હાલમાં શાળા તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું છે. ધીરે ધીરે મોટા ધોરણોની શાળામાં પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. તે દરમ્યાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં કોરોનાનું સંક્રમણ ન ઉદ્ભવે એ માટે અગમચેતીના ભાગરૂપે શહેરના વિવિધ ઝોનમાં આવેલી શાળાઓમાં ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં વરાછા ઝોન–બીમાં આવેલી કૌશલ વિદ્યાલયમાં ધોરણ-7 માં અભ્યાસ કરતા કુલ 5 વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા હતા. તેમજ લિંબાયત ઝોનમાં આવેલી 13 શાળા/કોલેજમાં કુલ 533 શિક્ષકો તથા વિદ્યાર્થીઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. જેમાં 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. આમ એક જ દિવસમાં શહેરમાં 7 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ–શાળા-કોલેજો/કોચિંગ ક્લાસીસ વગેરેમાં કોરોનાની ગાઈડલાઈનનું અચૂકપણે પાલન થાય તેની તકેદારી રાખવા માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.
22 દર્દી ગંભીર : સંક્રમણ વધતા વધુ સાવચેતી રાખવા મનપાની અપીલ
કોરોના મહામારીમાં હાલના તબક્કે શહેરમાં કોરોના દર્દીઓના પ્રમાણમાં આંશિક વધારો નોંધાઈ રહ્યો છે. આગાઉ વેન્ટિલેટર સપોર્ટેડ બેડની જરૂરિયાત 1.3 ટકા રહેતી હતી, જે છેલ્લાં 6 દિવસોમાં સરેરાશ 0.9 ટકા થઇ છે. ઓક્સિજન સપોર્ટ રૂમ એર બેડની જરૂરિયાત 2.4 ટકા હતી, જે છેલ્લાં 6 દિવસોમાં 1.7 ટકા થઇ છે.
હાલમાં 22 દર્દી પોઝિટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 2 દર્દી બાયપેપ પર, 4 દર્દી ઓક્સિજન પર અને 16 દર્દી રૂમ એર પર રાખવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને જોતા તમામ શહેરીજનોએ કોરોના વાયરસને હળવાશમાં નહી લઈ કોરોના વાયરસની ગાઈડલાઈનો જેવી કે ફરજિયાત માસ્ક પહેરવું, 2 ફૂટનું સામાજિક અંતર જાળવવું તથા વારંવાર સાબુ અથવા સેનિટાઈઝરથી હાથ સાફ કરવા જેવી બાબતનું અચૂક પાલન કરે તેમ મનપા દ્વારા અપીલ કરાઈ છે.