‘5મેના રોજ ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝન’ [WHO]ના ડિરેક્ટર ટેડ્રોસ ઘેબ્રેયેસુસે ટ્વિટ કરીને જાહેરાત કરી કે કોવિડ-19 હવે ‘અન્ડર કન્ટ્રોલ’ છે અને એ રીતે દુનિયાભરમાં ન્યૂઝ પ્રસર્યા કે કોરોના મહામારી હવે તેના અંત તરફ છે. કોરોના મહામારીમાં વિશ્વ 3 વર્ષ, 3 મહિના અને 5 દિવસ રગદોળાયું અને તેમાં અંદાજે 70 લાખ લોકો મૃત્યુ પામ્યા. હજુ હમણાં જ દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા હતા ત્યારે આ દિવસ આટલા જલદી આવશે તેમ લાગતું નહોતું. 5 મહિના પહેલાં તો ચીનમાં લાખોમાં કોરોનાના કેસ આવી રહ્યા હતા અને જેમ વિશ્વમાં હેલ્થ સિસ્ટમ તૂટી પડી હતી તેમ ચીનમાં પણ થયું હતું.
હવે શું ખરેખર કોરોનાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે અને તેની કોઈ ગેરેન્ટી છે કે કોરોના ફરી વાર નહીં આવે? કોરોના વાયરસની કાયમી વિદાય નહીં થાય. કોરોના આપણી વચ્ચે આવી ચૂક્યો છે અને રહેશે એવું અનેક નિષ્ણાતો માની રહ્યા છે પરંતુ કોરોના વાઇરસની તીવ્રતા ઘટી છે અને ઉપરાંત દુનિયાભરના લોકો તેનાથી સંક્રમિત સુધ્ધાં થઈ ચૂક્યા છે. આપણા દેશમાં 90% લોકોએ કોરોનાની રસી મુકાવી છે. આ રીતે કોઈ ને કોઈ રીતે કોરોના વાઇરસથી લોકો સંક્રમિત થયા છે. આજે કોરોનામુક્ત થયાની જાહેરાતથી આનંદ જરૂર થાય પણ તેની પાછળ 70 લાખ લોકો મૃત્યુ પામ્યા છે તે યાદ રાખવું જોઈએ. 70 લાખનો આંકડો ઓફિશ્યલી મુકાય છે જ્યારે ભારત અને વિશ્વમાં અગણિત એવાં મોત થયા છે જેની માહિતી મેળવી શકાઈ નથી.
કોરોનાના અંતની જાહેરાત કરવાની આવશ્યકતા વર્તાઈ તેનું એક કારણ વિશ્વમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસ હતા. આ ઉપરાંત કોરોનાથી મૃત્યુ પણ સતત ઘટ્યા છે તે કારણે પણ કોરોનાનો હાઉ દૂર કરવાની જરૂર હતી. જો કે જ્યારે WHOના ડિરેક્ટરે કોરોના મહામારીના અંતની જાહેરાત કરી ત્યારે તેમના ટ્વિટર હેન્ડલ પર તેમનો વિરોધ કરતા લાખોમાં પ્રતિભાવો આવ્યા કારણ કે જેઓએ બીમારીમાં સ્વજનો ગુમાવ્યા તેમને WHO અને અન્ય સ્વાસ્થ્ય સંસ્થાનોએ ભૂમિકા યોગ્ય રીતે ભજવી નથી તેવું લાગી રહ્યું છે.
કોરોના વિશે ક્યારેય કોઈ ઠોસ રીતે કહી શક્યું નથી. આજેય કોરોનાની વેક્સિનને લઈને વ્યક્તિને સુરક્ષા મળે છે કે નહીં તે અંગેના પ્રશ્નો ઊઠે છે. જો કે કોરોના બાબતે વિજ્ઞાનીઓ સ્પષ્ટ રીતે એવું માનતા હતા કે વેક્સિન કોરોનાની ગંભીર અસર ખાળી શકતી હતી, નહીં કે કોરોનાથી સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપતી હતી અને આ જાહેરાત વારંવાર થઈ હતી. કોરોનાના અંતને લઈને હજુ નિષ્ણાતો પોતાના મંતવ્ય આપી રહ્યા છે અને તેમાં WHOના ટેક્નિકલ બાબતોના પ્રમુખ મારીઆ વાન કેરખાવે જે કહ્યું છે તે ખાસ જાણવા જેવું છે.
