Editorial

ધાર્મિક, સામાજીક, રાજકીય કાર્યક્રમોથી કોરોના નહીં ફેલાય, માત્ર લગ્નપ્રસંગોથી જ ફેલાશે?

જ્યારથી કોરોના ફેલાયો ત્યારથી સરકાર દ્વારા વિવિધ મુદ્દે કોરોનાને કાબુમાં કરવા માટે નિયંત્રણો મુક્યા હતાં. સરકારની એવી માન્યતા હતી કે તેનાથી કોરોનાના કેસ ઘટશે, પરંતુ અનેક નિયમો એવા સાબિત થયા છે કે તેનાથી કોરોનાના કેસ ઘટવાનું બાજુ પર રહ્યું, ઉપરથી લોકો ભારે હેરાન થયા છે. સરકારે જ્યારે કોરોનાના કાબુમાં કરવાનો હતો ત્યારે ચૂંટણી પ્રચારમાં હજારો લોકો ભેગા થવા છતાં પણ કોઈ જ પગલા લેવામાં આવ્યા નહીં. પરિણામ કોરોનાની બીજી લહેર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ ફરી વળી. સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું. જરૂરી પણ હતું પરંતુ જો એક જ કારમાં એક જ ફેમિલી જતું હોય તો માસ્કના નામે દંડ કરવો તે સ્હેજેય વ્યાજબી નહોતું. કારમાં સરકાર માસ્ક પહેરાવશે તો શું ઘરમાં પણ ફેમિલીએ માસ્ક પહેરીને રહેવાનું? આ શક્ય જ નહોતું. સરકારે તેમાં કોઈ છૂટ આપી નહીં અને સરવાળે લોકો હેરાન થયાં. આવી જ રીતે સરકારે કોરોનાના ટેસ્ટ માટે પણ લાઈનો કરાવી. ટેસ્ટિંગમાં પોઝિટિવ આવે તે પછીની વાત છે પરંતુ લાઈનો થવાને કારણે કેસ વધવાની સંભાવના રહેલી હતી.

કોરોનાને કાબુમાં કરવા માટે રાત્રિ કરફ્યુ નાખવામાં આવ્યો. તો પહેલો પ્રશ્ન ઉઠ્યો કે શું રાત્રિ દરમિયાન જ કોરોના વાયરસથી લોકો સંક્રમિત થાય છે. આ નિર્ણય પાછળ પણ કોઈ લોજિક નહોતું. સરકારે એવું કહ્યું કે કોરોનાને કાબુમાં કરવા માટે વેક્સિન જરૂરી છે. પરંતુ વેક્સિનનો પૂરતો જથ્થો જ મળતો નથી. હાલમાં સુરત સહિત આખા રાજ્યમાં લોકો વેક્સિન માટે લાઈનો લગાડી રહ્યાં છે. વેક્સિન મળશે તે પછીની વાત છે પરંતુ તે પહેલા જ લાઈનોમાં ઊભા રહેવાને કારણે કોરોનાથી સંક્રમિત થવાની અનેક સંભાવનાઓ રહેલી છે. આવી જ રીતે 1લી ઓગષ્ટથી અનલોક કરવાના ભાગરૂપે ગુજરાત સરકારે એવો નિર્ણય લીધો કે વિવિધ સામાજિક પ્રસંગોમાં લોકોની હાજરીની સંખ્યા વધારીને 400 કરી શકાશે. અગાઉ આ સંખ્યા 200 હતી. સરકારે જ્યારે જાહેરાત કરી ત્યારે લોકોએ એવું સમજી લીધું હતું કે લગ્નપ્રસંગોમાં પણ 400 વ્યક્તિની હાજરી રાખી શકાશે પરંતુ આ જાહેરાતનો અમલ થાય તે પહેલા જ સરકારે ફરી ફેરવી તોળ્યું છે. સરકારે હવે લગ્નપ્રસંગોમાં માત્ર 150ની જ હાજરી મર્યાદિત કરી છે.

જોકે, સરકારે આ માટે જે ખુલાસો રજૂ કર્યો છે તે લોજિક વિનાનો અને હાસ્યાસ્પદ છે. સરકારે એવું કહ્યું છે કે અન્ય સમારંભ બેથી ત્રણ જ કલાક ચાલે છે. જ્યારે લગ્નપ્રસંગ આખો દિવસ ચાલતો હોય છે. પરંતુ સાથે સાથે સત્ય એ છે કે 90 ટકા લગ્નપ્રસંગ એવા હોય છે કે જેમાં આખા દિવસના પ્રસંગમાં મોટાભાગે ઘરના જ લોકો હોય છે. અને ઘરના લોકોની સંખ્યા 400 થાય તેવો કોઈ પરિવાર હોતો નથી. મોટાભાગે જ્યારે લગ્ન ચાલતા હોય કે પછી સત્કાર સમારોહ ચાલતો હોય ત્યારે જ મોટા પ્રમાણમાં હાજરી થાય છે અને તે પણ અમુક કલાકો પૂરતા જ હોય છે. સરકારે ધાર્મિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક કાર્યક્રમો માટે 400 વ્યક્તિઓની છુટ આપી છે. સરકારે એ સમજવું જોઈએ કે આ કાર્યક્રમો પણ ઘણી વખત આખો દિવસ ચાલતા હોય છે. તો તેમાં કેવી રીતે કોરોનાના સંક્રમણને અટકાવી શકાશે? આવા કાર્યક્રમોને કારણે જ મોટાભાગે કોરોના ફેલાતો હોય છે. લગ્નપ્રસંગોને કારણે કોરોનાના મોટાપાયે કેસ મળ્યા હોય તેવો એકપણ દાખલો ગુજરાતમાં નથી.

હવે ગુજરાતમાંથી કોરોના લગભગ નાબુદ થવાની સ્થિતિમાં છે. જો ત્રીજી લહેર નહીં આવે તો કોરોનાના વળતાં પાણી છે. આ સંજોગોમાં સરકાર દ્વારા જે કોઈપણ નિર્ણયો લેવામાં આવે તે તાર્કિક અને લોકોને હેરાન નહીં કરે તેવા હોવા જોઈએ. સરકાર લોકોને જીવન જીવવાની સરળતા ઊભી કરવા માટે હોય છે. જો સરકાર આટલું સત્ય સમજી લેશે તો ગુજરાતમાં રામરાજ્ય સ્થપાશે તેમાં કોઈ બે મત નથી.

Most Popular

To Top