Business

કોરોનાએ શિખવાડી સેફટી સેન્સ સુરતીઓમાં છવાયો Open Cafe નો ટ્રેન્ડ

કોરોનામાં એક વર્ષ સુધી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહ્યા બાદ હવે સુરતીઓ હેલ્થ પ્રત્યે વધારે કોન્શિયસ થતા જોવા મળી રહ્યા છે. ખાણી-પીણીના શોખીન સુરતીઓ હવે હેલ્થ સાથે બેસ્ટ જગ્યાઓ પસંદ કરી રહ્યા છે. હાલના સમયમાં સાવચેતીનાં પગલાં રૂપે કોરોના ન ફેલાય તે હેતુસર સુરતીઓ હવે બંધ અને એ.સી.રેસ્ટોરન્ટની જગ્યાએ ઓપન કેફે તરફ વળી રહ્યા છે, તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં શહેરમાં અનેક ટેરેસ અને ખુલ્લી જગ્યામાં કેફે ઓપન થયા છે. શહેરના વેસુ અને અડાજણ વિસ્તારમાં Open Cafe માં લોકોની લાંબી ભીડ જોવા મળી રહી છે. આ માહોલની વચ્ચે ‘ગુજરાતમિત્ર’ ‘સિટીપલ્સે’ શહેરના અનેક Open Cafe ની મુલાકાત લઈને જાણ્યું કે શહેરમાં જ્યાં રેસ્ટરોન્ટ બંધ થવાના આરે છે તો બીજી તરફ Open Cafe ના રાફ઼ડા ફાટી નીકળ્યા છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને Open Cafe માં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો જાણો કઈ રીતે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને હેલ્થ અવેરનેસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા આ Open Cafe સુરતીઓને આકર્ષી રહ્યા છે.

અડાજણ પાલ રોડ

અડાજણ પાલ રોડ પર આવેલું આ કેફે પાંચમા માળે ટેરેસ પર ડિઝાઈન કરવામાં આવ્યું છે. અહીંથી સમગ્ર તાપી અને અડાજણ તેમ જ પાલ વિસ્તારનો એરિયા જોઈ શકાય છે. કોરોના બાદ  ઈકોફ્રેન્ડલી વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી કેફેને બામ્બુ થીમ પર ડેકોરેટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કેન્ડલ લાઈટ ડિનર માટે કપલમાં આ કેફે ખૂબ જાણીતું છે.

  • વિશેષતા
  • 1) કેફેમાં 100 થી વધારે પ્લાન્ટ રોપવામાં આવ્યા છે.
  • 2) ઈકો-ફ્રેન્ડલી થીમ પર અહીંનું ફર્નિચર ડિઝાઈન કરવામાં આવ્યું છે.
  • 3) કોરોનાને ધ્યામાં રાખીને સિટીંગ અરેન્જમેન્ટ કરાઈ છે.

વેસુ મગદલ્લા રોડ

શહરેના વેસુ મગદલ્લા રોડ પર આવેલું પ્રમોદ પટેલ અને હંસા પટેલનું આ કેફે ગોવાની થીમ પર આધારિત છે. જેને શહેરના ફેમસ કન્સલટન્ટ ફેથ પંજાબી દ્વારા કન્સલ્ટ કરવામાં આવ્યું છે. આ કેફેના ઓનર ગોવાના હોવાથી સુરતમાં ગોવાની ફીલ લાવવા માટે સ્પેશ્યલ આ કેફે તૈયાર કરવામાં આવ્યું છે. આ એક ઓપન બંગલો કેફે છે. બંગલાની ડિઝાઈનના મકાનમાં બંને ફ્લોર પર ઓપન કેફે ડિઝાઈન કરાયા છે. સ્મોકીંગ માટે પણ અલગ ઓપન એરિયા ડિઝાઈન કરવામાં આવ્યો છે.

  • વિશેષતા
  • 1) આ કેફેમાં વિન્ટેજ વસ્તુઓ જેવી કે જૂના ટેલિફોન, સિવીંગ મશીન અને જૂના જમાનાના કેમેરાનું કલેક્શન પણ ડિસપ્લે કરવામાં આવ્યું છે.
  • 2) સમગ્ર કેફેમાં કોરોનાકાળ દરમિયાન વધુ માત્રામાં ઓક્સિજન રિલીઝ કરે તે પ્રકારના એરીના પ્લાન્ટ વાવવામાં આવ્યા છે.
  • 3) ફોટોગ્રાફી અને રીલ્સ બનાવવા માટે યંગસ્ટર્સનું ટોળું આ કેફે પર જોવા મળે છે.

વીઆર મોલ

કેફે એટલે ફક્ત યંગસ્ટર્સનો અડ્ડો જ નહીં પણ સીનિયર સિટિઝન માટે શાંતિ લેવાની જગ્યા. શહેરના વેસુ વિસ્તારમાં વીઆર મોલ પાસે આવેલા અંકિતા વાળંદના આ કેફેમાં ફક્ત યંગસ્ટર્સ જ નહીં પણ સીનિયર સિટિઝન પણ ટોળે વળીને બેઠેલા જોવા મળે છે. શહેરમાં કોરોનાને કારણે પાણીપુરી અને ચાટની લારીઓ બંધ થઈ ગઈ છે ત્યારે આ કેફેમાં 30 રૂપિયાની ડીશથી માંડીને મનગમતી ચાટ મળી રહે છે. લોઅરથી માંડીને મિડલ અને હાઈક્લાસના લોકો પણ આ કેફેમાં આવીને લંચ-ડીનર લઈ શકે છે.

