GANDHINAGAR : રાજ્યમાં કોરોના ( CORONA ) એ હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે. તેની સાથે મૃત્યઆંકમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા વિક્રમજનક 6021 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ 55 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં સોમવારે સુરત મનપામાં 18, અમદાવાદ મનપામાં 20, વડોદરા મનપામાં 7, રાજકોટ મનપામાં 4, રાજકોટ ગ્રામ્યમાં 2 અને ભરૂચ, બોટાદ, સાબરકાંઠા અને સુરત ગ્રામ્યમાં એક-એક મળી કુલ 55 દર્દીઓના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 થયો છે, બીજી તરફ સોમવારે 2854 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,17,981 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 1907, સુરત મનપામાં 1174, વડોદરા મનપામાં 261, રાજકોટ મનપામાં 503, ભાવનગર મનપામાં 71, ગાંધીનગર મનપામાં 51, જામનગર મનપામાં 184 અને જૂનાગઢ મનપામાં 43 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 30,680, વેન્ટિલેટર ઉપર 216 અને 30464 દર્દીઓ સ્ટેબલ છે.
અત્યાર સુધીમાં- કુલ 82,37,367 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 11,12,678 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ ( VACCINATION ) પૂર્ણ થયું છે. આમ કુલ 93,50,045 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. સોમવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના કુલ 1,73,196 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 42,558 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
કોરોનાએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. દિવસે દિવસે કોરોના પોતાનો ગાળીઓ મજબૂત બનાવી રહ્યો હોય તેમ વધુને વધુ પોઝિટિવ કેસો ( POSITIVE CASE ) આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાની વણસતી જતી સ્થિતિમાં નાગરિક લાઈનોમાં અટવાયો હોય તેમ લાગી રહ્યું છે. કોરોનાની સ્થિતિમાં ગુજરાતના મોટા શહેરોમાં ઠેરઠેર લાંબી લાઈનો જોવા મળી રહી છે.ગુજરાતમાં હાલની જોવા મળતી સ્થિતિ પ્રમાણે દરેક નાગરિક ક્યાંકને ક્યાંક કોઈક લાઈનમાં અટવાતો જોવા મળી રહ્યો છે. જો કોઈ નાગરિકને સામાન્ય શરદી –ખાંસી કે તાવના લક્ષણો જણાય તો તે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઊભેલો જોવા મળી રહ્યો છે. તેમાંય જો રિપોર્ટ પોઝિટિવ આવે તો, હોસ્પિટલમાં દાખલ થવા માટેની લાંબી લાઈનોમાં સ્કેચર ઉપર જોવા મળી રહ્યા છે.
જેમ તેમ કરીને ક્યાંક હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા થાય અને સારવાર શરૂ થાય તો, તેમાં પણ જો તબિયત કથળે તો દર્દીઓના સગાઓ રેમડેસિવિર ( REMDESIVIR ) ઇન્જેક્શન લેવા માટે લાંબી લાંબી લાઈનોમાં અટવાતા જોવા મળી રહ્યા છે. મહામુસીબતે અને કલાકોની જહેમત બાદ પણ ઇન્જેક્શનો મળી રહ્યા નથી. જેથી દર્દીનું મૃત્યુ થાય છે. મૃત્યુ બાદ પણ મનુષ્યના મૃતદેહને અંતિમવિધિ માટે પણ સ્મશાનમાં લાઈનમાં ઉભા રહેવું પડે છે. ગુજરાતમાં કોરોનાની વિકટ સ્થિતિમાં નાગરિક બિચારો લાઈનોમાં અટવાતો જોવા મળી રહ્યો છે.