને વેક્સિન અપાશે. જે 2200 લોકોને 16 મી જાન્યુઆરીએ વેક્સિન મૂકાશે તેઓને 15 મી જાન્યુઆરીએ મેસેજ મોકલી દેવામાં આવશે જેમાં કોને કયા સ્થળ પર કેટલા વાગ્યે વેક્સિન મુકાવવા જવાનું છે તે તમામ વિગતો મેસેજમાં આપવામાં આવશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
વેક્સિન માટે સેલ્ફ રજીસ્ટ્રેશન માટે સરકારના કો-વિન પોર્ટલ પર ઓપ્શન મળશે
કોરોનાની વેક્સિનેશન માટે સૌ પ્રથમ હેલ્થ વર્કરો, 50 વર્ષથી ઉપરના તેમજ કો-મોર્બિડ પેશન્ટ અને ફ્રન્ટલાઈન વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવશે. જે માટે હેલ્થ વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરોની યાદી મનપા દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે. ત્યાર બાદ શહેરમાં રહેતા કો-મોર્બિડ પેશન્ટ અને 50 વર્ષથી વધુની વયના લોકોને વેકસીન અપાશે આવા લોકોની યાદી માટે છેલ્લા 1 માસથી ડો-ટુ-ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે.
જેમાં અત્યારસુધીમાં 5 લાખથી વધુ લોકોનો ડેટાબેઝ તૈયાર કરી લેવાયો છે. પરંતુ અમુક કારણોસર હજી ઘણા લોકોનું સર્વેમાં રજિસ્ટ્રેશન થઈ શક્યું નથી. તેમજ ધણા વિસ્તારોમાં સર્વ કરાયો જ નહી હોવાની પણ બુમ ઉઠી છે, ત્યારે હવે જે લોકો સેલ્ફ રીજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તેના માટે વ્યવસ્થા કરવા વિચારાયું છે. મનપા કમિશનરે જણાવ્યુ હતું કે ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલા કો-વિન પોર્ટલમાં ટુંક સમયમાં આ સેલ્ફ રજીસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. તેમજ જરૂર પડયે મનપાના તમામ હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસ અને આરોગ્ય કેન્દ્રો પર પણ રજિસ્ટ્રેશનની સુવિધા ઉભી કરાશે.
મનપા દ્વારા છેલ્લા 1 માસથી શહેરમાં કેટલા કો-મોર્બીડ પેશન્ટ છે તેમજ કેટલા લોકો 50 વર્ષથી વધુ વયના લોકો છે તે માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં ઘણા લોકો ઘરે હાજર ન હોવાના કારણે તો ઘણા લોકોએ સામેથી માહિતી ન આપતા સર્વેમાં તેઓનું રજિસ્ટ્રેશન થઈ શક્યું નથી. હવે જ્યારે 16 મી જાન્યુઆરીથી શહેરમાં વેક્સિનેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જેઓના નામ હજી રજિસ્ટર્ડ નથી થયા તેઓ રાજ્ય સરકારના કો-વિન પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. સાથે સાથે શહેરના તમામ હેલ્થ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર અને વોર્ડ ઓફિસોમાં પણ રજિસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા ઉભી કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં હજી પણ સર્વેની ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલુ જ છે જેથી લોકો ટીમ પાસે જ રજિસ્ટ્રેશન કરાવી શકશે.