  • વિશેષતા
  • 1) સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને અંતર રાખીને બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
  • 2) પ્રત્યેક વેઈટરને ટેબલ ફાળવી દેવામાં આવ્યા છે અને દરેક ટેબલ સાથે બેલ એટેચ કરવામાં આવ્યા છે, જેથી કોઈ એક વેઈટર જ તમને સમગ્ર લંચ કે ડીનર સર્વ કરે છે. આથી તમે જુદા-જુદા વ્યક્તિઓના સંપર્કમાં આવતા નથી.
  • 3) કેફેની આજુ-બાજુના સમગ્ર એરિયામાં ગ્રીનરી પાથરવામાં આવી છે, જેથી કુદરતી વાતાવરણ જળવાઈ રહે.

કેનાલ રોડ

શહેરના કેનાલ રોડ પર આવેલા આ કેફેમાં શહેરની સેલિબ્રિટી અને મોડેલ્સ ઉમટેલા જોવા મળે છે. આ કેફેના ઓનર ઓમીભાઈ મૂળ પંજાબના હોવાથી તેમણે ઢાબાની થીમ પર ખુલ્લી જગ્યામાં આ કેફે ડિઝાઈન કર્યું છે. કેફેમાં એક જ જગ્યાએ પબ્લિક ભેગી ન થાય તે માટે અલગ અલગ આઈટમ માટે અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. કેફેમાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે.

  • વિશેષતા
  • 1) કેફેમાં જમ્યા બાદ જે ફેમિલીમાં પિતા-પુત્ર હગ કરશે તેમના બિલ પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
  • 2) કેફેમાં તંદૂરી મંચુરિયન, સ્મોકી રોટી, મટુકી પિઝા જેવી અજબ-ગજબ વાનગીઓ અવેલેબલ છે જે તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય
  • 3) કેફેમાં બાળકો માટે ઓપન પ્લેઈંગ એરિયા પણ ડિઝાઈન કરાયો છે.

વેસુ-vip રોડ

વેસુ વીઆઈપી રોડ પર આવેલું આ કેફે ફેમિલી કેફે તરીકે જાણીતું છે. અહીં મોડી રાત સુધી લોકોની ભીડ જોવા મળે છે. 8 મહિના પહેલાં જ શરૂ કરવામાં આવેલા આ કેફેને ગ્રીનરી વચ્ચે ડિઝાઈન કરવમાં આવ્યું છે. કેફેના ઓનર રહીશ શેખે જણાવ્યું હતું કે ખાસ કરીને કોરોનામાં લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને જ અમે કોરોનાકાળમાં આ કેફે ડિઝાઈન કર્યું છે. સિટીંગ અરેન્જમેન્ટ પણ અમુક ડિસ્ટન્સ રાખીને ગોઠવવામાં આવી છે, જેથી લોકો જલ્દીથી એકબીજાના સંપર્કમાં આવે નહીં.

  • વિશેષતા
  • 1) આ કેફેમાં થોડા થોડા અંતરે ટેન્ટની થીમ પર સિટીંગ અરેન્જમેન્ટ બનાવવામાં આવી છે.
  • 2) લોકોને પીસ મળી રહે તે માટે કેફે વ્હાઈટ થીમ પર ડિઝાઈન થયું છે.
  • 3) સિટીંગ એરિયાની આજુ-બાજુ પ્લાન્ટેશન હોવાથી કુદરતી ઠંડક જળવાઈ રહે છે.

પીપળોદ રોડ

શહેરના પીપળોદ રોડ પર આવેલું આ કેફે ચા ની સ્પેશ્યાલિટી માટે જાણીતું છે. તેમની પાસે 100 થી વધારે જુદી-જુદી ચાની વેરાયટી છે. આ ટેરેસ પર ઓપન સિટીંગ એરિયા બનાવવામાં આવ્યો છે, જેમાં લોકો બેસીને મીટિંગ્સ અને લેપટોપ વર્ક કરી શકે છે. સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી સિટીંગ એરિયામાં સોફાની જગ્યાએ ટાયર સ્ટુલ અને લેઝી ચેરનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. આ કેફેના ઓનર રાજ સી.એ. છે. તેમણે પોતાના ટીના પેશનને પ્રોફેશન બનાવીને આ કેફે ડિઝાઈન કર્યું છે.

  • વિશેષતા
  • 1) આ કેફેમાં 100 રૂપિયે કિલોથી માંડીને 3 લાખ રૂપિયે કિલો સુધીની ચા મળે છે.
  • 2) કેફેમાં ટીની થીમ પર મેડીટેશન એરિયા ડિઝાઈન કરવામાં આવ્યો છે, જેમાં લોકો મેડીટેશન અને મીટિંગ્સ કરી શકે છે.
  • 3) અહીં મળતી સિલ્વચ ચા વિટામિન્સથી ભરપૂર છે, જેનાથી કેન્સર જેવી બીમારીઓ પણ દૂર થાય છે.

Most Popular

To Top