તેમનું કહેવું છે કે, “સાર્સ-કોવ-2 વાયરસ કોવિડ-19 બીમારી માટે જવાબદાર છે અને હવે વાઇરસ 2020 અને 2021માં જેમ ઘાતક હતો તેવો રહ્યો નથી અને હવે આ વાઇરસ એક પેટર્નમાં ઢળી ગયો છે અને હવે તેનો ક્રમે ક્રમે અલગ અલગ સબ વેરિઅન્ટમાં વિકાસ થશે. તેનાથી કેસ પણ વધશે પરંતુ તેની ઘાતકતા અગાઉ જેવી રહેશે નહીં અને અગાઉની જેમ સ્વાસ્થ્ય માળખા પર કોઈ જ દબાણ આવશે નહીં.”
WHOના એક્ઝિક્યુટીવ અધિકારી ડો.માઇકલ રાયન તેમના ટેક્નિકલ પ્રમુખથી બિલકુલ વેગળી વાત કરે છે. તેમનું કહેવું છે કે, “વૈશ્વિક દૃષ્ટિકોણથી કોવિડની કટોકટીનો અંત આવ્યો છે પરંતુ હજુય કોવિડ એવા લોકો માટે કટોકટી છે, જેમના સ્વજનો આજે પણ તેનાથી સંક્રમિત થયા છે અને તેમને હોસ્પિટલ જવું પડ્યું છે. તેમના માટે હજુય આ કટોકટી છે.” નિષ્ણાતો જ્યારે આ રીતે નિવેદન આપે ત્યારે લોકોની ગડમથલ ઓર વધે છે.
આપણા દેશની વાત કરીએ તો થોડા દિવસો અગાઉ કોરોનાના કેસ વધ્યા છતાં જે અગાઉ પ્રિકોશન લેવાતા હતા તે વાત તો સાવ ભૂલાઈ ગઈ છે. આપણા દેશમાં તો કોવિડની સૌથી ઘાતક બીજી વેવમાં પણ સામાન્ય નિયમો પળાવવા માટે તંત્રને મહેનત કરવી પડતી હતી. હવે જ્યારે WHO દ્વારા જ કોરોનાને વિદાય આપી દેવામાં આવી છે તો સ્વાભાવિક છે દેશમાં હવે ક્યાંય કોઈ પ્રકારનું કોરોનાથી સુરક્ષા કવચ દેખાશે નહીં. પરંતુ WHOએ મહામારીના અંતની જાહેરાત કર્યા છતાં તેને અનુલક્ષીને 2 વર્ષનું આયોજન કર્યું છે, જેથી ફરી કોઈ ગંભીર સ્થિતિ ઊભી ન થાય.
જેમ કે આપણા દેશને લઈને WHOનું માનવું છે કે કોરોના થયા પછીની લાંબા ગાળે થનારી અસરો વિશે આપણે કશો જ ઠોસ અભ્યાસ કર્યો નથી. ખુદ WHOના ડિરેક્ટર ટેડ્રોસ ઘેબ્રેયેસુસેનું માનવું છે કે કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા 10 માંથી 1 વ્યક્તિને ‘લોન્ગ કોવિડ’ની અસર થઈ છે. મતલબ કે તેઓ કોરોનાના લાંબા ગાળાની અસરથી પીડિત છે અને ભારત વિશે ખાસ ટિપ્પણી કરતા ટેડ્રોસે કહ્યું છે કે જે રીતે ભારતમાં કરોડોની સંખ્યામાં કેસ આવ્યા ત્યાં તો આ અભ્યાસ ખાસ થવો જોઈતો હતો. હાલમાં દેશભરમાંથી એવા ઘણા કિસ્સા જોવા મળે છે જ્યાં યુવાનોના હૃદય હુમલાથી મોત થઈ રહ્યા હોય.
