કોરોનાની સ્થિતિ વણસી રહી છે, સુરતમાં ફરી ઓલટાઈમ હાઈ, રાંદેર-અઠવા ઝોનમાં ફરી ઢગલેબંધ કેસ નોંધાયા

સુરત: ઉત્તરાયણની ઉત્સાહથી ઉજવણીને પગલે હવે સુરતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના રેકોર્ડબ્રેક 3563 કેસ નોંધાયા છે. અને કુલ આંક 1,42,878 પર પહોંચ્યો છે. શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને લઈ તંત્ર દ્વારા શહેરીજનોને વધુ ને વધુ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં હજી પણ ઘણા લોકો કોરોનાને ગંભીરતાથી લઈ રહ્યા નથી. જેના કારણે સંક્રમણ તીવ્રતાથી વધી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ સંક્રમણ ખૂબ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. વિતેલા ચોવીસ કલાકમાં સુરત જિલ્લામાં કોરોનામાં 3 મોત થયા છે. જેમાં માંડવી નગરમાં એક વૃદ્ધ તેમજ એક વૃદ્ધાનું મોત થયું છે. તેવી જ રીતે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પણ કરચેલીયાની એક આધેડ મહિલાનું કોરોનામાં મોત થયું છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોનામાં મરણાંક 497 થયો છે. સુરત જિલ્લામાં પોઝિટિવ કેસની વાત કરીએ તો ચોર્યાસી તાલુકામાં 41, ઓલપાડમાં 77, કામરેજમાં 70, પલસાણામાં 37, બારડોલીમાં 56, મહુવામાં 18, માંડવીમાં 59 તેમજ માંગરોલમાં 57 અને ઉમરપાડામાં 8 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. સુરત જિલ્લામાં આ સાથે કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 35323 થઇ છે. જિલ્લામાં કુલ ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા 32845 થઇ છે. વિતેલા ચોવીસ કલાકમાં 266 પેશન્ટને રજા અપાઇ છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1981 થઇ છે.


વધુ 4 સોસાયટી ક્લસ્ટર જાહેર કરાઈ
વરાછા ઝોન-એના કરંજ વિસ્તારની રચના સોસાયટીમાં 6 કેસ નોંધાયા હતા. વરાછા ઝોન-બીના વેલંજા વિસ્તારના સહજાનંદ વાટિકાના એક જ વિસ્તારમાં 7 વ્યક્તિ પોઝિટિવ નોંધાયા હતા. સેન્ટ્રલ ઝોનના નાનપુરા વિસ્તારના સત્યમ એપાર્ટમેન્ટમાં 10 વ્યક્તિ પોઝિટિવ આવ્યા હતા. અઠવા ઝોનના ઇચ્છાનાથ વિસ્તારના એસવીએનઆઈટી ક્વાટર્સમાં 8 વ્યક્તિ પોઝિટિવ નોંધાયા હતા. જેથી આ સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરવામાં આવી હતી.

મંગળવારે વધુ 39 વિદ્યાર્થી કોરોનાની લપેટમાં
મંગળવારે શહેરમાં વધુ 39 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા, જેમાં ભૂલકાં ભવન શાળા, સ્કેટ કોલેજ, અમરોલી કોલેજ, ગાંધી કોલેજ, લૂડ્સ કોન્વેન્ટ શાળા, પી.આર.ખાટીવાલા શાળા, રાયન ઇન્ટરનેશનલ શાળા, સદભાવના શાળા, જે.એચ.અંબાણી શાળા, ગુરુકુળ શાળા, એલ.પી.સવાણી શાળા તથા અન્ય શાળાઓ તથા કોલેજ નોંધાયા હતા. જેથી આ શાળાઓ તથા કોલેજમાં જે-તે વર્ગ બંધ કરવામાં આવ્યા હતા. શાળાઓમાં તથા કોલેજમાં કુલ 672 વ્યક્તિનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top