બેફામ બનેલા ચૂંટણી પ્રચાર અને સભા સરઘસોને કારણે હવે સુરતમાં કોરોના મામલે કપરો કાળ શરૂ થઈ ગયો છે. એક સમયે સુરતમાં કોરોનાના કેસની સંખ્યા માત્ર 22 થઈ ગઈ હતી. જે તંત્રની બેદરકારી કે ચૂંટણી પ્રચારને નિરંકુશ બનવા દીધો. તંત્રએ ચૂંટણી સભા કે સરઘસોમાં કોઈ ચેકિંગ કે દંડની કામગીરી કરી નહીં અને હવે તેનો ભોગ શહેરીજનો બની રહ્યાં છે. ચૂંટણી વખતે મોટી સંખ્યામાં લોકો ભેગા થવાને કારણે કોરોના ફરી ઝડપથી ફેલાવા માંડ્યો છે.
સુરતમાં છેલ્લા ઘણા દિવસથી પ્રતિદિન 100થી પણ વધુ પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા છે. બુધવારે શહેરમાં કોરોના કેસનો આંક વધીને 161 પર પહોંચ્યો છે. ફેબ્રુઆરી માસમાં કોરોનાના કેસમાં ખુબ જ ઘટાડો થયો હતો. દિવાળી બાદથી સંક્રમણને કાબુમાં લેવામાં તંત્રને પણ સારી સફળતા મળી હતી. પ્રતિદિન માત્ર 20થી 40 જેટલા કેસો નોંધાતા હતા. કોરોના સંક્રમણમાં ઉછાળો આવતાં જ હાલમાં કુલ આંક 41,717 પર પહોંચ્યો છે.
રાજકારણીઓની નફ્ફટાઈની વચ્ચે રાહતની વાત એ છે કે મોત નોંધાતા નથી
સુરતમાં રાજકારણીઓની નફ્ફટાઈને કારણે કોરોનાના કેસ ખુબ વધી ગયા છે પરંતુ તેની સામે રાહતની વાત એ છે કે, શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી એક પણ મોત નોંધાઈ રહ્યું નથી. શહેરમાં વધુ 89 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 40,186 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ 96.33 ટકા પર પહોંચ્યો છે.
કયા ઝોનમાં કેટલા કેસ?
ઝોન કેસ
સેન્ટ્રલ 13
વરાછા-એ 10
વરાછા-બી 04
રાંદેર 38
કતારગામ 14
લિંબાયત 06
ઉધના 11
અઠવા 65