સુરત: (Surat) અમદાવાદમાં સાબરમતી નદી અને તળાવોમાંથી કોરોના વાયરસ મળ્યા બાદ સુરતનું (Surat) તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરત અને વડોદરાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીમાં (Water) કોરોનાના વાયરસની હાજરી ચકાસવા માટે સેમ્પલો લેવામાં આવ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા સુરત અને વડોદરામાંથી કુલ 18 સ્થળેથી સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા છે. સુરતનાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી (Sewage treatment plant) ગંદા પાણીના સેમ્પલો આગામી સપ્તાહે પ્રોસેસ કરીને ચકાસણી કર્યાં બાદ તાપી નદીમાંથી પણ પાણીના સેમ્પલો એકત્ર કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માઇક્રોબાયોલોજી વિભાગના નિષ્ણાંત ડો. હેમંત રેડીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં સાબરમતી નદી અને તળાવોના પાણીના સેમ્પલો એકત્ર કરીને ચકાસણી કરતાં તેમાં કોરોનાના વાયરસની હાજરી મળી આવી હતી. અમદાવાદ પછી હવે સુરત અને વડોદરા શહેરમાં સર્વેક્ષણ કરવાની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાની હદમાં જુદા-જુદા વિસ્તારમાં આવેલાં 11 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કર્યાં પહેલાંના પાણીમાંથી સેમ્પલો લેવામાં આવ્યા છે. યુનિવર્સિટીના પ્રોફેસરોએ વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 7 સ્થળે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદા પાણીના સેમ્પલો એકત્ર કર્યાં છે. આ તમામ સેમ્પલોનું એનાલીસીસ કરીને સુએજના પાણીમાં કોરોના વાયરસની હાજરી છે કે, કેમ તેની ચકાસણી કરવામાં આવશે.
પાણીની ચકાસણી શા માટે?
કોરોના પોઝિટિવ દર્દીના મળ-મૂત્રમાં મોટાપ્રમાણમાં કોરોનાનાં વાયરસ હોય છે, જેથી ટોઇલેટ મારફતે આ વાયરસ ફેલાવાની શક્યતા ઘણી રહે છે. કોરોનાનો નવો વેવ જાણવા તેમજ કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શક્યતાઓ ચકાસવા માટે પણ આ પ્રકારના સર્વેક્ષણ અત્યંત જરૂરી છે. જે તે વિસ્તારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી લીધેલાં પાણીના સેમ્પલોમાં કોરોનાનાં વાયરસની હાજરી મળી આવે તો તે વિસ્તારને આઇડેન્ટીફાય કરીને કઇ સોસાયટી, મહોલ્લામાંથી કોરોનાનો નવો વેવ ફેલાયો છે, કોરોનાનાં દર્દી વધી રહ્યાં છે કે, કેમ તે પણ જાણી શકાય જેથી કોરોનાને કાબૂમાં લેવા ઝડપી પગલાં લઇ શકાય. આ માટે સરકાર દ્વારા પાણીમાં કોરોના વાયરસ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
જણાવી દઈએ કે અત્યારસુધીમાં દેશનાં અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચૂકી છે, પરંતુ હવે પાણીમાં પણ કોરોનાવાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળ્યા હતા. ત્રણેય પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયાં હતા. ચાર મહિનામાં 16 જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં 5 જેટલાં સેમ્પલ પોઝિટિવ જણાયા હતા.