નડિયાદ: ખેડા જિલ્લામાં કોરોનાના સંક્રમણની ગંભીર પરિસ્થિતીને ધ્યાને લઇને ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં કોરોના અને ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, ત્યારે ખેડા જિલ્લામાં આ રોગને કાબુમાં રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવેના માર્ગદર્શન અન્વયે જિલ્લામાં ઉકાળાનું નિશુઃલ્ક વિતરણની શરૂઆત પીપળાતા ગ્રામ પંચાયત કચેરી ખાતેથી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવેએ જણાવ્યું હતું કે, ઋતુજન્ય રોગ પ્રતિરોધક ઉકાળા ફાયદારૂપ છે. ઉકાળા પીવાથી શરીરનો અગ્નિ પ્રદિપ્ત થાય છે. રોગ પ્રતિરોધક શક્તિ(ઇમ્યુનીટી પાવર) વધે છે. વાયરસથી થતા ફ્લુ સામે પણ રક્ષણ મળે છે. ઉકાળામાં રહેલ ઔષધો તુલસી, અળડુસી, આદુ, ગળો, ફુદીનો, ભારંગી, હરડે, બહેડા, આમળા વગેરેથી ચામડીના રોગો, ડાયાબીટીસ, કૃમિ, હદય રોગમાં પણ ખુબ જ ફાયદા થાય છે. વાયરલ, બેકટેરીયલ ફંગલ ઇન્ફ્રેકશનમાં પણ ફાયદો થાય છે. તેઓએ દરેક નાગરિકોને ઉકાળો પીવાની અપીલ કરી હતી. જિલ્લા આયુર્વેદીક અધિકારીએ જણાવ્યું હતું કે, પીપળાતા અને સુલણ મુકામે નિશુઃલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જયારે ૩૦ થી વધુ ધન્વંતરી રથના માધ્યમથી ગ્રામજનોને તેઓના નજીકના સ્થળે ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.