આ બધા કિસ્સામાં કોરોનાની અસરની તપાસ થવી જોઈએ, જે થઈ નથી. આ ઉપરાંત કોરોનાની અસર માનસિક સ્વાસ્થ્ય, આંખ, કિડની અને ન્યૂરોલોજિકલ થઈ હોય તેવું પણ નિષ્ણાતોનું માનવું છે. વિદેશોમાં કોરોનાને લઈને વિસ્તૃત સંશોધન થઈ રહ્યા છે. હાવર્ડમાં ‘પબ્લિક હેલ્થ સેન્ટર ફોર કોમ્યુનિકેબલ ડિસિસ ડાયનેમિક’ના અસોશિયેટ પ્રોફેસર વિલિયમ હનાગેનું માનવું છે કે, “મહામારીના અંત છતાં આપણે હજુ વાટ જોવી પડશે. ગત ઠંડીમાં આપણને ઓમિક્રોને ચેતવ્યા હતા કે આપણે ધ્યાન ન ભટકાવીએ.
ત્યારે સબ વેરિએન્ટે થોડા જ દિવસોમાં ફરી દુનિયાભરમાં લહેર પ્રસરાવી હતી. તે વખતે ઓમિક્રોન ઘાતક બનીને નહોતો આવ્યો તેમ છતાં જે રીતે કેસ વધ્યા હતા તે ભીતિ પમાડે એવું હતું.” આ ઉપરાંત કેટલાક કિસ્સામાં એવુંય સાબિત થયું હતું કે નવા મ્યુટન થઈ રહેલા વાઇરસમાં રસી કારગર નથી. આપણા દેશમાં પણ જ્યાં સૌથી વધુ સાવચેતી અને કારગર ઉપાય કરવામાં આવ્યા તે રાજ્ય કેરળમાં સૌથી વધુ મૃત્યુ થયા હતા. આશ્ચર્ય થાય પણ ભારતમાં કોરોનાનો સૌથી વધુ મૃત્યુદર દક્ષિણના રાજ્યોમાં રહ્યો. જ્યારે ઉત્તરમાં કોરોનાની અસર ઓછી રહી. આ કિસ્સામાં બીજી દલીલ એ પણ થાય છે કે દક્ષિણના રાજ્યોમાં કોરોનાના કેસની નોંધણી યોગ્ય રીતે થઈ જ્યારે ઉત્તરમાં તે પ્રમાણે નોંધણી ન થઈ.
કોરોનાની ભારતમાં સંપૂર્ણપણે નાબૂદી છતાં હજુય જે પ્રમાણમાં આપણી વસતી છે તે રીતે સતત તેના પર નજર રાખવાની જરૂર છે. હજુ તો આ જ વર્ષે 22 માર્ચના રોજ ખુદ વડા પ્રધાને હાઇલેવલ મીટિંગ કરી હતી, જ્યારે એક વખત કોરોનાના કેસ ફરી વધ્યા હતા. કોરોનાની મહામારીનો અંત આવ્યા છતાં હજુ પણ તેને લઈને અસમંજસનો અંત આવ્યો નથી. કોરોના બિલકુલ અનિશ્ચિત રહ્યો છે.
ઘણા કિસ્સામાં તો લક્ષણો હોવા છતાં રિપોર્ટમાં કોરોના ન આવ્યા હોવાના દાખલા છે અને કેટલાકના કિસ્સામાં સ્વસ્થ દેખાતી વ્યક્તિમાં કોરોના રિપોર્ટમાં આવ્યો છે. નિષ્ણાતો મુજબ મહામારી બીમારી અલગ-અલગ રીતે પ્રસરે છે, વર્તે છે અને ઘણા કિસ્સામાં તેનો ઇલાજેય અલગ-અલગ રીતે થાય છે. દુનિયાભરમાં કોરોનાના કારણે આવેલી કટોકટી હાલ પૂરતી હાશકારો આપતી હોવા છતાં, કાયમ માટે આપણને એક શીખ આપીને ગઈ કે સ્વાસ્થ વ્યક્તિગત અને સામૂહિક રીતે ખૂબ અગત્યની બાબત છે, જો તેના પર ધ્યાન ન અપાય તો કટોકટી આવી સમજો.