SURAT

બોલો, ‘કોરોના’ નામની કંપની ખોલી સાડા ત્રણ કરોડની GST ઉસેટી લીધી

સુરત: (Surat) ચીટર્સ સરકારી વ્યવસ્થાનો કેવો મજાક ઉડાવી રહ્યા છે તેના રોચક દાખલા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓને જીએસટી (GST) રજિસ્ટ્રેશન લેવામાં સરળતા રહે અને વેપાર સરળતાથી થાય તે માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની (Online Regestration) વ્યવસ્થા કરવામાં આવી છે. તેના આધારે વેપારીઓ સરળતાથી જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકે છે. પરંતુ ચીટર્સ સરકારની આ વ્યવસ્થાનો ગેરલાભ લઇ આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે.

માર્ચ મહિનામાં જ્યારે દેશભરમાં તમામ વેપાર-ઉદ્યોગો બંધ હતા, એ સમયે સુરતના રિંગ રોડ ખાતેના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સરનામે કોઈએ કોરોના એન્ટરપ્રાઇઝ નામની કંપની નોંધાવી અને તેના નામ પર ખરીદી અને વેચાણનાં ખોટાં બિલો બનાવી મહારાષ્ટ્રની કંપનીને સાડા ત્રણ કરોડ રૂપિયાની જીએસટી પાસ-ઓન કરી હતી. જ્યારે સેન્ટ્રલ જીએસટી વિભાગને તેની માહિતી મળી ત્યારે અધિકારીઓએ ઉપરોક્ત સરનામે તપાસ કરી. તપાસમાં આ કંપની જણાવેલા સરનામા પર મળી ન હતી.

જો કે, તપાસ દરમિયાન વધુમાં જાણવા મળ્યું હતું કે, કોરોના એન્ટરપ્રાઇઝ નામની કંપની ઓરિસ્સામાં પણ રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. આ કંપની જય કુમારના નામના પ્રોપાયટર દ્વારા નોંધાયેલી છે. હાલમાં જીએસટી વિભાગે તપાસ આગળ વધારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટી રજિસ્ટ્રેશન ઓનલાઇન નોંધણીને કારણે ચીટર લોકો ખોટાં ડોક્યુમેન્ટના આધારે કંપનીની નોંધણી કરાવે છે અને આઈટીસી પાસ-ઓન કરે છે. એક માહિતી અનુસાર સુરતમાં બોગસ આઈટીસીનો ખેલ મોટા પાયે ચાલી રહ્યો છે.

વાપીના હાર્ડવેરના ત્રણ શોરૂમ પર જીએસટીના દરોડા, મોટી ડ્યુટી ચોરી પકડાવાની સંભાવના

વાપી : વાપીના ત્રણ મોટા હાર્ડવેરના શોરૂમ પર જીએસટી વિભાગ(ડીજીજીઆઇ) દ્વારા દરોડા પાડીને ખરીદ-વેચાણ અંગેની તપાસ હાથ ધરી છે. જોકે હજી તપાસ ચાલતી હોવાથી કેટલી રકમનો રોકડથી વ્યવહાર થયો હતો તેનો આંક મળ્યો નથી. જીએસટી વિભાગની તપાસમાં હમણાં મોટા પ્રમાણમાં રોકડથી ખરીદ-વેચાણ થયું હોવાની ચોંકાવનારી વિગત મળી છે.

૨૦૨૧ના નવા વર્ષના આરંભમાં જ જીએસટી વિભાગે વાપીના હાર્ડવેરના ત્રણ શોરૂમ ફર્નિપાર્ટ, ટર્નિંગ પોઇન્ટ તથા છેડા પ્લાયમાં તપાસ હાથ ધરી છે. જીઆઇડીસી ચાર રસ્તા નજીક હાર્ડવેર તેમજ પ્લાયના મોટા શોરૂમ પર જીએસટી વિભાગના દરોડાથી વાપી પંથકમાં ખળભળાટ મચી ગયો છે. કોરોનામાં ધંધા ઠપ્પ થઇ ગયા બાદ હવે ફરી ધંધામાં થોડો ઉછાળ આવતા હાર્ડવેરના વેપારીઓના વહેવારની તપાસ કરવા વાપીમાં મોટા શોરૂમ પર જીએસટીની ટીમે સાગમટે દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. જોકે તપાસમાં જીએસટીના ટેક્સ કેટલી રોકડ રકમના આ વહેવારને કારણે ભરવી પડશે તેનો આંક મળ્યો નથી. તપાસ પુરી થતા આંકડો મોટો આવે તેવી પુરી સંભાવના છે. ડીજીજીઆઇએ દરોડા પાડીને હમણાં તો વાંધાજનક દસ્તાવેજ જપ્ત કરીને તપાસ આગળ વધારી છે. આ દરોડના કાર્યવાહીમાં મોટી જીએસટીની ટેક્સની ચોરી બહાર આવે તેવી સંભાવના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top