કાઠમંડુ : વિશ્વભર (માં પોતાનો આતંક મચાવનારા કોરોના વાયરસે હવે વિશ્વના સૌથી ઉંચા શિખર એવરેસ્ટ પર પણ પગદંડો જમાવ્યો છે. પર્વતારોહણ સાથે જોડાયેલા એક નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 100 પર્વતારોહક અને સપોર્ટ સ્ટાફનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
જો કે નેપાળ (NEPAL)ના અધિકારીઓ આ વાતને નકારી રહ્યા છે. ગત અઠવાડિયે કોરોનાના ડરના કારણે પોતાનું એવરેસ્ટ અભિયાન રોકનાર ઓસ્ટ્રિયાનો લુકાસ ફર્ટનબાક એકમાત્ર મુખ્ય પર્વતારોહક રહ્યો હતો. તેણે શનિવારે કહ્યું હતું કે તેના વિદેશી ગાઇડ (FOREIGNER GUIDE) અને છ નેપાળી શેરપાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
ફર્ટનબાકે નેપાળના પાટનગરેથી જણાવ્યું હતું કે અમે બધા જ પોઝિટિવ કેસ બાબતે જાણીએ છીએ. બચાવ ટીમ, વીમા કંપનીઓ, તબીબો, પર્વતારોહણ સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે તેની પુષ્ટિ કરી લેવામાં આવી છે. મારી પાસે પોઝિટવ લોકોની યાદી છે. તેથી અને સાબિત કરી શકીએ છીએ. તેણે કહ્યું હતું કે અમારી પાસે ઓછામાં ઓછા 100 એવા લોકોની યાદી છે, જેમનો બેઝ કેમ્પમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
આ આંકડો 150 કે 200થી વધુ હોઇ શકે છે. ફર્ટનબાકે કહ્યું હતું કે એવરેસ્ટ બેઝ કેમ્પમાં જ ઘણાં કેસ હતા, કારણકે મેં જાતે બિમાર લોકોને જોયા છે. આ સિઝનમાં 408 વિદેશી પર્વતારોહકેને એવરેસ્ટ આરોહણની મંજૂરી મળી હતી. તેમની સાથે ઘણાં શેરપાઓ તેમજ સાથીઓ રહેતા હતા કે જેઓ એપ્રિલથી જ બેઝ કેમ્પમાં છે.