લુણાવાડા : વિશ્વ વ્યાપી કોરોના મહામારીને રાજયમાં કાબૂમાં લેવામાં રાજય સરકાર દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ માટે રાજય સરકાર દ્વારા ખાસ કરીને નાગરિકોની આરોગ્ય સુખાકારી અને કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ટેસ્ટ – ટ્રેક – ટ્રીટમેન્ટ સૂત્ર અપનાવી આ રોગના દર્દીઓને શોધી સમયસર સારવાર આપવામાં આવી રહી છે. રાજયમાં હાલ કેસોમાં ઘટાડો જોવા મળતાં રાજય સરકાર દ્વારા તબકકાવાર શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી રહી છે. આ શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવતાં પહેલાં સરકારની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તે પણ તેટલું જ જરૂરી છે.
આ માટે મહીસાગર કલેકટર ડો.મનિષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ. બી. શાહની નિગરાની હેઠળ જિલ્લામાં વિદ્યાર્થીઓમાં કોવિડ-૧૯નું સંક્રમણ વધે નહીં તે માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટના સૂત્રને મહીસાગર જિલ્લાનું આરોગ્ય તંત્ર સાર્થક કરી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાલ આ સૂત્ર અનુસાર જિલ્લાના તમામ તાલુકાઓની શાળાઓમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે દરરોજ ૯૫ થી વધુ આરટીપીસીઆર અને ૨૫થી વધુ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જણાવાયું છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, મહીસાગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ સૂત્રને અપનાવવામાં આવી રહેલી કામગીરીને છેલ્લા ૫૭ દિવસથી મહીસાગર જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.