બારડોલી: (Bardoli) બારડોલીની બારડોલી સત્યાગ્રહ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 રસીકરણ માટે મંગળવારના રોજ ડ્રાય રનનું (Dry Run) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાસ્તવિક રસીકરણ દરમ્યાન અપનાવવામાં આવનાર સંપૂર્ણ પ્રક્રિયા દોહરાવવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર (Gandhinagar) દ્વારા મંગળવારના રોજ રાજ્યમાં જિલ્લા દીઠ પાંચ જગ્યાઓ પર કોવિડ 19 રસીકરણ ડ્રાય રનનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બારડોલી ખાતે આવેલી બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાંત અધિકારી વી.એન. રબારીની આગેવાનીમાં ડ્રાય રનનું આયોજન થયું હતું. આ પ્રસંગે હોસ્પિટલના અધિક્ષક ડૉ. અમૃત પટેલ, બારડોલી મામલતદાર જીજ્ઞા પરમાર અને બારડોલી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. હેતલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સવારે સૌપ્રથમ લાભાર્થીઓના રિપોર્ટિંગ સાથે રસિકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી. આરોગ્ય સેવા સાથે સંકળાયેલા 25 લાભાર્થીઓએ કોવિડ19ની રસીકરણના ડ્રાય રનમાં ભાગ લીધો હતો. સમગ્ર રસીકરણની પ્રક્રિયા અંગે માહિતી આપતા બારડોલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. અમૃત પટેલે જણાવ્યું હતું કે, ડ્રાય રનમાં તમામ પ્રક્રિયા વાસ્તવિક રસીકરણ જેવી જ થશે માત્ર રસી જ ડમી છે. હાલમાં દરેક હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને પહેલુ વેક્સિન આપવામાં આવશે, ત્યાર બાદ 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો અને ગંભીર બીમારી ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવશે.
સરકાર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, હવે સપ્લાય મળતાની સાથે જ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ થશે. આ પ્રક્રિયામાં પાંચ વેક્સિનેશન ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. રસીકરણ માટે લાભાર્થીઓને મેસેજથી જાણ કરવામાં આવશે. મોબાઇલ ફોનમાં મેસેજ આવ્યા બાદ સેન્ટર પર આવી તેમનું પ્રમાણિકરણ કરવામાં આવશે. ત્યાર બાદ કોવિન નામની વેક્સિનની એપમાં તેમના નામની કન્ફર્મેશન લેવામાં આવશે. કન્ફર્મેશન મળ્યા બાદ વેક્સિનેટર દ્વારા વેક્સિન આપવામાં આવશે અને વેક્સિન આપ્યા બાદ દરેક લાભાર્થીને 30 મિનિટ સુધી રિકવરી રૂમ કે પ્રતિક્ષા રૂમમાં રાખવામાં આવશે. જ્યાં વેક્સિન લેનારને કોઈ તકલીફ નથી એ કન્ફર્મ કર્યા બાદ જ લાભાર્થીને ઘરે જવા દેવામાં આવશે.
હવે તમામ પીએચસી સેન્ટરો પર પણ વેક્સિનેશન માટેના ડ્રાય રનનું આયોજન કરાશે
બીજી તરફ રસીકરણના ડ્રાય રનના નિરીક્ષણ માટે પહોંચેલા પ્રાંત અધિકારી વી.એન રબારીએ જણાવ્યુ હતું કે, વાસ્તવિક રસીકરણ વખતે આવનારા પડકારો કે મુશ્કેલીઓને નિવારી શકાય તે માટે આ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી બાદ તમામ પીએચસી સેન્ટરો પર પણ વેક્સિનેશન માટેના ડ્રાય રનનું આયોજન થનાર હોવાનું તેમણે જણાવ્યુ હતું.